રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. »
  3. ધર્મ યાત્રા
  4. »
  5. ધાર્મિક યાત્રા
Written By દેવાંગ મેવાડા|

કાવી-કંબોઈનુ સ્તંભેશ્વર મહાદેવ મંદિર

W.D

ભરૂચ જિલ્લાના કાવી ગામ પાસે કંબોઈના નયનરમ્ય દરિયા કાંઠે સ્તંભેશ્વર મહાદેવનુ ભવ્ય મંદિર આવેલુ છે. દરિયાકાંઠે શિવલીંગ સ્વરૂપે બિરાજમાન થયેલા ભગવાન શંકરનો કૃપાપ્રસાદ પામવા માટે દરરોજ હજારો ભક્તો ઉમટી પડે છે. મંદિરના પટાંગણમાં બેસીને દરિયાના ઉછળતાં મોજા જોવામાં અહ્લલાદક આનંદની અનુભૂતિ થાય છે.

સ્તંભેશ્વર તીર્થધામની વિશેષતા એ છે કે, અહીં શિવલીંગને જળાભિષેક કરવા સમુદ્ર દિવસમાં બે વખત જાતે આવે છે. દિવસ દરમિયાન બબ્બે વખત સર્જાતી આ કુદરતી પ્રક્રિયા જોઈને લોકો આશ્ચર્યચક્તિ થઈ જાય છે. સમુદ્રમાં આવતી ભરતી અને ઓટની ક્રિયાનુ સર્જન માત્ર આ સ્થળ માટે જ થયુ હોય તેમ જણાય છે. ભરતીની પ્રક્રિયા દરમિયાન ભગવાન સ્તંભેશ્વરનુ આખુ શિવલીંગ ડુબી જાય છે અને જાણે તેઓ થોડા સમય માટે ભક્તોથી દુર ધ્યાનાવસ્થામાં જતાં રહે છે. ઓટના સમયે દરિયાના પાણીમાંથી ધીરેધીરે જાણે સાક્ષાત ભગવાન શિવ પ્રગટ થતાં હોય તેમ જણાય છે.
W.D

છ હજાર વર્ષ પહેલા વેદ વ્યાસે લખેલા સ્કંદ પુરાણમાં સ્તંભેશ્વર તીર્થનો ઉલ્લેખ છે તેવુ મંદિરના સંચાલક પરમ પૂજ્ય વિધાનંદજી મહારાજે જણાવ્યુ હતુ. સ્કંદ મહાપુરાણના કુમારિકા ખંડના 72માં પાનાથી 189 નંબરના પૃષ્ઠ સુધી સ્તંભેશ્વર મહાદેવ તીર્થધામ વિષે વિસ્તૃત વિવરણ આપવામાં આવ્યુ છે.

પ.પૂ વિધાનંદજી મહારાજે તીર્થની ઉત્પત્તી અંગે માહિતી આપી હતી કે, દેવાધિદેવ મહાદેવના પરમ પરાક્રમી પુત્ર કાર્તિકેય સ્વામીએ માત્ર છ દિવસની વયે દેવસેનાનુ સેનાપતિત્વ સંભાળ્યુ હતુ. આ સ્થળે કાર્તિકેય સ્વામીએ આ સ્થળે ભયંકર રાક્ષક તાડકાસૂરનો વધ કર્યો હતો. પરંતુ, તાડકાસૂર ભગવાન શંકરનો ભક્ત હતો તે વાત જાણી તેઓ વ્યથીત બની ગયા હતા.
W.D

પિતાના પરમ ભક્તનો વધ કરવા બદલ તેમને ભારે પસ્તાવો થયો હતો. જેથી ભગવાન વિષ્ણુએ સ્વયં પ્રગટ થઈને તેમને આ સ્થળ ઉપર ભગવાન શંકરની તપસ્યા કરવાની સલાહ આપી હતી. તેમની વાત માનીને કાર્તિકેય સ્વામીએ કંબોઈમાં કઠોર તપસ્ચર્યા કરી હતી.

તેમના તપથી પ્રસન્ન થયેલા મહાદેવ શંકર, પત્ની પાર્વતી અને પુત્ર ગણેશ સાથે અહીં પ્રગટ થયા હતા. આ પ્રસંગે સમસ્ત દેવી-દેવતાઓ આવી પહોંચ્યા હતા અને તેઓએ અહીં 'વિશ્વનંદક' નામના સ્તંભની સ્થાપના કરી હતી. તેનાથી પશ્ચિમ ભાગે ભગવાન શંકર સ્વયં બિરાજમાન થયા હતા. આ સ્તંભના નામથી સ્થળનુ નામ સ્તંભેશ્વર રાખવામાં આવ્યુ હતુ.
W.D

આ સ્થળે પવિત્ર નદી મહિસાગરનો દરિયા સાથે સંગમ થાય છે જેથી તેને સંગમેશ્વર તીર્થ પણ કહેવામાં આવે છે. આ પવિત્ર સ્થળે શ્રદ્ધાપૂર્વક સ્નાન કરવાથી ભક્તોને મનોવાંચ્છીત ફળ પ્રાપ્ત થાય છે.

સ્તંભેશ્વર મંદિરે શિવરાત્રિનો ભવ્ય મેળો ભરાય છે. મહાશિવરાત્રિના દિવસે અહીં ભક્તોનુ જાણે કિડીયારુ ભરાય છે. ઉપરાંત દર અમાસે અહીં મેળાનુ આયોજન કરવામાં આવે છે. શિવના પૂજન માટે સૌથી મહત્વની ગણાતી પ્રદોષની રાત્રે અહીં ચારે પ્રહર સુધી ભગવાન શંકરનુ પુજન-અર્ચન કરવામાં આવે છે. તદઉપરાંત પૂનમ અને અગિયારસની રાત્રે પણ સેંકડો ભક્તો આખી રાત ભગવાનની વિશેષ પૂજાનો લાભ લે છે.

સ્તંભેશ્વર તીર્થધામ ભરૂચ જિલ્લાના કાવી ગામ પાસેના કંબોઈમાં આવેલુ છે. મધ્ય ગુજરાતના વડોદરા અને ભરૂચ શહેરોથી માત્ર 75-80 કિલોમીટર દુર આવેલા આ તીર્થધામમાં જવા માટે ખાસ બસોની વ્યવસ્થા કરવામાં આવી છે. વડોદરા રેલ્વે સ્ટેશન અને એરપોર્ટથી પણ તેનુ અંતર આશરે માત્ર 80-85 કિલોમીટરનુ છે. તેવી જ રીતે આણંદથી પણ માત્ર 70થી 75 કિલોમીટરના અંતરે આ તીર્થધામ આવેલુ છે.