સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. ગુજરાતી સિનેમા
  3. ફિલ્મ સમીક્ષા
Written By
Last Modified: શનિવાર, 15 જુલાઈ 2017 (15:56 IST)

મલ્હાર ઠાકર અભિનિત ‘કેશ ઓન ડિલિવરી’ ફિલ્મને રજુ થતાં જ દર્શકોનો અપ્રતિમ પ્રતિસાદ મળ્યો

ગુજરાત અને મુંબઈમાં ગુજરાતી અર્બન સિનેમાના સ્ટાર મલ્હાર ઠાકર અભિનિત ફિલ્મ કેશ ઓન ડિલિવરી રિલિઝ થતાં તેને દર્શકોનો ભવ્ય પ્રતિસાદ સાંપડ્યો છે.  U/A સર્ટિફિકેટ માટે આ ફિલ્મ સેન્સરબોર્ડમાં ચર્ચાનું કેન્દ્ર બની ત્યારથી જ ફિલ્મના ટ્રેલર્સે ગુજ્જુ યુવાનોમાં ખાસુ આકર્ષણ જમાવ્યું હતું. વડોદરા શહેરના બિઝનેસમેન બિલ્ડર ગૃપ‘ સોલ્ટ એન્ડ પેપર મોશન પિકચર્સ’ દ્વારા નિર્માણ પામેલી આ થ્રીલર ફિલ્મમાં મધ્યમવર્ગનો એક નવયુવાન પોતાના પર આવી ચડેલા પડકારોનો લાચારીથી સામનો કરવાનો પ્રયત્ન કરે છે. ત્યાર બાદ તેને આ પડકાર ઝિલવામાં મદદ મળે છે અને તેનામાં એક ખુમારી જાગે છે. આ ફિલ્મમાં મલ્હાર ઠાકર ઉપરંત વ્યોમાં નાંદી, દર્શન જરીવાલા, મેહૂલ બૂચ, ફાલ્ગુની રાજાણી, જેવા કલાકારોએ અભિનય પાથર્યો છે. નિરજ જોશી લિખિત અને દિગ્દર્શિત આ ફિલ્મ સમાજના સારા અને ખરાબ પાસાઓનું રસિક ઘટનાચક્ર દર્શકો સમક્ષ રજુ કરે છે. 

આ ફિલ્મ રિલિઝ થતાંની સાથે જ ગુજ્જુ યુવાનોમાં ખાસી લોકપ્રિય બની, આ ફિલ્મની સ્ટારકાસ્ટ મલ્હાર અને વ્યોમાની રાજ્યના મુખ્ય શહેરો જેવા કે અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરતની કોલેજમાં મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓ સાથે ખૂબ મસ્તી કરી અને ભારે જમાવડો પણ કરેલો. વિદ્યાર્થીઓએ બંને કલાકારોને વધાવી લીધાં હતાં. ફિલ્મના દિગ્દર્શનમાં કાંઈ કાચુ નથી અને સ્ટોરી પણ દર્શકોને જકડી રાખે તેવી છે. સ્ટાર કાસ્ટનો અભિનય એમના નામથી જ લોકોને સમજાઈ જાય એમ છે કારણ કે મલ્હાર અને દર્શન જરીવાલા હોય ત્યાં અભિનયને દાદ આપવી જ પડે. ગુજરાતી સિનેમાને નવી સ્ટોરી અને નવા આઈડિયાઝની જરૂર છે ત્યારે આ ફિલ્મ એક નવા વિષય સાથે રજુ થઈ છે. બે કલાકની આ ફિલ્મ પરિવાર સાથે સિનેમામાં જોવા જેવી છે.