બુધવાર, 1 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Modified: બુધવાર, 27 સપ્ટેમ્બર 2023 (00:12 IST)

અમદાવાદમાં પતિ અને સાસુના શારીરિક અને માનસિક ત્રાસથી કંટાળી પરિણીતાએ આપઘાત કર્યો

suicide
અમદાવાદમાં લગ્ન બાદ સાસરિયાઓના ત્રાસથી પરિણીતાનો સંસાર તૂટવાની અનેક ઘટનાઓ સામે આવી રહી છે. પતિ અને સાસરિયાઓના શારીરિક અને માનસિક ત્રાસને કારણે પરીણિતાના આપઘાતના બનાવો પણ સામે આવ્યાં છે. ત્યારે વધુ એક પરીણિતાએ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. પરીણિતાની માતાએ સરખેજ પોલીસ સ્ટેશનમાં પતિ અને સાસુ સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદ નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. 
 
પ્રાપ્ત વિગતો પ્રમાણે ગત ફેબ્રુઆરીમાં વટવામાં રહેતી મુસ્કાનબાનુના લગ્ન સરખેજમાં રહેતા અજીજ સાથે થયા હતાં. લગ્ન બાદ તે સાસરિયાઓ સાથે રહેવા ગઈ હતી. લગ્ન બાદ થોડા સમય સુધી તેને સારી રીતે રાખવામાં આવી હતી. ત્યાર બાદ તેની સાસુ અને નણંદ કામને લઈને મ્હેણાં ટોણાં મારવા લાગ્યા હતાં. તેઓ નાની નાની વાતોમાં ઘરમાં ઝઘડા કરતાં હતાં. આ મામલે પરીણિતાએ તેના પતિ સાથે વાત કરતાં પતિએ પણ સાસુ અને નણંદનો પક્ષ લઈને પરીણિતાને ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. તે પિયર જવાનું કહેતી તો ઘરમાં કામ કોણ કરશે એમ કહીને તેને ત્રાસ આપવામાં આવતો હતો. 
 
પરિણાતાએ તેની માતાને આખી વાત કહી હતી. ત્યાર બાદ પિયર આવવાનું કહ્યું હતું. ત્યારે તેની માતા અને મામાઓએ સંસારમાં આ બધુ ચાલ્યા જાય તેમ કહીને ઘર કરીને રહેવા માટેની સલાહ આપીને તેને સાસરીમાં રહેવા માટે કહ્યું હતું. પરીણિતાએ તેમની વાત માનીને સાસરીમાં રહેવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન તેની સાસુ અને નણંદે તેની સાથે વધુ ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. તેનો પતિ પણ તેની સાથે ઝગડા કરતો હતો. જેથી પરીણિતાએ ફરીવાર તેની માતાને આ વાત જણાવી હતી અને માતાએ તેને ઘરે આવવાનું કહેતા તેણે કહ્યું હતું કે, તેનો પતિ ઘરે આવે પછી તે પિયરમાં આવી જશે. ત્યાર બાદ તેની સાસુનો માતા ઉપર ફોન ગયો હતો કે તમે જલદીથી હોસ્પિટલ આવી જાઓ તમારી દીકરીએ ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો છે. દીકરીની દફન વિધી પૂર્ણ કર્યા બાદ તેની માતાએ પોલીસમાં પતિ, સાસુ અને નણંદ સામે ફરિયાદ નોંધાવી હતી