શુક્રવાર, 29 માર્ચ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : ગુરુવાર, 15 સપ્ટેમ્બર 2022 (07:54 IST)

ભગવદ્દ ગીતાનો સાર - હિંદુ ધર્મનો પ્રાચીન અને પવિત્ર ગ્રંથ

geeta saar
શ્રીમદ ભગવદ્ ગીતા એ હિંદુ ધર્મનો પ્રાચીન અને મુખ્ય પવિત્ર ગ્રંથ છે. ગીતા ગ્રંથ સમસ્ત માનવ જીવનને સ્પર્શતો ગ્રંથ છે. ગીતા એટલે કોઈ દેવી દેવતાનું કે ધર્મનું વર્ણન કે મહાત્મ્ય નહી પરંતુ ગીતા એટલે જીવન જીવવાની પદ્ધતિ. ભગવાન શ્રી કૃષ્ણએ કુરૂક્ષેત્રના મેદાનમાં અર્જુનને ગીતા સંભળાવી હતી. બીલકુલ એવી જ રીતે અત્યારના સમયમાં જોવા જઈએ તો આપણું જીવન એટલે કુરૂક્ષેત્ર અને આપણે જીવનરૂપી કુરૂક્ષેત્રમાં ઉભેલા અર્જુન અને ગીતા એટલે શ્રીકૃષ્ણએ ઉચ્ચકોટીનું જીવન જીવવા માટે આપેલો ઉપદેશ. પાંચ હજાર કરતાં પણ વધુ વર્ષો પહેલા કૃષ્ણ દ્વારા અર્જુનને આપવામાં આવેલું ગીતા જ્ઞાન અત્યારના સમયમાં પ્રત્યેક વ્યક્તિ માટે ખૂબ જ ઉપયોગી છે.
 
જો કોઈ ભગવદ્ ગીતાનો સાર યથાર્થ રીતે સમજવા સમર્થ હોય, તો તે પરમ સત્ય નો અનુભવ કરી સંસારી બંધનોની ભ્રાંતિમાથી અને સંસારી દુઃખોમાંથી મુક્ત થઈ શકે.
 
શ્રીમદ્ ભગવદ્ ગીતામાં સંયમ અને સહનશીલતાનું મહત્વ પણ ખૂબ વર્ણવવામાં આવ્યું છે. ગીતાજીના બોધ અનુસાર સંસારમાં બધું જ પરિવર્તનશીલ છે. જેમ યોગ્ય સમય આવતાં ઋતુઓ બદલાય છે તે જ પ્રકારે સુખ પછી દુ:ખ આવે છે અને તેવી જ રીતે જીવનની પ્રતિકુળતા પણ કાયમની નથી. જ્યારે પણ જીવનમાં કપરો સમય આવે ત્યારે સંયમથી કામ લેવું. પરંતુ મોટાભાગે લોકો દુ:ખના સમયમાં નિરાશામાં ગરકાવ થઈ જાય છે. પરંતુ મનની હિંમતને ક્યારેય તુટવા ન દેવી જોઈએ. સમસ્યાઓથી ઘેરાયેલા હોય ત્યારે પણ પ્રભુ પર વિશ્વાસ અચૂક રાખવો કે જીવનના અંધારામાંથી પણ તે તમને ઉગારશે.
 
ગીતાના માધ્યમથી સંદેશો આપતા ભગવાન શ્રી કૃષ્ણ મનુષ્યને જણાવે છે હંમેશા જીવનમાં ઉત્સાહવાદી રહેવું જોઈએ અને એક વાત યાદ રાખવી જોઈએ કે સંસારમાં બધુ જ પરિવર્તનશીલ છે. જો આજે તમારી પાસે ધન નથી અને તમે જીવનમાં ધનની ઉણપ અથવા ઓછપ અથવા અભાવ અનુભવી રહ્યા છો તો નીરાશ ન થવું અને આશા રાખવી કે આ દિવસો પણ પસાર થઈ જશે અને સુખ-સંપત્તિ આવશે. ભગવાન કૃષ્ણ કહે છે કે જો તમે વારંવાર નિષ્ફળ થતા હોય તો સફળતાની આશા ગુમાવીને નિરાશ ન થવું પરંતુ ઈશ્વર પર ભરોસો રાખવો કે આજે નિષ્ફળતા છે તો ચોક્કસ આવતી કાલે સફળતા પ્રાપ્ત થશે જ. કારણ કે પરિવર્તન એ જ સંસારનો નિયમ છે.
 
એક નજર ગીતા પર કરીએ તો સમજાય કે શ્રીમદ્ ભગવદ્ ગીતાના દરેક અધ્યાયના અંતે ભગવાન કૃષ્ણએ પણ મનુષ્યને એ જ ઉપદેશ આપ્યો છે અને સાચો માર્ગ શું છે તે જણાવી દીધું છે હવે કયા માર્ગે ચાલવું, કેવી રીતે વર્તન કરવું, અને કેવી રીતે જીવન જીવવું તે આપણે નક્કી કરવાનું છે.
ઘણા માણસો એવા હોય છે કે સહેજ નિષ્ફળતા મળે તો નિરાશ થઈ જાય છે, પરંતુ નિષ્ફળતા એ સફળતાની ચાવી છે. અને નિષ્ફળતા સાથે જો પરિચય જ ન થયો હોય તો આપણને સફળતાની મહત્તા કેવી રીતે સમજાય?
 
