રવિવાર, 29 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 16 નવેમ્બર 2018 (12:40 IST)

આખરે સાબરમતી જેલમાં સ્માર્ટફોન કેદીઓ પાસે કેવી રીતે પહોંચ્યા, સુરક્ષા પર સવાલ ઉઠ્યા

અમદાવાદની સાબરમતી જેલમાં બંધ વીવીઆઈપી કેદીઓ પાસેથી બે સ્માર્ટફોન અને ચાર્જર સહીતની વસ્તુઓ મળી આવતાં સુરક્ષા મામલે ફરીવાર સવાલો ઉઠયાં છે. આ તમામ આરોપીઓ જેમની પાસેથી આ વસ્તુઓ મળી આવી છે તેઓ હાઈપ્રોફાઈલ કેસોમાં આરોપીઓ છે. જેમાં રૂપિયા 2654 કરોડના DPIL કૌભાંડના આરોપી અમિત ભટનાગર અને સુમિત ભટનાગર છે, 2017માં એન્ટી હાઈજેકિંગના ગુનામાં પકડાયેલ બિરજૂ સાલા છે, તો તેમની સાથે પાર્ટી ડ્રગ તૈયાર કરવા 270 કરોડનું મેથામ્ફેટામાઈન સપ્લાઈ કરનારા રેકેટમાં સંકળાયેલ કિશોર ભાવસિંહ રાઠોડ પણ છે.જેલના અધિકારીએ જણાવ્યું કે, ભટનાગર ભાઈઓને મુંબઈના જ્વેલર બિરજૂ સાલા અને પૂર્વ MLA ભાવસિંહ રાઠોડના દીકરાને જેલના હાઈસિક્યોરિટી સેલમાં રાખવામાં આવ્યા હતા. તેમણે આગળ જણાવ્યું કે, સ્માર્ટફોન્સને દીવાલના કોર્નરમાં સંતાડવામાં આવ્યા હતા અને તેને છૂપાવવા માટે માતાજીની તસવીરો તેને પર મૂકી દેવામાં આવી હતી.અમદાવાદ પોલીસે બુધવારે સાંજે રેડ પાડતા સેલમાંથી સ્માર્ટફોન્સ મળી આવ્યા હતા. સાબરમતી સેન્ટ્રલ જેલના જેલર ભરતસિંહ રાઠવાએ દાખલ કરેલી FIRમાં ઉલ્લેખ કર્યા મુજબ, પહેલા ચારેય કેદીઓને બહાર કઢાયા અને પછી સમગ્ર સેલની તપાસ કરાઈ. અમને બે સ્માર્ટફોન, ચાર સિમકાર્ડ્સ, એક મેમરી કાર્ડ, એક ચાર્જર, બે ઈયરફોન્સ અને એક પાંચ ઈંચનો નખ મળી આવ્યો. ઈન્સ્પેક્ટર જે.જી પટેલે જણાવ્યું કે ચારેય આરોપીઓ વિરુદ્ધ આઈપીસીની કલમ 188 હેઠળ રાણીપ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાઈ છે.આ સ્માર્ટફોન્સ કેવી રીતે જેલની અંદર પહોંચી ગયા તે વિશે હવે શહેર પોલીસની SOG ટીમ તપાસ કરી રહી છે. આ સ્માર્ટફોન્સ પાસવર્ડ પ્રોટેક્ટેડ હોઈ પોલીસ તેમના IMEI નંબર જણાવી શકી નથી.  પોલીસ અધિકારીએ જણાવ્યું કે, ચારેય કેદીઓ સ્માર્ટફોન પર પોતાના પ્રયિજનો સાથે કોલ અને વીડિયો કોલ પર વાતો કરતા. ક્યારેક તેઓ ફોટોગ્રાફ્સ પણ એક્સચેન્જ કરતા હતા. જ્યારે પણ તેમને વાત કરવાનું મન થાય તેઓ માતાજીના ફોટો પાસે જતા રહેતા અને ત્યાંથી વાત કરતા.