મંગળવાર, 19 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. ફિલ્મ સમીક્ષા
Written By વેબ દુનિયા|

બીવડાવનારી '13 બી'

IFM
બેનર : બિગ પિક્ચર્સ
નિર્દેશક : વિક્રમ કે. કુમાર
સંગીત : શંકર-અહસાન-લૉય
કલાકાર : આર માધવન, નીતૂ ચન્દ્રા, સચિન ખેડ઼ેકર, મુરલી શર્મા, પૂનમ ઢિલ્લો, દીપક ડોબ્રિયાલ, ધૃતમાન ચટર્જી

જે વસ્તુઓથી વ્યક્તિને ડર લાગે છે તેનાથી તે દૂર ભાગતો રહે છે, પરંતુ હોરર ફિલ્મોની વાત કરીએ તો એ જ વ્યક્તિ નાણા ખર્ચીને સિનેમાઘરમાં ડરવા માટે જાય છે. તે આશા રાખે છે કે, તેને ખૂબ ડરાવામાં આવે જેથી તેના નાણા વસૂલ થઈ શકે. ’13 બી- ફિયર હેજ઼ એ ન્યૂ એડ્રેસ’ આ મામલામાં સફળ ફિલ્મ માનવામાં આવી છે. આ ફિલ્મ દર્શકોને માત્ર ચોંકાવતી નથી પરંતુ ડરાવે પણ છે.

ભારતમાં હમેશા હોરર ફિલ્મોના નામ પર ડરામણા ચહેરા, ભૂતિયા મહેલ, સફેદ ચાદર અથવા સાડીમાં વિંટાયેલું ભૂત, અમાસની રાત દેખાડવામાં આવે છે પરંતુ આ બધુ ફિલ્મ '13 બી' માં ક્યાય પણ જોવા મળતું નથી. અહીં સામાન્ય વસ્તુઓ જેવી કે, ટીવી, બલ્બ, લિફ્ટ, મોબાઈલ ફોનથી ડરાવામાં આવ્યાં છે. પરિસ્થિતિઓ મારફત ડર ઉત્પન્ન કરવામાં આવ્યો છે.

મનોહર (આર. માધવન) પોતાના પરિવાર સાથે નવા ફ્લેટ 13-બી માં રહેવા માટે આવે છે. તેનો પરિવાર રાજશ્રી પ્રોડક્શનની ફિલ્મોમાં દેખાડવામાં આવતા પરિવારની જેમ ખુશહાલ છે.

ઘરની મહિલાઓ ટીવી સીરિયલની શોખીન છે. તે નવી સીરિયલ 'સબ ખેરિયત હૈ' જોવાનું શરૂ કરે છે. આ સીરિયલમાં જે દેખાડવામાં આવે છે તે બધુ મનોહરના પરિવાર સાથે ઘટવા લાગે છે. મનોહરનો પરિવાર એ સીરિયલના પરિવાર જેવો છે.

શરૂ-શરૂમાં તો બધી શુભ ઘટનાઓ ઘટતી રહે છે પરંતુ અચાનક સીરિયલના પરિવાર સાથે ખરાબ ઘટનાઓ ઘટવા લાગે છે, જે જોઈને મનોહર ચિંતામાં પડી જાય છે. તે જાણવા ઈચ્છે છે કે, આખરે તેમની સાથે એવું શા માટે થઈ રહ્યું છે ? આ સમાનતા પાછળ આખરે શું રહસ્ય છે ?

IFM
વિક્રમ કે. કુમારને નિર્દેશનની સાથોસાથ કથા પણ લખી છે. ફિલ્મના મધ્યાંતર સુધી તેમણે અજીબોગરીબ ઘટનાઓ મારફત સસ્પેંસ બનાવીને રાખ્યું છે. મનોહર લિફ્ટમાં બેસે છે તો લિફ્ટ ચાલતી નથી. પડોશીનો કુતરો તેના ઘરમાં ઘુસવાથી ડરે છે. ઘરમાં જ્યારે તેનો મોબાઈલથી ફોટો ખેંચવામાં આવે છે તો ફોટોગ્રાફ ડરામણો આવે છે. આ તમામ દૃશ્યોથી તેમણે દર્શકોને ડરાવ્યાં છે.

ફિલ્મના બીજા ભાગમાં તેમણે સસ્પેંસ પરથી ધીરે-ધીરે પડદો ખોલ્યો છે. ફિલ્મના આ ભાગમાં જબરદસ્ત ઉતાર-ચડાવ, તણાવ અને ભય છે. કેટલાયે દૃશ્યો રૂંવાટા ઉભા કરી નાખે તેવા છે. સામાન્ય રીતે હોરર અથવા સસ્પેંસ ફિલ્મનો અંત નબળો હોય છે પરંતુ '13 બી' માં આ ક્ષતિ નથી. એવું શા માટે થયું છે તે વાતનું પૂરુ સ્પષ્ટીકરણ આપવામાં આવ્યું છે જે દર્શકોને સંતુષ્ટ કરે છે. વિક્રમ કુમારનું પ્રસ્તુતિકરણ શ્રેષ્ઠ છે અને બાંધીને રાખે છે.

કેટલીક ક્ષતિઓ પણ છે. બે ગીતો નિર્દેશકે અધૂરા મને રાખ્યાં છે જે કથામાં ફિટ બેસતા નથી. ફિલ્મની લંબાઈ પણ વધુ છે. અડધો કલાક ફિલ્મ નાની હોય તો થોડી વધુ મજા આવત.

ટીવી સીરિયલ અને જીવનમાં સમાનતા લાવનારી વાત માત્ર મનોહર જ અનુભવે છે પરિવારનો અન્ય કોઈ સભ્ય એ અનુભવી શકતો નથી એ સમજની બહાર છે. ફિલ્મમાં દેખાડવામાં આવ્યું છે કે, બાળકો આંગણામાં એક ફોટો આલ્બમ દાટી નાખે છે તેઓ એવું શા માટે કરે છે તેનો જવાબ નથી. એ જ સ્થળે એક ઉચી બિલ્ડિંગ બને છે તેમ છતાં પણ એલબમ જ્યાંનો ત્યાં જ રહે છે પરંતુ આ ક્ષતિઓ પર ફિલ્મની ખુબીઓ ભારી પડી છે.

માધવન, નીતૂ ચન્દ્રા, સચિન ખેડ઼ેકર, ધૃતમાન ચેટર્જી, મુરલી શર્મા, દીપક ડોબ્રિયાલ અને પૂનમ ઢિલ્લોએ પોત-પોતાનું પાત્ર શ્રેષ્ઠ રીતે ભજવ્યું છે. પી.સી. શ્રીરામે કેમેરાથી કમાલ દેખાડ્યો છે. સામાન્ય રીતે હોરર ફિલ્મોનું બેકગ્રાઉન્ડ મ્યૂજિક ઘણુ લાઉડ રહે છે પરંતુ તબ્બી-પારિકે સંતુલન જાળવી રાખ્યું છે.

જો તમે થોડા ડરવા ઈચ્છો છો. થોડા ચોંકાવા ઈચ્છો છો તો '13 બી' આપના માટે છે.