સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. દશેરા
Written By

દશેરા વિશેષ : શમી પૂજનનું મહત્વ

રધુ રાજાને પણ સીમાઉલ્લંગન કરવાનો પ્રસંગ આવ્યો હતો. રધુ રાજાની પાસે વરતંતનો શિષ્ય કૌત્સ આશ્રમને માટે ગુરૂદક્ષિણાના રૂપમાં સુવર્ણની ચૌદ કરોડ મુદ્રાઓ લેવા આવ્યો હતો. બધી દક્ષિણા દાન આપી શરદના મેઘની જેમ રધુ રાજા ખાલી થઈ ગયો હતો. રધુ રાજાને લાગ્યું કે એક વેદવિધિવત સ્નાતક ગુરૂદક્ષિણા માટે આવીને ખાલી હાથે મારા આંગણેથી પાછો જાય તો મારી સાત પેઢી લજ્જિત થઈ જાય. આવો અપયશ હું નહી લઉ. 

રધુએ કુબેર, જે હંમેશા ધનસંગ્રહ કરીને બેસ્યા છે. તેમને સીમાઉલ્લંગનનું 'અલ્ટિમેટમ' આપ્યુ. ઘબરાઈને કુબેરે શમી વૃક્ષ પર સુવર્ણ મુદ્રાઓની વર્ષા કરી. શમી વૃક્ષે વૈભવ આપ્યો. તેથી તેનું પૂજન થવા માંડ્યુ. પાંડવોએ પોતાના દિવ્ય અસ્ત્રો પણ શમીના વૃક્ષ પર જ સંતાડી રાખ્યા હતા. તેને કારણે પણ શમીનું મહત્વ વધ્યુ છે.

રધુ રાજાએ શમી વૃક્ષ પર વર્ષાના રૂપમાં પડેલી સુવર્ણ મુદ્રાઓ કૌત્સને આપી. કૌત્સે કહ્યુ કે હું ચૌદ કરોડથી વધારે નહી લઉ. ત્યારે રધુ રાજાએ કહ્યુ કે -બાકીની મારા ભંડારમાં નહી રાખુ. વૈભવ નહી લેવાનો આગ્રહ કદાચ ફક્ત ભારતમાં જ જોવા મળશે. બાકીની સુવર્ણ મુદ્રાઓ લોકો દ્રારા લૂંટાવી દેવામાં આવી.

સુવર્ણ મુદ્રાઓના પ્રતીકના રૂપમાં આજે પણ શમીની પૂજા કરવામાં આવે છે. શમીના પત્તા એકબીજાને આપવામાં આવે છે. આ પત્તા આપવા પાછળ એવી ભાવના છે કે જે વૈભવ મને મળ્યો છે તે હું એકલો નહી ભોગવુ. અમે બધા હળી-મળીને ભોગવીશુ. અમે વહેંચીને ખાઈશુ.

દશેરાનો દિવસ એટલે સમાજમાં વ્યાપેલી ગરીબી, લાચારી અને ભોગની વૃત્તિનો નાશ કરવા માટે કટિબંધ થવાનો દિવસ. ધન વૈભવને વહેંચવાનો દિવસ. દશેરા એટલે વીરતાનો વૈભવ, શોર્યના શ્રૃગાર અને પરાક્રમની પૂજા. દશેરા એટલે ભક્તિ અને શક્તિનું પવિત્ર મિલન.