શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 27 મે 2017 (14:22 IST)

મુસાફરી દરમિયાન મહિલાઓએ બનાવ્યું 14.09 કિમી લાંબું મફલર

દેશની 500 ઉપરાંત મહિલાઓના જૂથ મધર ઇન્ડિયા ક્રોશેટ ક્વીન્સ દ્વારા 14.09 કિમી લાંબા મફલરનો વર્લ્ડ રેકર્ડ બનાવાયો છે. એમાંય રોજ અમદાવાદથી આણંદ અને વડોદરા ટ્રેનમાં મુસાફરી દરમિયાન છ બહેનો દ્વારા મફલર તૈયાર કરાયા હતા. ચેન્નઇ ખાતે તમામ મહિલાઓ દ્વારા તૈયાર કરાયેલા અંદાજિત 5623 મફલરને ભેગા કરીને 14.09 કિમી લાંબો મફલર બનાવી તેનું જરૂરીયાતમંદોને વિતરણ કરાશે. આણંદના કોમલબેન પટેલે જણાવ્યું હતું કે “મધર ઇન્ડિયા ક્રોશેટ ક્વીન્સ દ્વારા હાથ ધરાયેલા આ કાર્યમાં ગુજરાતની 19 બહેનોએ ભાગ લઇને 80 ઇંચ લાંબા અને 7 ઇંચ પહોળા 21 મફલર તૈયાર કર્યા હતા.

ચેન્નઇ ખાતે  લાંબો મફલર બનાવવા માટે ગુજરાતની ત્રણ સહિત ભારતભરમાંથી 200 મહિલાએ ભાગ લીધો હતો. 500 મહિલાઓના બનેલા જૂથ દ્વારા તૈયાર કરાયેલા અંદાજે 5623 મફલરને ભેગા કરીને 14.09 કિમી લાંબો મફલર બનાવ્યો હતો. જેને ગિનીશ બુક ઓફ વર્લ્ડ રેકર્ડમાં સ્થાન મળ્યું છે. જૂથના વડા સુબાશ્રી નટરાજને બધી મહિલાઓને એકજૂથ કરીને આ બીજો વર્લ્ડ રેકર્ડ બનાવ્યો છે. બહેનોએ પોતાના ખર્ચે અને મહેનતથી બનાવેલા મફલરનું જરૂરીયાતમંદોને વિતરણ કરવામાં આવશે. ગ્રુપ દ્વારા ગુજરાતની મહિલાઓને 65 મફલર આપવામાં આવ્યા હતા. જે પૈકી 21 મફલર ચેન્નઇ ગુજરાતી સમાજમાં વિના મૂલ્યે આપવામાં આવ્યા હતા. અન્ય મફલર કરમસદના જલારામ વૃદ્ધાશ્રમમાં અપાશે.