હિન્દુ ધર્મમાં હિમાલયના ખોળામાં વસેલા કેદારનાથ ધામને બાર જ્યોતિર્લિંગમાંથી એક માનવામાં આવે છે. હિન્દુ પુરાણમાં વર્ષના લગભગ 6 મહિના બરફથી ઢંકાયેલુ રહેનારુ આ પવિત્રધામને ભગવાન શિવનુ નિવાસ સ્થાન બતાવવામાં આવે છે. એવુ માનવામા આવે છે અહી ભગવાન શિવે સાક્ષાત દર્શન આપ્યા હતા જ્યારબાદ પાંડવોએ અહી આ ઘામને સ્થાપિત કર્યુ.
આવો જાણીએ કેદારનાથ સાથે જોડાયેલ આ રોચક કથા વિશે..
ધાર્મિક ગ્રથોમાં વર્ણિત કથા મુજબ મહાભારત યુદ્ધમાં વિજય પછી, પાંડવોમાં સૌથી મોટા યુધિષ્ઠિરનો હસ્તિનાપુરના રાજા તરીકે રાજ્યાભિષેક કરવામાં આવ્યો. ત્યારબાદ યુધિષ્ઠિરે લગભગ ચાર દાયકા સુધી હસ્તિનાપુર પર શાસન કર્યું. આ સમય દરમિયાન, એક દિવસ પાંચ પાંડવો ભગવાન શ્રીકૃષ્ણ સાથે બેસીને મહાભારત યુદ્ધની સમીક્ષા કરી રહ્યા હતા. સમીક્ષામાં, પાંડવોએ શ્રીકૃષ્ણને કહ્યું, હે નારાયણ, બ્રહ્મહત્યાની સાથે પોતાના ભાઈઓનો વધ કરવો એ અમારા બધા ભાઈઓ પર કલંક છે.
આ કલંક કેવી રીતે દૂર કરવો? પછી શ્રી કૃષ્ણએ પાંડવોને કહ્યું કે એ વાત સાચી છે કે તમે યુદ્ધ જીતી ગયા હોવા છતાં, તમારા ગુરુ અને સ્વજનોને મારીને પાપના ભાગીદાર બન્યા છો. આ પાપોમાંથી મુક્તિ મેળવવી અશક્ય છે. પરંતુ ફક્ત મહાદેવ જ તમને આ પાપોથી મુક્ત કરી શકે છે. તેથી મહાદેવના શરણમાં જાઓ. ત્યારબાદ શ્રી કૃષ્ણ દ્વારકા પાછા ફર્યા.
ત્યારબાદ, પાંડવો પોતાના પાપોથી મુક્તિ મેળવવાની ચિંતા સતાવવા લાગી અને મનમાં વિચારતા રહ્યા કે ક્યારે રાજ્ય છોડીને ભગવાન શિવની શરણ લેવી.
દરમિયાન, એક દિવસ પાંડવોને ખબર પડી કે વાસુદેવ પોતાના દેહ ત્યજી દીધો છે અને પોતાના પરમઘામ પહોચી ગયા છે. આ સાંભળીને, પાંડવોને પણ પૃથ્વી પર રહેવાનું યોગ્ય નહોતુ લાગી રહ્યુ. ગુરુ, દાદા અને મિત્ર બધા યુદ્ધભૂમિમાં પાછળ છૂટી ગયા હતા. માતા, મોટા ભાઈ, પિતા અને કાકા વિદુર પણ જંગલમાં ચાલ્યા ગયા હતા. હંમેશા મદદગાર રહેતા કૃષ્ણ પણ હવે ત્યાં નહોતા. આવી સ્થિતિમાં, પાંડવોએ પરીક્ષિતને રાજ્ય સોંપી દીધું અને દ્રૌપદી સાથે હસ્તિનાપુર છોડીને ભગવાન શિવની શોધમાં નીકળી પડ્યા.
