બુધવાર, 1 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: મંગળવાર, 4 એપ્રિલ 2017 (11:48 IST)

અમિત શાહનો માસ્ટર પ્લાન, સામાજિક આગેવાનો થકી આંદોલનો ડામી દેવાશે

ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ વહેલી આવી રહી છે તેવી રાજકીય અફવાને પગલે ભાજપ-કોંગ્રેસમાં ચૂંટણી ધમધમાટ શરૃ થયો છે. યુપી સહિતના પાંચ રાજ્યોમાં સફળતા મળ્યા બાદ ભાજપ ફુલફોર્મમાં છે. બીજી તરફ, કોંગ્રેસ પણ વર્ષો બાદ ગુજરાતની જનતા કોંગ્રેસને સત્તાનું સુકાન સોંપશે તેવુ માની રહી છે. ગુજરાતની બે દિવસીય મુલાકાતમાં અમિત શાહે ભાજપના પદાધિકારીઓ,પ્રદેશના નેતાઓને ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપ્યું હતું. આ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી-અમિત શાહે મિશન ગુજરાત-૧૫૦ સર કરવા ભાજપને લક્ષ્યાંક આપ્યો છે ત્યારે અમિત શાહે ગુજરાતની વર્તમાન રાજકીય પરિસ્થિતીને લક્ષમાં રાખીને ગુજરાત કોગ્રેસને નેતૃત્વવિહોણુ કરવા માસ્ટર પ્લાન ઘડી કાઢ્યો છે.

ગત વિધાનસભાની ચૂંટણીમાં ઘણાં કોંગ્રેસના ધારાસભ્યો પાંચેક હજારથી ઓછા મતોથી હાર્યા છે. ભાજપે એવુ નક્કી કર્યું છેકે, ઓછા માર્જિન ધરાવતી બેઠકો કે જે હાલમાં કોંગ્રેસના ફાળે છે તે કબજે કરવા ભાજપે અત્યારથી તૈયારીઓ કરી છે. આ બેઠકો પર બુથ મેનેજમેન્ટ સુદ્રઢ બનાવી અંકે કરવા ભાજપની ગણતરી છે જેથી બેઠકોમાં વધારો થઇ તેમ છે.

