રવિવાર, 29 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 13 ફેબ્રુઆરી 2021 (09:52 IST)

સુરતના DCP સરોજકુમારી બન્યા રિયલ હીરો, 'મહિલા કોરોના યોદ્ધા: વાસ્તવિક હીરો' એવોર્ડ એનાયત

કોરોના યોદ્ધાઓની અવિરત મહેનત અને જનતાના સાથસહકારથી દેશ કોરોના વાયરસ સામે સફળતાપૂર્વક મુકાબલો કરી રહ્યો છે, સતત ઘટી રહેલાં કેસોના કારણે કોરોનાના અંતનો આરંભ થઈ ચૂક્યો છે, ત્યારે નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે રાષ્ટ્રીય મહિલા આયોગના ૨૯મા સ્થાપના દિવસ- તા.૩૧મી જાન્યુઆરીએ મહિલા કોરોના વોરિયર્સનો સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં કોરોના મહામારી તેમજ લોકડાઉનમાં પ્રશંસનીય કામગીરી બદલ રાજ્યભરમાંથી એકમાત્ર સુરતના ડી.સી.પી. સરોજકુમારીને નવી દિલ્હી ખાતે 'મહિલા કોરોના યોદ્ધા: વાસ્તવિક હીરો' એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
 
 
કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારિતા રાજ્યમંત્રી રતનલાલ કટારિયા અને રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષા રેખા શર્માની ઉપસ્થિતિમાં કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરના હસ્તે સરોજકુમારીને એવોર્ડ આપી બહુમાન કરાયું હતું. દેશભરમાંથી પોલીસ, આરોગ્ય અને સ્વચ્છતા એમ ત્રણ કેટેગરીમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર દેશભરના ચુનિંદા મહિલા કોવિડ યોદ્ધાઓને સન્માનિત કરાયા હતાં.
 
આઈ.પી.એસ. સરોજકુમારીએ બાહોશ પોલીસ અધિકારી તરીકે ફરજની સાથોસાથ સામાજિક કાર્યો માટે પણ નામના મેળવી છે. વડોદરા શહેર ખાતે તત્કાલિન નાયબ પોલીસ કમિશનર (વહીવટ અને મુખ્ય મથક)ની ફરજ દરમિયાન કોરોના મહામારી તેમજ લોકડાઉનમાં સર્જાયેલી વિકટ પરિસ્થિતિમાં સરાહનીય કામગીરી કરી હતી. હાલ તેઓ વડોદરાથી સુરત તા.૦૬/૦૮/૨૦૨૦ ના રોજ ટ્રાન્સફર થઈ સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે નાયબ પોલીસ કમિશ્નર, (વહીવટ અને મુખ્ય મથક) તરીકે ફરજ બજાવે છે. વડોદરા શહેરમાં લોકડાઉન દરમિયાન શ્રમજીવી, ગરીબો, ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકો, ફૂટપાથ પર તેમજ બ્રિજ નીચે મળી આવતા લોકો ભૂખ્યા ન રહે એ માટે 'પોલીસ કિચન' શરૂ કરી પોલીસ ટીમની મદદથી તેમણે રાતદિવસ ભોજન પૂરૂ પાડ્યું હતું. 
 
'કમ્યુનિટી પોલિસીંગ' એટલે કે પોલીસ દ્વારા ભાવનાત્મક અભિગમ દ્વારા સ્વજનની જેમ સેવા અને મદદની ભાવનાથી કોરોના કટોકટીમાં લોકો માટે સતત કાર્યરત રહ્યાં હતાં. તેમની દોરવણી હેઠળ વડોદરા શહેર પોલીસમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારી બહેનો જ રસોઈ બનાવતી અને વિવિધ સ્થળોએ જાતે જ ભોજન વિતરણ કરતી. નોકરીનો સમય પૂર્ણ થયાં બાદ પોલીસ બહેનો પોતાના ઘર-પરિવારની જવાબદારી સાચવવાની સાથે વડોદરા પોલીસ હેડ ક્વાર્ટર, પ્રતાપનગર ખાતે આવીને પોલીસ કિચનમાં ૪૦૦ થી પ૦૦ લોકોનું ભોજન બનાવતી હતી.
 
