રવિવાર, 26 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 19 જુલાઈ 2017 (12:42 IST)

શંકરસિંહ 21 જુલાઈએ શું કરશે? કોંગ્રેસના નેતાઓ મનાવવામાં થાકી ગયાં

વિધાનસભામાં વિરોધપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ ફરી તલવાર તાણી છે. શંકરસિંહ વાઘેલાએ પોતાના જન્મદિને ગાંધીનગરમાં સમર્થકોને એકઠા કરવાનું એલાન કર્યું છે. શંકરસિંહ 21 જુલાઇએ જન્મદિને જ રાજીનામુ ધરી કોંગ્રેસને અલવિદા કરે તેવી શક્યતા છે. મંગળવારે શંકરસિંહ વાઘેલાએ એવી જાહેરાત કરી હતી કે, તેઓ મહાત્મા મંદિરમાં જન્મદિને સમર્થકોને મળશે. આ એલાનને પગલે  અર્જુન મોઢવાડિયા , સિધ્ધાર્થ પટેલ , જગદીશ ઠાકોર, શક્તિસિંહ ગોહિલ સહિતના નેતા બાપુના નિવાસ વસંત વગડે દોડી ગયા હતાં

જયાં બાપુ સાથે બેઠક યોજીને મનામણાંના પ્રયાસ કર્યા હતાં. બાપુ સાથેની મુલાકાત બાદ આ નેતાઓએ જાહેર કર્યું કે, બાપુ ચૂંટણી દરમિયાન ઘેર બેસવાનું પણ વિચારે તે કોંગ્રેસ માટે યોગ્ય નથી. કોંગ્રેસના નેતાઓ વિખવાદને ભૂલી એકટીમ થઇને ચૂંટણી લડશે. જો કે બાપુના નજીકનાં સૂત્રોના કહેવા પ્રમાણે બાપુ આ વખતે માનવાના નથી ને તે કોંગ્રેસના રામ રામ કહેવા માટે મક્કમ છે. બીજી તરફ રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા છે કે બાપુએ ભાજપ સાથે સોદાબાજી કરી લીધી છે. બહુચર્ચિત નેશનલ ટેક્સટાઇલ્સ કોર્પોરેશન(એનટીસી)ના રૂપિયા 709 કરોડની જમીનના કૌભાંડમાં શંકરસિંહ વાઘેલા સંડોવાયેલા છે એટલે જ 2015માં એનડીએ સરકારના શાસનમાં સીબીઆઇએ વસંતવગડા ખાતે દરોડા પાડયા હતાં. આ દરોડા બાદ વિપક્ષના નેતા ખૂબ જ શાંત થઈ ગયા હતા. હવે આ કૌભાંડ પર કાયમી પડદો પડે તે માટે ભાજપ સાથે બાપુનો રાજકીય સોદો થયો છે એવી રાજકીય વર્તુળોમાં ચર્ચા છે.