રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. વાઇબ્રન્ટ ગુજરાત 2017
Written By
Last Modified: મંગળવાર, 20 ડિસેમ્બર 2016 (10:10 IST)

નોટબંધીએ મજૂરોની હાલત બગાડી, હવે વાઈબ્રન્ટ વધુ બગાડશે, પાટનગરને 'કામચલાઉ' દબાણ ફ્રી બનાવાશે

જાન્યુઆરી માસના બીજા સપ્તાહથી વાઈબ્રન્ટ સમિટનો પ્રારંભ થઈ રહયો છે ત્યારે વાઈબ્રન્ટની ઝાકમઝોળ ઝાંખી ના પડે તે માટે ગાંધીનગરમાં દબાણ હટાવ કામગીરી શરૃ કરવામાં આવનાર છે. નાતાલ બાદ લારીગલ્લાના દબાણકારોને વેપાર નહીં કરવા માટે સૂચના પણ આપી દેવામાં આવી છે. દર બે વર્ષે વાઈબ્રન્ટ ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં યોજાય છે અને વાઈબ્રન્ટ માટે ગાંધીનગરને નવી નવેલી દુલ્હનની જેમ શણગારવામાં આવે છે.જેમાં દેશની છાપ ખરડાય નહીં તે માટે ઝુંપડપટ્ટી અને દબાણો દૂર કરવામાં આવે છે. ત્યારે આ વખતે પણ ગાંધીનગર શહેરના મુખ્ય માર્ગો તેમજ મહાત્મા મંદિર તરફના માર્ગોની બન્ને બાજુ લારીગલ્લા તેમજ ઝુંપડપટ્ટીને દુર કરવા માટે ઉચ્ચ કક્ષાએથી આદેશ આપવામાં આવ્યો છે જેને લઈને નાતાલ બાદ લારીગલ્લા ધારકોને વેપાર ધંધો નહીં કરવા માટે સૂચના આપી દેવામાં આવી છે.એટલું જ નહીં ઝુંપડપટ્ટી પણ હટાવવાની કામગીરી કરવામાં આવનાર છે. તો આ વાઈબ્રન્ટ સમિટના દિવસો દરમ્યાન સેકટર-૬ સ્થિત કડીયાનાકું પણ બંધ રાખવામાં આવશે ત્યારે અત્યારથી જ ઝુંપડપટ્ટી દુર કરવાની કડક સુચનાને લઈ મજૂરો અને શ્રમજીવીઓ પોતાના વતન ભણી ગયા છે. ત્યારે વાઈબ્રન્ટ સમિટ બાદ ગાંધીનગરની દશા જેવી હતી તેવી જ થઈ જશે.ગાંધીનગર શહેરમાં વાઇબ્રન્ટ સમિટને પગલે સમગ્ર તંત્ર વાઇબ્રન્ટ થઇ ગયું છે ત્યારે દબાણો હટાવો તંત્ર પણ 'કામચલાઉ' વાઇબ્રન્ટ થયુ છે.ગાંધીનગરમાં છેલ્લા ઘણા વખતથી નિક્રિય બની ગયેલું દબાણ તંત્ર દ્વારા આગામી દિવસોમાં માર્ગની બન્ને બાજુએથી સ્થાઇ અને હરતા-ફરતાં દબાણો પર દુર કરવામાં આવશે. જે માટે ખાસ ટીમો તૈયાર કરી દેવામાં આવી છે. જે ઘ,ખ અને ચ માર્ગ ઉપરાંત મહાત્મા મંદિર રોડ સાઇડના લારી ગલ્લાઓ ઉઠાવી લેશે તેમજ જાન્યુઆરી માસના બીજા સપ્તાહમાં યોજાનાર વાઇબ્રન્ટ સમિટના દિવસો દરમિયાન સે-૬ કડીયાનાકુ પણ બંધ રહે તેવી સુચનાઓ આપવામાં આવી છે. જો કે,વાઇબ્રન્ટ સમિટ પુર્ણ થયા બાદ આ જ તંત્રની રહેમ નજર હેઠળ દબાણો ઠેરના ઠેર થઇ જશે.ગાંધીનગર શહેરમાં દબાણોનો રાફડો ફાટી નીકળ્યો છે ત્યારે ગેરકાયદેસર દબાણો પણ હવે જાણે કાયદેસર થઇ ગયા હોય તેમ લાગી રહ્યું છે ત્યારે છેલ્લા ઘણા વખતોથી નિક્રિય થઇને કુંભકર્ણની નિન્દ્રામાં લીન દબાણ હટાવો તંત્રએ આખરે પોતાની નિંદ્રા અને આળસ ખંખેરીને જાગ્યુ હોય તેમ લાગ્યું  છે.ગાંધીનગર કોર્પોરેશનના દબાણ વિભાગ સિવયા વનવિભાગ તેમજ આરએન્ડબીના દબાણ તંત્ર દ્વારા કોઇ ઠોસ કામગીરી નહીં કરવાને કારણે વર્ષો જુના દબાણો ગાંધીનગરમાં સ્થાયી થઇ ગયા છે. ત્યારે હવે ગાંધીનગર શહેરના મુખ્યમાર્ગો ઉપર વાઇબ્રન્ટ સમિટને પગલે દબાણ હટાવો તંત્ર ત્રાટકશે. મળતી માહિતી મુજબ દબાણ તંત્ર ચ,ખ અને ઘ માર્ગ તેમજ મુખ્ય માર્ગો ઉપરના દબાણનો સફાયો  કરી દેવામાં આવશે. દબાણતંત્રના આદેશને પગલે લારી - ગલ્લાવાળાઓમાં ફફટાડ ફેલાઇ ગયો છે.