બુધવાર, 22 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુતહેવારો
Written By
Last Updated : શુક્રવાર, 23 ઑગસ્ટ 2024 (09:41 IST)

જીવંતિકા વ્રતની વિધિ અને જીવંતિકા વ્રત કથા

jivtika vrat
જીવંતિકા વ્રતની વિધી

શ્રાવણ માસના પ્રથમ શુક્રવારથી આ વ્રતની શરૂઆત થાય કે કરાય છે. જો પ્રથમ શુક્રવારે ન થઈ શકે તો બીજા શુક્રવારથી પણ શરૂ કરી શકાય છે. પ્રાત:કાળે ઉઠીને સ્નાન વિધિથી પરવારી માની તસવીર સામે પાંચ દીવેટનો ઘીનો દીવો કરવો, અબીલ, ગુલાલ અને પુષ્પોથી પૂજા કરવી. સ્તુતિ-પ્રાર્થના કરીને કથા સાંભળવી.
 
આ વ્રત કરનાર સ્ત્રીએ પીળા વસ્ત્રો, પીળા અલંકારો કે પીળા રંગની વસ્તુઓનો ત્યાગ કરવો અને લાલ વસ્ત્રો પહેરવા. પીળા મંડપ નીચે સુવું નહીં અને ચોખાનું પાણી ઓળંગવુ નહીં.
 
કથા પુરી થયા પછી પાંચ દીવેટોના દીવાથી આરતી ઉતારવી. ખાંડના શીરાનો કે સાકરનો પ્રસાદ વહેંચવો અને પોતાના સંતાનની રક્ષા માટે માતાજીને પ્રાર્થના કરવી. વ્રતના દિવસે એકટાણું કરવું. જૂઠું ન બોલવું. કોઈની નિંદા ન કરવી. આખો દિવસ માના જાપ જપવા. જીવંતિકાનું વ્રત કરનારના સંતાન પર માની અમી દ્રષ્ટિ રહે છે અને તેઓ દીર્ધાયુષી થાય છે.
 


 
પ્રાચીનકાળમાં શીલભદ્રા નગરીમાં સુશીલકુમાર નામે એક રાજા રાજ કરતો હતો. તેની  રાણીનું નામ સુલક્ષણા હતું. રાજા-રાણી ઘણા દાની અને ધર્મિષ્ઠ હતા તથા બધી વાતે સુખી પણ તેમને એક વાતનુ દુ:ખ હતુ તેમને શેર માટીની ખોટ હતી. એમને એક પણ સંતાન હતું નહી, તેથી રાણીબા ચિતામા સુકાતા જતા હતા. એમને મન સંસારના બધા સુખ ઝેર જેવા થઈ ગયા હતા.
 
એક દિવસની વાત છે. રાણી સુલક્ષણા મહેલના ઝરોખામાં બેઠી બેઠી બહાર ચોગાનમાં રમતા બાળકોને એકીટસે નિહાળી રહી હતી. એટલામાં એની એક પ્રિય દાસી ત્યાં આવી ચડી. આ દાસી સુયાણીનું પણ કામ કરતી હતી. એટલે ગામમા કોઇને સુવાવડ આવે તો સૌ તેને બોલાવતાં.
 
દાસી ઘણી સમજું હતી. એ રાણીના મનોભાવ તરત સમજી ગઈ. તેણે રાણીને કહ્યુ : “રાણીજી ! તમે આટલી બધી ચિંતા શા માટે કરો છો? ખોટું ન લગાડો તો તમને એક વાત કહેવા માંગુ છું, જેથી તમારૂ વાંઝિયામેણું હંમેશને માટે દૂર થઈ જશે.”
 
“જલ્દી બતાવ મને…” રાણીએ કહ્યું.
 
