રવિવાર, 26 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 16 માર્ચ 2017 (13:49 IST)

જામનગરનો પ્રેરણા રૂપ કિસ્સો, વિશ્વા બ્લડ કેન્સરને મ્હાત કરી આપે છે ધો.૧૦ બોર્ડ પરીક્ષા

`
જામનગરની યુવતી વિશ્વાએ બ્લડ કેન્સર જેવી ગંભીર બીમારીને મ્હાત કરી ધો-૧૦ની પહેલી પરીક્ષા આપી હતી. જામનગરના જૈન પરિવાર પર વર્ષ ર૦૧૧માં આભ તૂટી પડ્યું હતું. પરિવારની દીકરી વિશ્વાને ડોક્ટરી રિપોર્ટમાં બ્લડ કેન્સર હોવાનું બહાર આવ્યું હતું. આ ગંભીર બીમારીની સારવાર મોંઘી અને સમય માગી લે છે. જૈન પરિવાર મનથી મક્કમ રહ્યો જેના કારણે સતત ચાર વર્ષની સારવાર બાદ વિશ્વા આજે કેન્સર જેવી ગંભીર બીમારીમાંથી બહાર આવી છે.

બ્લડ કેન્સર ડિટેક્ટ થયા બાદ વિશ્વાની સારવાર અમદાવાદ સિવિલમાં શરૃ કરવામાં આવી હતી અને વિશ્વા કિમોથેરેપીના હેવી ડોઝ સહન કરતાં-કરતા રોગ સામે લડતી રહી, કારણ કુટુંબની મોટી મદદ સતત વિશ્વા સાથે હતી. ગુરુ અને સાથી વિદ્યાર્થીઓની મદદથી વિશ્વાએ ધો-૮ અને ૯ પાસ કર્યા અને હવે ધો-૧૦ બોર્ડની પરીક્ષા આપી રહી છે. વિશ્વા કિમોથેરેપીના કારણે થાકનો અનુભવ કરે છે. તે વધુ સમય એકધારું લખવા કે વાંચવા સક્ષમ નથી. આ મામલે તેના પરિવારે માધ્યમિક શિક્ષણ સંઘને રજૂઆત કરી હતી. જોકે, તે નકારાઇ હતી કેમ કે વિકલાંગ કે દિવ્યાંગ વિદ્યાર્થી માટે જ સરળતાની જોગવાઈ છે. તે સિવાય મદદ માટે કોઈ જોગવાઈ કે નિયમો નથી. આ સમયે જૈન પરિવારના મિત્ર ડોક્ટર નિદિત બારોટ જેઓ માધ્યમિક શિક્ષણ સંઘના સદસ્ય પણ છે, તેમણે બોર્ડ સમક્ષ દલીલો કરી વિશ્વાને પરીક્ષા સમયે અડધો કલાક વધુ સમય આપવા ખાસ કેસમાં મંજૂરી અપાવી છે. જ્યારે વિશ્વાને પરીક્ષા સમયમાં અડધો કલાકનો વધુ સમય મળતા તેમાં વધુ હિંમત આવી છે.