સરોજ કુમારી જેટલી નિષ્ઠાથી પોલીસ અધિકારી તરીકે કામ કરે છે, તેટલી જ નિષ્ઠાથી તેઓ સમાજિક કામો પણ કરે છે. તેમની કાબેલિયતને ધ્યાનમાં રાખી વડોદરા પોલીસે 'સમજ સ્પર્શ' નામનો પ્રોજેક્ટ સોંપ્યો હતો. સમજ સ્પર્શ ટીમ દ્વારા અનલોક જાહેર થયું ત્યાં સુધી સ્લમ વિસ્તારમાં રહેતાં ગરીબ, મજુર વર્ગના ૮૦૦ લોકોને દરરોજ ભોજન વિતરણ કર્યું હતું.
 
 
સરોજકુમારી જણાવે છે કે, 'ગુજરાત પોલીસ દ્વારા મારી ફરજ અને કામગીરીને ધ્યાને લઈને એવોર્ડ માટે મારૂ નામ મોકલવામાં આવ્યું હતું. એવોર્ડ મેળવીને એટલી જ ખુશી મળે છે જેટલી લોકડાઉન અને કોરોના દરમિયાન જરૂરિયાતમંદોની સેવા કરવામાં મળતી હતી. કાયદો અને વ્યવસ્થાના પાલન સાથે લોકો સુરક્ષિત રહે, કોરોનામુક્ત રહે અને ભયનો માહોલ દૂર થાય એ અમારી પ્રાથમિકતા હતી. સાથોસાથ ગરીબો અને વંચિતો સુધી ભોજન પહોંચાડવા, શ્રમિકોની હેરફેર અને સિનીયર સિટીઝન્સની સેવા કરવાની તક મળી હતી. વડોદરા પોલીસના સહયોગથી ફરજના ભાગરૂપે સામાજિક સંસ્થાઓ અને સેવાભાવી લોકો દ્વારા આપવામાં આવતાં માસ્ક, દવા, ભોજન વગેરે પણ જરૂરિયાતમંદો સુધી પહોંચાડવામાં આવ્યા હતાં
.
 
સરોજકુમારીએ વધુમાં જણાવ્યું કે, સિનીયર સિટીઝન્સને મુશ્કેલી ન પડે એ માટે વરિષ્ઠ નિર્ભયમ સેલ (સિનિયર સિટીઝન સેલ) શરૂ કરી એક મોબાઈલ નંબર જાહેર કર્યો. અને કોઈ પણ વરિષ્ઠ નાગરિક સીધા આ મોબાઈલ પર કોલ કરીને મદદ મેળવી શકે એવી વ્યવસ્થા કરી. જેમાં આશરે ચાર હજાર વૃદ્ધોને મદદ પૂરી પાડી હતી. જરૂરિયાત ધરાવતા સિનિયર સિટીઝનોને કરિયાણું, ટિફીન, દવા, મેડિકલ સારવાર પણ આપી. ઘણા સિનિયર સિટીઝન્સ એકલતા અનુભવતા હોય અને કોરોના ભયથી માનસિક રીતે હતાશ થયાં હોય તેમને સાંત્વના અને મદદ માટે એમ.એસ.યુનિવર્સિટીના મનોવૈજ્ઞાનિક વિભાગના પ્રોફેસરો, કર્મચારીઓ અને કાઉન્સેલિંગ સ્ટાફની મદદ લેવામાં આવી હતી. ખાનગી રિધમ હોસ્પિટલે સેવાયજ્ઞમાં સહકાર આપી શારીરિક સમસ્યા, બિમારીઓની વિનામૂલ્યે સારવાર આપી હતી.
 