દાસીએ ધીમે થી રાણીના કાનમા  કહ્યુ : “ સાંભળો રાણીજી ! ગામમા એક બ્રાહ્મણીને ત્રીજો મહિનો જઈ રહ્યો છે. તમે આજથી જ વાત ફેલાવી દો કે તમે સગર્ભા છો અને મા બનવાના છો. બસ, ત્યારબાદનું બધું કામ હું સંભાળી લઈશ. પૂરે દિવસે બ્રાહ્મણી જે બાળકને જન્મ આપશે, તે હું તમને લાવીને સોંપી દઈશ !”  દાસીની વાત સંભાળી રાણીએ પ્રથમ ખચવાટ અ‍નુભવ્યો પણ દાસીએ તેમને કહ્યુ : “તમે બીશો નહીં, કોઈને કાંઈ કાનો કાન ખબર નહીં પડે” બાળક મળવાની લાલસાએ રાણી સુલક્ષણા આવું કુકૃત્ય કરવા તૈયાર થઈ ગઈ અને પોતે ગર્ભવતી છે, એ વાત ફેલાવવા માંડી.
 
જોત જોતામાં છ મહિના વીતી ગયાં. એક દિવસ રાતે બ્રાહ્મણીને પ્રસુતિની પીડા ઉપડતાં દાસીને બોલાવવામાં આવી ! મધરાત બાદ બ્રાહ્મણીએ એક સુંદર અને તેજસ્વી પુત્રને જન્મ આપ્યો. દાસી બધાની રજા લઈ રવાના થઈ. થોડીવારમાં તો ઘરનાં બધા ઘસઘસાટ ઊંઘી ગયા.
 
દાસી ઘરની પાછલી બારીથી ચોર પગલે બ્રાહ્મણીના ઓરડામાં આવી અને બાળકને ઉઠાવીને ઘરની બહાર નીકળી ગઈ. એ સીધી રાણી પાસે પહોંચી અને જઈને બાળક સોંપી દીધું. રાણી તો ખુશ ખુશ થઈ ગઈ. ત્યાર બાદ તરત જ મહેલમાં સમાચાર ફેલાવી દેવામાં આવ્યાં કે રાણીએ એક સુંદર પુત્રને જન્મ આપ્યો છે.
 
આખા નગરમાં આનંદ આનંદ છવાઈ ગયો. ઘેર ઘેર દીપમાલા પ્રગટી. આખું નગર ઉત્સવ ઉજવી રહ્યું છે ત્યારે બાળકની સાચી મા બ્રાહ્મણી વિલાપ કરે છે. પુત્ર ગુમ થવાથી રડે છે, ટળવળે છે.
 
ત્યાર બાદ બ્રાહ્મણીએ જીવંતિકાનું વ્રત શરૂ કર્યું. તેથી મા જીવંતિકા બ્રાહ્મણીનો પુત્ર, જે મહેલમાં રાજકુમાર થઈ ઉછરી રહ્યો છે એની રક્ષા કરવા માંડી. રાણીએ તેનું નામ શીલસેન પાડ્યું હતું. શીલસેન મોટો થવા લાગ્યો.  એ યુવાના થયો ત્યારે રાજા સુશીલકુમાર અને પેલી બ્રાહ્મણીનો પતિ મરણ પામ્યાં અને શીલસેન રાજગાદીએ બેઠો. તે ઘણો દયાળું અને ધર્મિષ્ઠ હતો. પ્રજા તેની કુશળતાથી ઘણી ખુશ થઈ.
 
થોડા સમય પછી એ પિતાનું શ્રાદ્ધ કરવા માટે ગયાજી જવા નીકળ્યો. રસ્તામાં એણે એક વણીકના ઘેર ઉતારો રાખ્યો. આ વાણીયાને છ બાળકો થયાં અને વારાફરતી છઠ્ઠા દિવસે મરણ પામ્યાં. આજે વણીકના ઘેર સાતમાં પુત્રની છઠ્ઠી હતી. ઘરના બધા ઊંઘી ગયા હતા ત્યારે મા જીવંતિકા શીલસેનનું રક્ષણ કરતા બારણા પાસે ઊભા હતા. મધરાત થતાં વિધાતા, વણીકના પુત્રના લેખ લખવા આવ્યાં. એટૅલે જીવંતિકા માતાએ આડું ત્રિશૂળધર્યું અને કહ્યું : “દેવી વિધાતા ! તમે અહીં કેમ આવ્યા ?”
 
