ગુજરાતી ફિલ્મ 'વિક્ટર 303'નું એક્શનથી ભરપુર ટ્રેલર રિલીઝ
ગુજરાતી ફિલ્મ 'વિક્ટર 303'નું એક્શનથી ભરપુર ટ્રેલર રીલિઝ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મ 3 જાન્યુઆરી 2025ના રોજ સિનેમાઘરોમાં આવશે. આ ફિલ્મના રાઈટર અને ડિરેક્ટર સ્વપ્નિલ મેહતા છે. જેના પ્રોડ્યુસર રેખા માંગરોળિયા, કોમલ માંગરોળિયા, હેત્વી શાહ, વિશાલ વડા વાળા છે.
માળિયા મિયાણાના અનાથાશ્રમમાં મોટા થયેલા વિક્ટરને પ્રેમમાં દગો મળતાં, તે પોતાની પ્રેમિકાનું લગ્ન બગાડી બદલો લે છે. અજાણતાં અને જોગાનુજોગ લગ્નની રાતે આવેશમાં લીધેલાં વિક્ટરના પગલાં એક ઘાતકી લડાઈનું કારણ બને છે અને તે સાથે જ વિક્ટર માળિયા-મિયાણા પર રાજ કરતા મીઠાંના ઠેકેદારોનો દુશ્મન બની બેસે છે.
પ્રેમિકાના દગાથી શરુ થયેલી એક સામાન્ય ઘટના હત્યા, હિંસા, પ્રેમ, અને ન્યાય માટે કરેલ સાહસ સુધી વિક્ટરને પહોંચાડે છે. વિક્ટર ૩૦૩ની વાર્તા, એક અનાથની પોતાની સાચી ઓળખ સુધી પહોંચવાની વાર્તા છે. એક દટાયેલ ભૂતકાળ અને ભવ્ય વારસાની વાર્તા છે. આ વાર્તા, ફરજ અને જવાબદારીની વાર્તા છે.
આ ફિલ્મમાં તમને જગજીતસિંહ વાઢેર, અંજલી બારોટ, ચેતન ધાનાણી, અભિનય બેંકર, મયુર સોનેજી, બિમલ ત્રિવેદી, કિશન ગઢવી, નક્ષરાજ, અલીશા પ્રજાપતિ, જ્હાન્વી ચૌહાણ અને ઉત્સવ નાઈક મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.