ગીતામાં તો કૃષ્ણ ભગવાન બે જ શબ્દ કહેવા માગે છે. એ બે શબ્દ લોકોને સમજાય તેમ નથી, તેથી આટલું મોટું ગીતાનું સ્વરૂપ આપ્યું અને એ સ્વરૂપને સમજવા માટે લોકોએ ફરીથી વિવેચન લખ્યાં છે. કૃષ્ણ ભગવાન જાતે કહે છે કે, 'હું જે ગીતામાં કહેવા માગું છું તેનો સ્થૂળ અર્થ એક હજારમાં એક જણ સમજી શકે. એવા એક હજાર સ્થૂળ અર્થને સમજનારા માણસોમાંથી એક જણ ગીતાનો સૂક્ષ્મ અર્થ સમજી શકે. એવા એક હજાર સૂક્ષ્મ અર્થ સમજનારાઓમાંથી એક જણ સૂક્ષ્મતર અર્થને સમજે. એવા એક હજાર સૂક્ષ્મતર અર્થને સમજનારાઓમાંથી એક જણ ગીતાનો સૂક્ષ્મતમ અર્થ અર્થાત્ મારો આશય સમજી શકે!' એ જ એક કૃષ્ણ ભગવાન શું કહેવા માગતા હતા તે સમજી શકે. હવે આ સાડાત્રણ અબજની વસતિમાં કૃષ્ણ ભગવાનને સમજવામાં કોનો નંબર લાગે? કૃષ્ણ ભગવાન જે કહેવા માગતા હતા તે બે જ શબ્દમાં કહેવા માગે છે, એ તો જે જાતે કૃષ્ણ થયો હોય તે જ સમજી શકે ને કહી શકે, બીજા કોઇનું કામ નહીં. આજે 'અમે' જાતે કૃષ્ણ આવ્યા છીએ, તારે તારું જે કામ કાઢવું હોય તે કાઢી લે. કૃષ્ણ શું કહેવા માગે છે? માણસ મરી જાય ત્યારે કહે છે ને કે, 'મહીંથી જતા રહ્યા,' તે શું છે? તે 'માલ' છે અને અહીં પડયું રહે છે તે 'ખોખું' છે. આ ચર્મચક્ષુથી દેખાય છે તે પેકિંગ છે ને મહીં 'માલ' છે, મટીરીઅલ છે. ધેર આર વેરાઇટીઝ ઓફ પેકિંગ્ઝ. કોઇ આંબાનું પેકિંગ, કોઇ ગધેડાનું પેકિંગ, તો કોઇ માણસનું કે સ્ત્રીનું પેકિંગ છે; પણ મહીં 'માલ' ચોખ્ખો, એક સરખો બધામાં છે. પેકિંગ તો ગમે તેવું હોય, સડેલું ય હોય, પણ વેપારી પેકિંગની તપાસ ના કરે, મહીં 'માલ' બરાબર છે કે નહીં તે જોઇ લે, તેમ આપણે મહીંના 'માલ'નાં દર્શન કરી લેવાનાં.
 
કૃષ્ણ ભગવાન કહે છે કે, 'મહીં જે 'માલ' છે તે જ હું પોતે છું, એ જ કૃષ્ણ છે, એને ઓળખ એટલે ઉકેલ આવશે તારો, બાકી લાખ અવતાર તું ગીતાના શ્લોક ગાઇશ તો ય તારો ઉકેલ નહીં આવે!' 'ખોખું' અને 'માલ' આ બે જ શબ્દોમાં કૃષ્ણ ભગવાન જે બધું કહેવા માગતા તે છે, અને આ બુદ્ધિશાળી લોકો ગીતાનાં અર્થ કરવા જાય છે, એનાં પુસ્તકો કાઢે છે! મૂળ તો આ લોકોને અર્ક કાઢતાં જ નથી આવડતું ને મોટાં મોટાં વિવેચનો, ટીકાઓ લખી અર્ક કાઢવા ગયા છે; પણ આ તો પોતાના સ્વછંદથી નામના કાઢવા જ કરે છે! બાકી બે શબ્દમાં જ કૃષ્ણ ભગવાનનો 'અંતર-આશય' સમાઇ જાય છે.
 
આ છોકરો હોસ્ટેલમાં ભણતો હોય ત્યારે ફાધર તેને કડક શબ્દોમાં પત્ર લખે કે, 'તું ભણતો નથી અને મારા પૈસા બગાડે છે, સિનેમા-નાટક જોયા કરે છે, કંઇ કરતો નથી.' ત્યારે છોકરો શું કરે કે બાપનો પત્ર પોતાના ફ્રેન્ડને દેખાડે અને કહે કે, 'જો ને મારા ફાધર કેવા છે? જંગલી છે, ક્રોધી છે ને લોભી છે, કંજૂસ છે.' આવું છોકરો કેમ કહે છે? કારણ કે તેને ફાધરની વાત નથી સમજાતી, એ ફાધરનો અંતરઆશય નથી સમજી શકતો. ફાધર અને છોકરામાં માત્ર પચીસ જ વરસનો ડિફરન્સ છે, છતાં પણ બાપનો અંતરઆશય દીકરો સમજી શકતો નથી; તો પછી કૃષ્ણ ભગવાનને તો પાંચ હજાર વર્ષ થયાં, તે પાંચ હજાર વર્ષના ડિફરન્સમાં કૃષ્ણ ભગવાનનો અંતરઆશય કોણ સમજી શકે? એમનો અંતર આશય કોણ બતાવી શકે? એ તો જે 'ખુદ' કૃષ્ણ ભગવાન હોય તે જ બતાવી શકે!