“વાણીયાના દીકરાની આજે છઠ્ઠી છે, એટલે તેના લેખ લખવા આવી છું.”
 
મા જીવંતિકાએ વિધાતાને પૂછ્યું : “ બહેન ! લેખમાં શું લખશો ?” ત્યારે વિધાતાએ જવાબ આપ્યો કે “ એના ભાગ્યમાં છે તે લખીશ કે આ બાળક કાલે સવારે મરણ પામશે.”
 
આ સાંભળી મા જીવંતિકાએ કહ્યું : “ ના, ના વિધાત્રી ! એવું તમારાથી ન લખાય ! જ્યાં મારા પગલા પડે ત્યાં તમે આવું અમંગળ કદાપિ ન લખી શકો. માટે આ બાળકનું આયુષ્ય સો વર્ષનું લખજો.” છેવટે વિધાતાએ મા જીવંતિકાની આજ્ઞા માથે ચઢાવી દીર્ધાયુષ્ય લખીને ચાલતાં થયાં. .
 
બીજા દિવસે વાણીયાએ પોતાના બાળકને જીવતો જોયો તો એ ગદગદ થઈ ગયો. એને ખાત્રી થઈ ગઈ કે આ બધું આ મુસાફરના મંગલ પગલાંના પ્રતાપે જ થયું છે.
 
શીલસેન બીજા દિવસે જવા તૈયાર થયો ત્યારે વાણીયાએ ખૂબ જ આગ્રહ કરીને ફરીવાર આવવા કહ્યું. શીલસેને હા પાડી. ત્યાંથી એ ઘણાં દિવસે ગયાજી પહોંચ્યો. પોતાના પિતાની શ્રાદ્ધક્રિયા પૂરી કરી, જ્યાં એ પિંડદાન કરવા જતો હતો ત્યારે નદીમાંથી બે હાથ બહાર આવ્યાં. આ જોઈ શીલસેનના અચરજનો પાર ના રહ્યો. તેણે પંડિતોને આનું કારણ પૂછ્યું, પણ પંડીતો તેનો કોઈ જવાબ આપી શક્યા નહી. આમાં બીજો હાથ કોઈ દેવીના હાથ જેવો લાગતો હતો. એણે પિંડ એક હાથમાં મૂકી દીધો. આમ શ્રાદ્ધ ક્રિયા પતાવી શીલસેન પોતાને ગામ આવવા ચાલી નીકળ્યો. ફરતો ફરતો શીલસેન બરાબર એક વર્ષે પેલા વાણીયાને ઘેર આવ્યો અને રાતવાસો રહ્યો. એ દિવસે વાણીયાને ત્યાં ફરી બાળકનો જન્મ થયે છ દિવસ થયા હતા.
 
રાત પડતાં જ વિધાતા છઠ્ઠીના લેખ લખવા આવ્યાં. તો મા જીવંતિકાએ તેમને રોકીને સો વર્ષનું આયુષ્ય લખવા કહ્યું. વિધાતાએ આજ્ઞા માન્ય રાખી. લેખ લખીને પાછા ફરતી વખતે જીવંતિકા માને પૂછ્યું : “ મા ! તમે આ રાજકુમારનું રક્ષણ શા માટે કરો છો ?”  આ ક્ષણે જ શીલસેનની આંખ ખુલી ગઈ. તેને કોઈક વાઅત કરી રહ્યું હોય તેમ લાગ્યું. તે ચૂપચાપ પથારીમાં પડ્યો પડ્યો આ સંવાદ સાંભળવા લાગ્યો.
 
