રાજ્યમાં ત્રણ દિવસ ઉત્તરાયણનો જલસો - | Webdunia Gujarati
સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 08
  4. »
  5. મકર સંક્રાતિ
Written By એજન્સી|

રાજ્યમાં ત્રણ દિવસ ઉત્તરાયણનો જલસો

દોરી મોંધી હોવા છતાં ગુજરાતીઓ પાછા નહી પડે-વેપારીઓ

PRP.R

દર વર્ષની 14મી જાન્‍યુઆરીએ આવતું ઉત્તરાયણ પર્વ ચાલુ વર્ષમાં 15મી જાન્‍યુઆરીએ ઉજવાશે તેવું જયોતિષોએ જણાવતાં પતંગ રસિયામાં અનેરો આનંદ છવાઇ ગયો છે કારણ કે, પહેલા બે દિવસ જ ઉત્તરાયણ ઉજવવા મળતી હતી પરંતુ આ વર્ષે તો ત્રણ દિવસ ગુજરાતીઓ છત પર જલસા કરશે. ઉત્તરાયણ 14મીએ ઉજવાય કે 15મીએ પરંતુ મોટાભાગના જુવાનિયાઓએ હમણાંથી જ ઉત્તરાયણ પર્વની પૂર્વ તૈયારીઓ આરંભી દીધી છે અને પસંદગીની દોરીઓ ખરીદી રહ્યા છે.

વેટના દર વધતાં ચાલુ વર્ષે દોરીની કિંમતમાં વધારો થયો હોવા બાબતે અમદાવાદના વેપારીઓએ જણાવ્‍યું હતું કે, "ચાલુ સાલે દોરી પર વેટ વધારવામાં આવ્‍યો હોવાથી દોરીની કિંમતમાં વધારો થયો છે. જોકે, પતંગ રસિયાઓ કોઇપણ ભોગે ઉત્તરાયણની ઉજવણી કરતાં જ હોય છે. જેના કારણે વેટની અસર બજાર પર પડશે નહીં."
NDN.D

શહેરના લાલદરવાજા વિસ્‍તારમાં પતંગનો વેપાર કરતાં મનોજભાઇ અગ્રવાલે જણાવ્‍યું હતું કે, "શહેરમાં પતંગોનો સ્‍ટોક આવી ગયો છે. જેમાં 100થી વધુ સ્‍ટોલો પર પતંગ-દોરીનું વેચાણ ચાલુ થઇ ગયું છે." તેમણે વધુમાં ઉમેર્યું હતું કે "પતંગ બજારમાં આ વર્ષે ચાંદ, બટર ચીલ, ત્રિવેણી ચીલ, વેલકમ-2008, ક્રિકેટર ધોનીના પોસ્‍ટરવાળી પતંગ, ફિલ્‍મીસ્‍ટારોમાં અમિતાભ બરચન અને શાહરૂખ ખાનના પોસ્‍ટરોવાળી અલગ-અલગ વેરાઇટીમાં પતંગો મળી રહી છે. તેમાંય ગરવી ગુજરાતના પોસ્‍ટરવાળી પતંગોએ આકર્ષણ જમાવ્‍યું છે. આ સિઝન 15 દિવસ ચાલે છે. આ વર્ષે શહેરમાં અંદાજે 25 લાખની પતંગો ચગશે."

શહેરના બાપુનગર વિસ્‍તારમાં પતંગનો સ્‍ટોલ ધરાવતાં વિપુલભાઇ પટેલે જણાવ્‍યું હતું કે, "પતંગ બજારમાં ચીન બનાવટની પતંગો પણ જો વા મળે છે. જેમાં બાજ, વિમાન, સ્‍પાઇડર મેન જેવી પતંગો કાપડ જેવા મટિરિયલ્‍સમાં મળે છે. આ પતંગને ખોલીને ઉડાડી શકાય છે અને વાળીને મૂકી પણ શકાય છે. પરંતુ તેને ચગાવવા અડધો કિલોમીટર પતંગના રસિયાને દોડવું પડે છે."

વળી તેની કિંમત પણ એક પતંગની રૂ.200થી 250 ની હોય છે. એટલે તેની બજારમાં ખાસ માગ રહેતી નથી. જયારે પતંગની દોરીમાં છ અને નવ તારની દોરી રિયાસત, પાન્‍ડા, ધૂમ મેંદાની નવરંગ જેવી વેરાઇટીઝ દોરીઓ રૂ.330થી રૂ.550ના ભાવે સ્‍ટીલની ફિરકીઓમાં મળી રહી છે.