મંગળવાર, 28 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. »
  3. તહેવારો
  4. »
  5. રક્ષાબંધન
Written By વેબ દુનિયા|

રક્ષાબંધનઃ રક્ષાના પ્રત્યેક તંતુમાં બહેનના હૃદયનો નિર્વ્યાજ પ્રેમ ભરેલો હોય છે

P.R
રક્ષાબંધન પર્વને આડે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે શહેર સહિત જિલ્લાભરનાં બજારોમાં રાખડીઓની ધૂમ ખરીદી જોવા મળી હતી. વિવિધ બજારોમાં આવેલ રાખડીઓની દુકાનો પર મહિલાઓ તેમજ યુવતીઓ રાખડીઓની ખરીદી માટે ઉમટી પડી હતી. ચાલુ વર્ષે રાખડીઓમાં અનેક પ્રકારની વેરાઇટીઓ બજારમાં ઉપલબ્ધ છે. શહેરમાં રાખડીઓ ખરીદવા માટે મહિલાઓ-યુવતીઓ વિવિધ દુકાનો પર ઉમટી પડી હતી.

રક્ષાબંધન એટલે પ્રેમ-બંધનના દિવસે બહેન ભાઈના હાથે રાખડી બાંધે છે અને સાથે સાથે હૃદયને પ્રેમથી બાંધે છે. ભાઈના હાથે રાખડી બાંધવી એ બહેનને પોતાના જીવનનો અમૂલ્ય લ્હાવો લાગે છે. રક્ષાના પ્રત્યેક તંતુમાં બહેનના હૃદયનો નિર્વ્યાજ પ્રેમ ભરેલો હોય છે. ભાઈના હાથે રક્ષા બાંધીને બહેન તેની પાસેથી કેવળ પોતાનું રક્ષણ ઈચ્છે છે. એટલું જ નહીં પરંતુ સમસ્ત સ્ત્રી જાતને પોતાના ભાઈનું રક્ષણ મળે એવી ઇચ્છા રાખે છે. આવા જ ભાઈ-બહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધન પર્વને આડે માંડ ગણતરીના દિવસ બાકી રહ્યા છે ત્યારે બહેનોએ રક્ષાબંધનની તૈયારીઓ આરંભી દીધી છે. શહેર સહિત જિલ્લાભરમાં રાખડી બજારમાં તેજી જોવા મળી રહી છે. ચાલુ વર્ષે વિવિધ પ્રકારની ફેન્સી વેરાયટીઓએ મહિલાઓમાં ભારે આકર્ષણ જમાવ્યું છે. તો કેટલાંક માલેતુજાર પરિવારની બહેનો પોતાના ભાઈ માટે સોના-ચાંદીની રાખડીઓની પણ ખરીદી કરી રહી છે. કેટલીક બહેનોએ પોતાના ભાઈ દૂરનાં પ્રદેશમાં રહેતાં હોવાથી ટપાલ દ્વારા રાખડી મોકલવાનું પણ આયોજન કરી દીધું છે. તો બીજી તરફ ભાઈઓને સમયસર રાખડી મળી રહે તે માટે ટપાલ વિભાગ દ્વારા પણ યોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ છે.

શહેરનાં બજારોમાં રાખડીઓની ખરીદી માટે મહિલાઓ-યુવતીઓની ભારે ભીડ જોવા મળી હતી. જિલ્લાના વિવિધ તાલુકા મથકોના બજારોમાં પણ રાખડીઓની ખરીદીમાં તેજી જોવા મળી હતી. રક્ષાબંધનના દિવસે બહેનો ભાઈના હાથે રાખડી બાંધી સુખી જીવનની પ્રાર્થના કરશે.