મા જીવંતિકાએ કહ્યું: “ દેવી વિધાતા ! આ રાજકુમારની માતા વર્ષોથી શુક્રવારે મારું વ્રત કરે છે. તે દિવસે પીળા વસ્ત્રો પહેરતી નથી, પીળા અલંકારો પણ ધારણ કરતી નથી, ચોખાના પાણીને ઓળંગતી નથી અને પીળા માંડવા નીચે જતી નથી, આથી મારે આ રાજકુમારની રક્ષા કરવી પડે છે. એ જ્યાં જાય ત્યાં મારે જવું પડે છે. તેના લીધે હું આજે વાણીયાને ઘેર છું. જ્યાં સુધી વાણીયાને ઘેર મારો વાસ હોય, ત્યાં સુધી હું તેના બાળકનું અહિત શી રીતે થવા દઉં ?”
 
“ભલે.” કહી વિધાતા જતા રહ્યાં.
 
આ સાંભળી શીલસેન વિચારામાં પડી ગયો. એની માતા કોઈ વ્રત કરતી હોય એવું એને યાદ ન હતું. છતાં એણે માતાને પૂછી ખાત્રી કરવા નક્કી કર્યું.
 
સવાર થતાં વાણીયાએ જોયું તો તેનો બીજો દિકરો પણ જીવતો જણાયો. એને લાગ્યું કે નક્કી આ શીલસેન કોઈ મહાન માણસ છે. બીજે દિવસે શીલસેને રજા માંગી ત્યારે વાણીયાએ એમને આનંદથી રજા આપી.
 
ઘણાં જ દિવસે શીલસેન પોતાના રાજ્યમાં પહોંચ્યો. મહેલે જઈને માને પૂછ્યું : “મા ! તમે ક્યું વ્રત કરો છો ?”
 
“બેટા ! હું કોઈ વ્રત કરતી નથી.” રાણી સુલક્ષણા બોલી.
 
આથી શીલસેનને શંકા પડી કે આ મારી સગી મા નથી. પોતાની માને શોધી કાઢવા માટે એણે શ્રાવણ માસના પ્રથમ શુક્રવારે આખી નગરીને જમાડવાનું આમંત્રણ આપ્યું. સાથે સખ્ત સૂચના આપી કે દરેકે પીળા વસ્ત્ર પહેરવા. બધા જમવા આવ્યાં ત્યારે શીલસેને આજ્ઞા કરી કે નગરમાં તપાસ કરો કે કોઈ રહી ગયું છે?
 
થોડીવારે અનુચરોએ આવીને કહ્યું કે એક બ્રાહ્મણી પીળા વસ્ત્ર પહેરીને આવવાની ના પાડે છે. આજે એને પીળા વસ્ત્ર નહી પહેરવાનું વ્રત છે.
 
આ સાંભળી રાજકુમાર ગદગદ થઈ ગયો. એણે તરત બ્રાહ્મણી માટે લાલ રંગના વસ્ત્ર મોકલાવ્યાં. એ પહેરીને બ્રાહ્મણી આવી. શીલસેન સામે આવતાં જ એના ધાવણમાંથી દૂધની ધાર છૂટી… અને શીલસેનના મોંમા પડી. આ જોતાં જ નગરજનો અચરજમાં પડી ગયા અને એકી અવાજે બોલી ઉઠ્યા : “ આ જ રાજકુમાર શીલસેનની માતા છે.”
 
ત્યાર બાદ શીલસેને રાણી સુલક્ષણાને બધી વાત પૂછી. રાણીએ રડતા રડતા બધી વાત જણાવી દીધી. શીલસેન પોતાની સગી જનેતાને ભેટી પડ્યો અને એને પોતાની સાથે મહેલમાં રાખી. એ દિવસથી આખા ગામની સ્ત્રીઓએ પોતાના વહાલસોયા બાળકોની રક્ષા માટે મા જીવંતિકાનું વ્રત કરવાનું શરૂ કરી દીધું.
 
શીલસેને વર્ષો સુધી સુખપૂર્વક રાજ કર્યું.
 
“હે મા જીવંતિકા ! તમે જેમ બ્રાહ્મણીના બાળકનું રક્ષણ કર્યું, તેવું વ્રત કરનાર સૌના બાળકોનું રક્ષણ કરજો અને એમને સુખ-સંપત્તિ આપજો.”