સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. અનોખુ વિશ્વ
  4. »
  5. અનોખી પ્રતિભા
Written By દેવાંગ મેવાડા|

પર્વતનુ શિખર સર કરવાના બુલંદ ઈરાદા

PRP.R
ગુજરાત સરકારે તાજેતરમાં શરૂ કરેલો માઉન્ટેન્યરિંગ એવોર્ડ વડોદરાના એક જ પરિવારના ચાર સદસ્યોએ મેળવીને રાજ્યભરના લોકોનુ ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરી લીધુ હતુ. અમદાવાદમાં યોજાયેલા ભવ્ય સમારોહમાં ખેલ મંત્રી આનંદીબહેન પટેલના હસ્તે વડોદરાના સુભાનપુરા વિસ્તારમાં રહેતા સંદિપભાઈ વૈદ્ય, તેમની પત્ની હેમાબહેન, મોટીપુત્રી પ્રાર્થના તથા નાનીપુત્રી પ્રાચીને આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આઈપીસીએલમાં ફરજ બજાવતાં સંદિપભાઈ વૈદ્યે 'વેબદુનિયા' સાથેની વાતચીતમાં તેમના પરિવારના રોમાંચક શોખ વિષે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે જણાવ્યુ હતુ કે, વર્ષ 1991થી તેઓ પર્વતારોહણ કરી રહ્યા છે. તેમની નાની પુત્રી પ્રાચી ત્રણ વર્ષની હતી, ત્યારથી તેને પણ માઉન્ટેનર બનવાનો શોખ લાગ્યો હતો. તેણે પર્વતારોહણ કરવા માટે પિતા પાસે અનેક વાર જીદ કરી હતી. અંતે તેની જીદને વશમાં થઈને સંદિપભાઈએ તેને તથા તેની મોટીબહેન પ્રાર્થનાને પર્વતારોહક બનાવવા માટેની તાલિમ આપવાની શરૂઆત કરી હતી.

PRP.R
પાવાગઢના ડુંગરો પર દર રવિવારે સમગ્ર પરિવાર માઉન્ટેન્યરીંગ માટે જતું હતું. પર્વતના શિખરો સર કરવામાં માહેર પિતા પાસે બંને પુત્રીઓ તાલિમ લઈ રહી હતી. વહેલી સવારે જોગીંગ અને સપ્તાહમાં એક વખત ટ્રેકિંગ કરતી બંને બાળકીઓ થોડા દિવસોમાં જ પર્વતારોહણમાં પારાંગત થઈ ગઈ અને આ સાથે જ સંદિપભાઈએ તેમને લઈને હિમાલયની પર્વતમાળાના 19,807 ફુટ ઉંચા થેલુ પર્વત ઉપર ચડવાની યોજના બનાવી દીધી. જે માટે તેમણે દિલ્હીના ઈન્ડીયન માઉન્ટેન્યરિંગ ફાઉન્ડેશનમાં બંને બાળકીઓ તથા પત્ની સાથે થેલુના કપરા ચઢાણ કરવાની ઈચ્છા વ્યક્ત કરતી એક અરજી મોકલાવી દીધી. સદનસીબે તેમની માગણી મંજુર થઈ ગઈ અને વર્ષ 2000માં પરિવારના ચારે સભ્યો થેલુ પર્વતના શિખરને સર કરવાના બુલંદ ઈરાદા સાથે નીકળી પડ્યા. તે સમયે પ્રાચીની ઉંમર માત્ર છ વર્ષની હતી અને તેના માટે ટ્રેકિંગ શૂઝ મળતા ન હતા. અલબત્ત, આટલી નાનીવયે કોઈ પર્વતારોહણ કરવા સક્ષમ ન હોય તેમ માનીને મોટી-મોટી કંપનીઓ દ્વારા કદાચ તેના માપના બુટ બનાવવામાં જ આવતા નહોતા તેમ માની શકાય. અનેક સ્થળોએ શોધખોળ આદરી છતાંય તેના માપના બુટ નહીં મળતાં, તેના વિકલ્પ તરીકે તેમણે અન્ય કાર્યમાં ઉપયોગમાં આવતાં બુટ ખરીદ્યા. હિમાલય પહોંચ્યા બાદ તેઓએ થેલુ પર્વત પર ચઢાણ કરવાની શરૂઆત કરી.

PRP.R
બર્ફાચ્છાદિત પર્વત ઉપર ચડવુ તમામ માટે મુશ્કેલ હતુ, પરંતુ, તેઓના ઈરાદા પર્વતની ઉંચાઈ કરતાં પણ વધારે બુલંદ હતા. કુમળી વયની બંને બાળકીઓ તથા માતા-પિતા ધીરે-ધીરે પર્વતના સીધા ચઢાણ ચડી રહ્યા હતા. ભારે મુશ્કેલીઓ છતાંય તેઓ 19,000 ફુટની ઉંચાઈએ પહોંચવામાં સફળ થયા, પરંતુ માઈનસ 15 ડિગ્રી જેટલા નીચા તાપમાને પર્વત પર ચઢાણ કરવુ મુશ્કેલ જણાતુ હતુ. બીજી તરફ હાડ થિજાવતી ઠંડીના કારણે નાનકડી પ્રાચીના પગ થિજાવા માંડ્યા હતા. જેથી સંદિપભાઈ અને તેમની પત્ની પાસે પુત્રી પ્રાચીને નીચે લઈ જવા સિવાય બીજો કોઈ વિકલ્પ બચ્યો ન હતો. આખરે બંને પુત્રીઓને સાથે લઈને માતા હેમાબહેને નીચે ઉતરી ગયા, જ્યારે સંદિપભાઈ થેલુ પર્વત શિખર પર પહોંચવામાં સફળ થયા. આ પર્વતારોહણમાં માત્ર છ વર્ષ અને 29 દિવસની કુમળી વયે 19,000 ફુટની ઉંચાઈ પહોંચીને પ્રાચીએ એક રેકોર્ડ કાયમ કરી લીધો હતો. આ સાથે તેનુ નામ લિમકા બુક ઓફ વલ્ડ રેકોર્ડમાં અંકિત થઈ ગયુ હતુ.

