ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 08
  4. »
  5. મહાશિવરાત્રિ 08
Written By વેબ દુનિયા|
Last Modified: ગુરુવાર, 6 માર્ચ 2008 (11:19 IST)

સોમનાથમાં મહાશિવરાત્રિની ભવ્ય ઉજવણી

લાખો ભાવિકો ઊમટશે: સોમનાથ મંદિર શણગારાયું

Mr. Akshesh SavaliyaW.D

ભારતના બાર જયોતિર્લિંગો પૈકીના પ્રથમ એવા દેવાધિદેવ સોમનાથ મહાદેવના મંદિરમાં આજે ગુરુવારે મહાશિવરાત્રિના પાવનકારી પર્વની ભાવભેર ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. વેરાવળમાં ગઇકાલથી જ યાત્રાળુઓનો પ્રવાહ શરૂ થઈ ગયો હતો.

ધર્મનગરી વેરાવળ-પાટણ શિવમય બની ગયું છે. બીજી તરફ આજે થનારા ભાવિકોના ધસારાને પહોંચી વળવા સોમનાથ ટ્રસ્ટ દ્વારા પર્યાપ્ત વ્યવસ્થા કરવામાં આવી છે. સુરક્ષા વ્યવસ્થા પણ જડબેસલાક કરાઈ છે. મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે થનાર પૂજા-અર્ચના તથા અન્ય ધાર્મિક કાર્યક્રમોનું ટીવી પરથી જીવંત પ્રસારણ કરવામાં આવશે.

ભોળેનાથ ભગવાન શંકર જયાં સાક્ષાત બિરાજમાન છે એવા સોમનાથમાં મહાશિવરાત્રિ પર્વની ઉજવણીનો થનગનાટ ચરમસીમાએ પહોંચ્યો છે. મંદિરના ભવ્ય મુખ્ય પ્રવેશદ્વારને રોશનીથી શણગારવામાં આવ્યું છે. આજે નવમંદિરના તમામ શિલ્પ સ્તંભોને ઈગ્લિશ જલબેરા પુષ્પો વડે શણગારવામાં આવશે. આ ફૂલો સુરજમુખી તથા કમળના આકારના નવરંગના હોવાથી મંદિરના સૌંદર્યમાં મુગ્ધતાના રંગો ભરી દેશે.

મહાશિવરાત્રિ નિમિત્તે સોમનાથ મંદિરમાં ભાવિકો માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. ખાસ હાઈમાસ્ક વીજ ટાવર ઊભો કરીને તોરણ ઉપહાર ગ્રહ પાસે અજવાળાં પાથરવામાં આવ્યા છે. શિવજીના આ પાવનકારી પર્વના દિવસે શિવજીની રવાડી, પાલખીયાત્રા નીકળશે. સુપ્રસિઘ્ધ કથાકાર પૂ. મોરારિબાપુ પણ આ પ્રસંગે સોમનાથ મંદિરે પૂજન-અર્ચના કરશે એમ જાણવા મળ્યું છે.
Mr. Akshesh SavaliyaW.D

સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર કમલેશભાઈ રાવલના જણાવ્યા મુજબ પૂજન-અર્ચના તથા અન્ય કાર્યક્રમોનું ગુજરાતી ટી.વી. દ્વારા જીવંત પ્રસારણ કરવામાં આવશે. જેને કારણે દેશ-વિદેશમાં લાખો લોકો ઘર બેઠાં સોમનાથ દાદાના દર્શનનો લાભ લઈ શકશે.

અંત્રે ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે પ્રથમ વખત આ કાર્યક્રમોનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું અને એ પ્રયોગને ભવ્ય સફળતા મળી હતી. દરમિયાનમાં ગઇકાલ સાંજથી જ સોમનાથ - વેરાવળમાં યાત્રિકોનો પ્રવાહ શરૂ થઈ ગયો હતો. આજે લાખો લોકો ઉમટી પડશે અને સોમનાથ તિર્થ બમ બમ ભોલે અને હર હર મહાદેવ તથા જય સોમનાથના પવિત્ર નાદથી ગુંજી ઊઠશે.

આજના દિવસે સોમનાથ મંદિરમાં -
મહામૃત્યુંજય મંત્રના જાપ માટે ખાસ કુટિરો, જાપ માટે રૂદ્રાક્ષની માળાઓ અપાશે, 11 લાખ મંત્ર લખી જમા કરાવવા એ.ટી.એમ. જેવી વ્યવસ્થા, પાંચ હજાર કિલો ફરાળી પ્રસાદ, મંદિરની અંદર ખાસ તૈયાર કરાયેલ શિવદર્શન ગેલેરી શ્રદ્ધાળુઓને જોવા મળશે.