હજુયે ગુજરાત ભાજપમાં અમિત શાહ અને આનંદીબેન પટેલ જૂથ આમને સામને છે. સંગઠનમાં નિમણૂંકો બાકી છે. જીતુ વાઘાણીની ટીમને હજુ નવો ઓપ અપાયો નથી. જૂની ટીમથી કામ ચલાવાઇ રહ્યું છે ત્યારે અમિત શાહે સંગઠનના માળખાને વધુ મજબૂત બનાવવા સાથે નિમણૂંકો આપવા લીલીઝંડી આપી દીધી છે. આ ઉપરાંત જૂથવાદ ટાળવા માટે અંદરોઅંદર મનામણા માટે પણ મોવડીમંડળે તૈયારીઓ કરી દીધી છે. આમ, બંન્ને જૂથ વચ્ચેના રાજકીય ખટરાગનો અંત લવાશે ગુજરાત મિશન-૧૫૦ સર કરવા માટે અમિત શાહે કોગ્રેસના કેટલાંક ધારાસભ્યોને ભાજપમાં પ્રવેશ કરાવવા માટે રાજકીય તખ્તો ગોઠવ્યો છે. અત્યારથી રાજકીય સોદા થઇ રહ્યાં છે. ટિકિટથી માંડીને મંત્રીપદ,બોર્ડ નિગમોનુ ચેરમેનપદુ સહિતની ઓફરો થવા માંડી છે. આવી ઓફરો થકી કોંગ્રેસના મજબૂત જનાધાર ધરાવતાં ધારાસભ્યો પર અમિત શાહે નજર માંડી છે. જો કોંગ્રેસના બોલકાં,પરંપરાગત બેઠકો ધરાવતાં ધારાસભ્યો ભાજપમાં પ્રવેશ મેળવે તો ગુજરાત પ્રદેશમાં કોંગ્રેસમાં મોટુ ગાબડુ પાડવા ગોઠવણ કરાઇ છે. ખાસ કરીને આદિવાસી-ક્ષત્રિય,પાટીદાર ધારાસભ્યોને ભાજપમાં લેવા ગુપ્ત રણનિતી નક્કી કરાઇ છે.
ગુજરાત વિધાનસભાની આ વખતની ચૂંટણી યુપી પેટર્ન આધારે જ લડાશે તેવા એધાણ છે. અત્યારથી લેવ જેહાદ, ત્રિપલ તલ્લાક ,રામમંદિર, કતલખાનાં જેવા મુદ્દાને ગુંજતો કરવા ભાજપે ભગીની સસ્થા વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગદળ સહિત સાધુસંતોની મદદ લેવા રણનિતી ઘડી છે. આ ઉપરાંત ગૌવંશ હત્યાના કાયદાને આગળ ધરીને ભાજપનો ભરપુર પ્રચાર કરાશે. વિકાસની સાથે હિન્દુત્વને ભેળવીને કેસરિયા પેટર્ન થકી ચૂંટણી જિતવા ભાજપે નક્કી કર્યું છે. આ કારણોસર મંત્રીઓના પ્રવચનમાં પણ હિન્દુત્વની છાંટ જોવા મળી રહી છે.
ગુજરાતમાં અત્યારે બે લધુમતી ધારાસભ્યો લઘુમતી સમાજનું પ્રતિનિધિત્વ કરી રહયાં છે. આ ઉપરાંત ગુજરાતમાં ઘણી એવી બેઠકો છે કે,જયાં લઘુમતી મતદારો અસરકારક સાબિત થઇ શકે છે. આ સંજોગોમાં લધુમતી ઉમેદવારોને વધુને વધુ સંખ્યામાં અપક્ષ ઉમેદવારો તરીકે ભાજપ જ મેદાનમાં ઉતારીને મુસ્લિમ મતોમાં ભાગ પડાવવાની ગણતરીમાં છે. આમ, લઘુમતી મતોમાં ભાગલા પાડીને ભાજપના ઉમેદવારને મદદરૃપ થવા આયોજન ઘડાયુ છે. 
હાલમાં હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જીજ્ઞોશ મેવાણી ભાજપ સરકાર માટે માથાનો દુખાવો બન્યાં છે. હાર્દિક પટેલે પાટીદારોને અનામત મળે તે માટે સરકાર સામે મોરચો માંડયો છે. અલ્પેશ ઠાકોરે આંગણવાડી બહેનોના પગાર સહિત ઓબીસીને અનામતનો લાભ મળે તે માટેની માંગ સાથે લડાઇ લડી છે. ઉનાકાંડ બાદ જીજ્ઞોશ મેવાણી દલિત યુવા નેતા તરીકે ઉભરી આવ્યો છે તે પણ દલિતોના હક અધિકારની લડાઇ લડી રહ્યો છે.આમ, આ બધાય આંદોલનો ભાજપે સામાજીક અને ધાર્મિક નેતાઓની મદદથી થાળે પાડવા ભાજપે આયોજન ઘડયું છે.
આ વખતે ભાજપે ૬૦થી વધુ વયના ધારાસભ્યોને ઘેર જ બેસાડી દેવા નક્કી કર્યું છે. સ્વચ્છ પ્રતિભા ધરાવતાં યુવાઓને ટિકિટ આપવામાં પ્રાથમિકતા આપવામાં આવશે તેમ ભાજપે નક્કી કર્યું છે. મહિલાઓને પણ તક અપાશે. સૌરાષ્ટ્રમાં બેઠકો વધારવા માટે પણ ભાજપના દબંગ નેતાઓને અત્યારથી કામગીરી સુપરત કરાઇ છે. યુપી પેટર્નની જેમ જ ગુજરાતની ચૂંટણી લડવા ભાજપે નક્કી કર્યું છે ત્યારે ભાજપનું પ્રભુત્વ ઓછુ-નબળુ છે તેવી બેઠકો પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વધુ જાહેરસભા ગોઠવાશે અને તે બેઠકો પર ભાજપ જોરશોરથી ચૂંટણી પ્રચાર કરશે. રાજ્ય અને કેન્દ્ર સરકારની યોજનાનો પુરજોશમાં પ્રચાર કરવા નકકી કરાયું છે.