ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 25 જુલાઈ 2017 (13:21 IST)

શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે જ સપ્તેશ્વર મંદિરના શીવજીને જળાભિષેક, મંદિર નદીના પાણીમાં ગરકાવ

સોમવારે સાબરકાંઠાના ઇડર સહિતના તાલુકાઓમાં ભારે વરસાદ વરસ્યો હતો. 36 કલાક દરમિયાન સૌથી વધુ ઇડર તાલુકામાં 11.5 ઇંચ અને પોશીનામાં 11 ઇંચ વરસાદ નોંધાયો હતો.   સાર્વત્રિક મેઘવર્ષાના કારણે ધરોઈ ડેમમાં પાણીની આવક વધતાં ડેમના દરવાજા ખોલાયા હતા જેના કારણે સાબરમતી બે કાંઠે વહી રહી છે. પાણીનો ફ્લો  વધતાં શ્રાવણ માસના પ્રથમ સોમવારે જ સાબરમતીના પટમાં આવેલ સપ્તેશ્વર મહાદેવનું મંદિર આખું પાણીમાં ગરકાવ થઈ ગયું હતું. 

ઉત્તર ગુજરાતના દરેક ડેમો ઓવરફ્લો થઈ ગયા હતા.  મંદિર ડૂબતાં જ આસપાસના ગામના લોકો જોવા માટે દોડી આવ્યા હતાં. કોઈ જાનહાની ન થાય તે માટે પોલીસ બંદોબસ્ત પણ મૂકવામાં આવ્યો છે. મહેસાણા જિલ્લાનો ધરોઈ ડેમ છલકાતા સરકારના જળસંપત્તિ વિભાગે તબક્કાવાર સાબરમતી નદીમાં 50 હજારથી એક લાખ ક્યુસેક્સ પાણીનો જથ્થો છોડવાનો નિર્ણય કર્યો છે. મોડી રાત્રે ધરોઈ ડેમમાંથી છોડાયેલુ 50 હજાર ક્યુસેક્સ પાણી મંગળવારની સવારે અમદાવાદ શહેર સુધી પહોંચ્યું હતું.  સાબરમતીના કિનારાના ગામોને અસર થવાની સંભાવનાના પગલે જિલ્લાના 30 જેટલા ગામોને ચેતવણી આપવામાં આવી છે.