શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : બુધવાર, 1 માર્ચ 2017 (11:39 IST)

જાણીતા હાસ્ય લેખક તારક મહેતાનું નિધન, પરિવારનો દેહદાનનો નિર્ણય

ગુજરાતના જાણીતા હાસ્ય લેખક તારક મહેતાનું 87વર્ષની ઉંમરે અમદાવાદ ખાતેના નિવાસસ્થાને નાદુરસ્ત તબિયતને કારણે નિધન થયું છે. તેમના નિધનને પગલે પરિવારજનોએ તેમના દેહનું દાન કરવાનો નિર્ણય લીધો છે. 
 
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરિયલથી તારક મહેતાનું નામ આખા દેશમાં જાણીતું થયું હતું.  26 જાન્યુઆરી 2015ના રોજ પદ્મશ્રીથી સન્માનિત થયેલા તારક મહેતા છેલ્લા કેટલાક વર્ષોથી અમદાવાદમાં આંબાવાડી વિસ્તારમાં રહેતાં હતા.  અમદાવાદમાં જન્મેલા તારક મહેતા મુંબઈમાં ગુજરાતી વિષય સાથે બી.એ. અને એમ. એ. પાસ કર્યા બાદ ૧૯૫૮-૫૯માં ગુજરાતી નાટ્યમંડળના કાર્યાલયમાં કાર્યકારી મંત્રી બન્યા હતા. ૧૯૫૯-૬૦માં વચ્ચે તેઓ ‘પ્રજાતંત્ર’ દૈનિકના ઉપતંત્રી પદે રહ્યાં બાદ તેઓ ૧૯૬૦ થી ૧૯૮૬ સુધી ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના ફિલ્મ્સ-ડિવિઝન, મુંબઈમાં વૃત્તાન્તલેખક અને ગૅઝેટેડ અધિકારી તરીકે જોડાયા હતા. 
 
તારક મહેતાના નિધનને પગલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ tweet કરીને દુઃખની લાગણી વ્યક્ત કરી હતી. રૂપાણીએ તેમના પરિવારને દિલાસો આપતાં કહ્યું હતું કે, તેઓ હંમેશા હાસ્ય લેખો દ્વારા આપણા મોંઢા પર સ્મિત લાવતા હતાં. 


Saddened by the death of Tarak Mehta - humorist & columnist. He always brought smile to our faces. My condolences to family members.
તેમની કારકિર્દિની વાત કરીએ તો એક્શન રિપ્લે નામે તેમણે આત્મકથા લખનારા તારક મહેતાએ ત્રિઅંકી નાટકો નવું આકાશ નવી ધરતી (૧૯૬૪), દુનિયાને ઊંધા ચશ્મા (૧૯૬૫), પ્રહસન કોથળામાંથી બિલાડું (૧૯૬૫) ઉપરાંત તારક મહેતાના આઠ એકાંકીઓ (૧૯૭૮) અને તારક મહેતાનાં છ એકાંકીઓ (૧૯૮૩) આપ્યાં છે. તારક મહેતાના ઊંધા ચશ્મા (૧૯૮૧), શ્રેષ્ઠ હાસ્યરચનાઓ (૧૯૮૨), તારક મહેતાનો ટપુડો (૧૯૮૨), તારક મહેતાના ટપુડાનો તરખાટ (૧૯૮૪), દોઢડાહ્યા તારક મહેતાની ડાયરી ભા. ૧-૨ (૧૯૮૪) વગેરે એમના હાસ્યલેખસંગ્રહો છે. તારક મહેતાની ટોળી પરદેશના પ્રવાસે (૧૯૮૫)માં પ્રવાસવિષયક હાસ્યલેખો છે. એમણે મેઘજી પેથરાજ શાહ : જીવન અને સિદ્ધિ (૧૯૭૫) નામક જીવનચરિત્ર પણ લખ્યું છે.