હસ્તિનાપુરથી નીકળ્યા પછી પાંચેય ભાઈ અને દ્રોપદી ભગવાન શિવના દર્શન માટે સૌથી પહેલા પાંડવકાશી પહોચ્યા. પરંતુ ત્યા શિવ મળ્યા નહીં. ત્યારબાદ તેઓએ ઘણી જગ્યાએ ભગવાન શિવને શોધવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેઓ જ્યાં પણ જતા, ભગવાન શિવ ત્યાંથી જતા રહેતા. આ ક્રમમાં, એક દિવસ પાંચ પાંડવો અને દ્રૌપદી ભગવાન શિવને શોધતા શોધતા હિમાલય પહોંચ્યા.
અહીં પણ જ્યારે ભગવાન શિવે આ લોકોને જોયા, ત્યારે તેઓ છુપાઈ ગયા, પરંતુ અહીં યુધિષ્ઠિરે ભગવાન શિવને છુપાતા જોઈ લીધા. પછી યુધિષ્ઠિરે ભગવાન શિવને કહ્યું કે હે ભગવાન, તમે ગમે તેટલા છુપાઈ જાઓ, અમે તમારા દર્શન કર્યા વિના અહીંથી નહીં જઈએ અને મને પણ ખબર છે કે અમે પાપ કર્યું છે તેથી તમે છિપાય રહ્યા છો.
યુધિષ્ઠિરે આ કહ્યા પછી, પાંચ પાંડવો આગળ વધવા લાગ્યા. એ જ સમયે એક બળદ તેમના પર ત્રાટક્યો. આ જોઈને ભીમે તેની સાથે લડવા માંડ્યો. આ દરમિયાન, બળદે પોતાનું માથું જમીનમાં છુપાવી દીધું, ત્યારબાદ ભીમે તેની પૂંછડી પકડી અને તેને ખેંચવાનું શરૂ કર્યું, બળદનું ધડ માથાથી અલગ થઈ ગયું અને તે બળદનું ધડ શિવલિંગમાં ફેરવાઈ ગયું અને થોડા સમય પછી ભગવાન શિવ શિવલિંગમાંથી પ્રગટ થયા. શિવે પાંડવોના પાપો માફ કરી દીધા. બીજી કથા અનુસાર પાંડવોથી બચવા માટે શિવે બળદનુ રૂપ ધારણ કર્યુ અને જમીનમાં પૂર્ણ સમાય ગયા. જે સ્થાન પર તેમની કૂબડ એટલેકે પીઠનો ભાગ દેખાવવા લાગ્યો એ કેદારનાથ ધામ બની ગયુ શિયાળામાં જ્યારે કેદારનાથ ધામ બંધ થઈ જાય છે ત્યારે ભગવાન શિવની પૂજા ઉખીમઠના ઓંકારેશ્વર મંદિરમાં કરવામાં આવે છે.
આજે પણ આ ઘટના પ્રમાણે કેદારનાથનુ શિવલિંગ બળદની કુબડના રૂપમાં રહેલુ છે. ભગવાન શિવને પોતાની સામે સાક્ષાત જોઈને પાંડવોએ તેમણે પ્રણામ કર્યા અને ત્યારબાદ ભગવાન શિવે પાંડવોને સ્વર્ગનો માર્ગ બતાવ્યો અને પછી અંતર્ઘ્યાન થઈ ગયા. ત્યારબાદ પાંડવોએ એ શિવલિંગની પૂજા અર્ચના કરી અને આજે એ જ શિવલિંગ કેદારનાથ ધામના નામથી ઓળખવામાં આવે છે.
અહી પાંડવોને સ્વર્ગ જવાનો રસ્તો ખુદ શિવજીએ બતાવ્યો હતો તેથી હિન્દુ ધર્મમાં કેદારસ્થળને મુક્તિ સ્થળ માનવામાં આવે છે અને એવી માન્યતા છે કે જો કોઈ કેદાર દર્શનનો સંકલ્પ લઈને નીકળે અને તેનુ મૃત્યુ થઈ જાય તો જીવને ફરીથી જન્મ લેવો પડતો નથી.