 
સરોજકુમારીએ કહે છે કે, 'અમુક સિનિયર સિટીઝનો એવા પણ હોય છે જેને મળવાથી એવું લાગે કે જો અમારી ટીમ દ્વારા એકવાર મુલાકાત લેવામાં નહિ આવે તો તેમની માનસિક સ્થિતિ વધુ ખરાબ થશે, જેનાથી તેમના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી શકે છે. તો તેવા સિનિયર સિટીઝનોની દરરોજ મુલાકાત લેવામાં આવતી હતી. 'કમ્યુનિટી પોલિસીંગ'ના અભિગમ દ્વારા સંવેદના સાથે કામ કરવાંમાં અનેરો આનંદ મળતો હતો. 
 
એકલવાયું જીવન જીવતા હોય તેવા વરિષ્ઠ નાગરિકોને પરિવારની ખોટ ન સાલે તે માટે પોલીસ સ્ટાફે તેમના આપ્તજનની ભૂમિકા પણ નિભાવી હતી. આ ઉપરાંત, પોલીસ કંટ્રોલ ટીમની રચના કરી વડોદરા પોલીસ કંટ્રોલ રૂમથી ઘણા ગરીબવર્ગના લોકોની યાદી બનાવી તેમને ફોન કરી અનાજ-કરિયાણું કે શાકભાજી ન હોય, પરિવારના સભ્યો, બાળકો, વૃધ્ધો ભુખ્યા હોવાનું જણાય તો પોલીસ કંટ્રોલ ટીમ દ્વારા એક અઠવાડિયું ચાલી શકે તેટલા અનાજની કીટ તેઓના ઘરે રૂબરૂમાં પહોંચતી કરવામાં આવતી એમ તેઓએ ઉમેર્યું હતું.
 
તેઓ જણાવે છે કે, 'પોલીસ પરિવાર અભિયાન હેઠળ વરિષ્ઠ પોલીસ અધિકારીઓના સહયોગથી પોલીસ કંટ્રોલ ટીમની રચના કરવામાં આવી હતી. આ ટીમ દ્વારા ફરજ પરના પોલીસ જવાનો કે પરિવારજનો કોરોના સંક્રમિત ન થાય તે માટે તમામને સેનેટાઈઝર, માસ્ક, ફેસ શિલ્ડ, પી.પી.ઇ. સુટ ફાળવવામાં આવ્યાં. સમયાંતરે હેલ્થ ચેક અપ, ન્યુટ્રીશનલ ભોજન, રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે આયુર્વેદિક- હોમિયોપેથીક દવાઓ, વિટામીન સીના પાઉચ, વિટામીન ટેબલેટ આપી તેમને કાર્યક્ષમ બનાવવા સાથે મનોબળ જળવાઈ રહે એ માટે ખાસ પગલા લેવામાં આવ્યાં હોવાનું તેમણે કહ્યું હતું.
 
સુરતમાં પણ ફરજ સાથે તેમણે સેવાપ્રવૃત્તિ જારી રાખી છે. સુરત પોલીસ વિભાગ તેમજ રાજ્ય પોલીસ વિભાગ દ્વારા પણ તેમના વિશિષ્ટ બહુમાન બદલ અભિનંદન પાઠવવામાં આવ્યાં હતાં.
 
'મહિલા કોવિડ યોદ્ધા: વાસ્તવિક હીરો' એવોર્ડ શું છે?
 
કોરોના મહામારીના કારણે વિશ્વભરના લોકોએ વર્ષ ૨૦૨૦માં સૌથી મુશ્કેલ સમય વિતાવ્યો. આ સમયગાળા દરમિયાન દેશના દરેક રાજ્યમાં આરોગ્ય, સ્વચ્છતા અને પોલીસ કેટેગરીમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનારા ત્રણ મહિલાઓની ભારત સરકારના રાષ્ટ્રીય મહિલા આયોગ દ્વારા ‘કોવિડ   વુમન વોરિયર: ધ રિયલ હીરોઝ’ એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી હતી. સુરત ખાતે કાર્યરત આઈપીએસ સરોજ કુમારી ગુજરાત પોલીસના એકમાત્ર મહિલા અધિકારી છે, જેમણે પોલીસ કેટેગરીમાં આ એવોર્ડ મેળવ્યો છે.