PRP.R
વર્ષ 2001માં પરિવારના સદસ્યોએ ભારત-ચીન સરહદે આવેલા કાલિન્દી પર્વતને સર કરવાનો નિર્ણય લીધો. જે માટે સંદિપભાઈએ ઈન્ડીયન માઉન્ટેન્યરિંગ ફાઉન્ડેશનમાં ફરી એકવાર અરજી કરી હતી. આ વખતે પણ તેમની અરજી માન્ય રાખવામાં આવી અને બંને બાળકીઓ સાથે તેમને કાલિન્દી પર પર્વતારોહણ કરવાની પરવાનગી મળી ગઈ. માતા-પિતા અને બંને પુત્રીઓ ફરી એકવાર રોમાંચક સફર પર નીકળી પડ્યા અને વર્ષ 2001ના જુન માસમાં તેઓએ કાલિન્દી પર્વત ઉપર ચઢાણ શરૂ કર્યુ હતુ. આકરી ઠંડી હોવા છતાંય તેઓ 16,000 ફુટની ઉંચાઈએ પહોંચવામાં સફળ થયા, પરંતુ તે સમયે પ્રાચીની તબિયત અચાનક ખરાબ થઈ જતાં તેઓ સમક્ષ વધુ એક મુશ્કેલી આવી પડી. અંતે માતા હેમાબહેન તેને લઈએ નીચે લઈ ગયા. બીજી તરફ પિતા સંદિપભાઈ અને પુત્રી પ્રાર્થના કાલિન્દી પર્વતને સર કરવાના દ્ઢ ઈરાદા સાથે નીકળી પડયા. અનેક મુશ્કેલીઓનો સામનો કરતાં-કરતાં અંતે 17મી જુનના રોજ પ્રાર્થનાએ કાલિન્દી પર્વતના શિખર ઉપર પગ મુક્યો હતો. આ સાથે લગભગ સાડા અગિયાર વર્ષની વયની પ્રાર્થના 20,080 ફુટની ઉંચાઈ પર પહોંચનાર વિશ્વની સૌથી નાની પર્વતારોહક બની ગઈ અને તેનુ નામ પણ લિમકા બુક ઓફ વલ્ડ રેકોર્ડમાં સ્થાન પામ્યુ. પ્રાચી અને પ્રાર્થાની અનોખી સિદ્ધીને જોતાં બંનેને વર્ષ 2004માં કેન્દ્રીય નેતા અર્જુનસિંહના હસ્તે નેશનલ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આ સાથે બંને બહેનો પર્વતારોહણમાં રાષ્ટ્રીય એવોર્ડ પ્રાપ્ત કરનાર સૌથી નાનીવયની બાળકીઓ હતી.

આજે પ્રાચી નવમા ધોરણમાં અભ્યાસ કરી રહી છે, જ્યારે પ્રાર્થના એમ એસ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ કોમ્યુનિટી સાયન્સના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે. સમય જતાં પર્વતારોહણના કાયદામાં આવેલા પરિવર્તનના કારણે 18 વર્ષથી ઓછી વયના બાળકો હવે 18,000 ફુટથી ઉંચાઈ વાળા પર્વત શિખર પર માઉન્ટેન્યરિંગ કરી શકતા નથી. જેને કારણે પ્રાચી અને પ્રાર્થનાનો રેકોર્ડ તોડવો હવે મુશ્કેલ જ નહીં નામુમકીન બની ગયો છે. પ્રાચી-પ્રાર્થના અને માતા હેમાબહેને હિમાલયના પાંચ પીક્સ સર કર્યા છે. જેમાં થેલુ, કાલિન્દી, ચંદ્રશિલા, શ્વેત પર્વત, હાથીણીનો સમાવેશ થાય છે. જ્યારે તેમના પિતા સંદિપભાઈએ હિમાલય પર્વતમાળાના 14 શિખરો સર કર્યા છે. ઉલ્લેખનીય છે કે, આગામી દિવસોમાં પ્રાર્થનાના નેતૃત્વ હેઠળ 20 જણાંની એક ટુકડી 15,885 ફુટની ઉંચાઈ વાળા શ્વેત પર્વત પર ટ્રેકિંગ કરવા માટે જઈ રહી છે.

અનોખા વ્યક્તિવોની અકલ્પનિય કાર્યસિદ્ધી વિષેના અહેવાલો વાંચવા માટે ક્લિક કરો...