સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શુક્રવાર, 4 ડિસેમ્બર 2020 (11:22 IST)

માત્ર 40 તર્પણ વિધિ બાદ ફરી 14 ડિસેમ્બર સુધી સિદ્ધપુરમાં તર્પણવિધિ પર પ્રતિબંધ

ગુજરાતમાં વધતા જતા કોરોના સંક્રમણના લીધે રાજ્યમાં ઘણા મંદિરો અને પર્યટન સ્થળો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે . ત્યારે સિદ્ધપુરના માધુ પાવડિયા ઘાટ અને સરસ્વતી નદીના પટમાં તર્પણ વિધિ માટે રોજના હજારો શ્રદ્ધાળુઓ આવે છે ત્યારે કોરોના વાયરસના સંક્રમણની શક્યતાઓને ધ્યાને લઈ જિલ્લા કલેક્ટર સુપ્રીત સિંઘ ગુલાટી દ્વારા તર્પણ વિધિ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હતો. જેની મુદ્દત બુધવારે પુરી થતાં ગુરૂવારે સવારથી જ નદી પર તર્પણ વિધિ શરૂ થતાં શ્રદ્ધાળુંઓ ઉમટી પડ્યા હતા. 
 
સિદ્ધપુરમાં કલેકટરનું જાહેરનામું પૂરું થઈ જતા નદી કિનારે અને ઘાટ પર લગાવેલા પોલીસ બેરીકેડ હટાવી દેવાયા હતા અને ગુરુવારે સવાર સાત વાગ્યાથી તર્પણ વિધિ શરૂ થઈ હતી. 400-500 જેટલા શ્રદ્ધાળુઓ તર્પણ માટે આવ્યા હતા પરંતુ તેમાંથી લગભગ ૪૦ જેટલી તર્પણ વિધિ થઇ હતી. પરંતુ ત્યારબાદ પોલીસ કાફલો દોડી આવ્યો હતો. અને સોશિયલ ડિસ્ટન્સ જળવાતું ન હોવાથી તર્પણ વિધિ બંધ કરવા માટે ગોરમહારાજોને કહેતાં પોલીસ અને ગોર મહારાજો વચ્ચે માથાકૂટના દ્વશ્યો સર્જાયા અને તર્પણ વિધિ બંધ કરવામાં આવી હતી. ત્યારબાદ કલેક્ટરના અગાઉના હુકમ મુજબ બે વ્યક્તિઓને હાજર રાખી ને તર્પણ વિધિ કરાવાની છૂટ આપવા ગોર મંડળ દ્વારા રજૂઆત કરાઇ હતી. 
 
જોકે આ અંગે શું નિર્ણય લેવામાં આવે છે તેની રાહ જોવામાં આવી રહી રહી ત્યાં તો ગુરૂવારે સાંજે કલેક્ટર દ્વારા પ્રતિબંધિત જાહેરનામાને ફરીથી લંબાવી 14 ડિસેમ્બર સુધી કરી દેતાં તર્પણ વિધિ હાલ થઇ જવા જવા પામી છે. અત્રે ઉલ્લેખનીય છે કે સિદ્ધપુરમાં 80% બ્રાહ્મણો યજમાનવૃત્તિ અને કર્મકાંડી પર ઘર નભાવે છે જેઓ પાસે લોકડાઉન વખતથી આવકનું સાધન નથી અને પરંપરાગત આવક ગુમાવવી પડી છે. જેને લઇ છેલ્લા એક વર્ષથી બેરોજગાર બેઠેલા ભૂદેવ પરિવારોમાં નિરાશા મોજું પ્રસરી વળ્યું છે.