રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : શુક્રવાર, 8 નવેમ્બર 2024 (10:05 IST)

જલારામ જયંતિ - જલારામ બાવની - Jalaram Bavani Lyrics in Gujarati

jay jalaram
સોરઠ ભૂમિ પાવન ધામ, વીરપુર નામે એમાં ગામ,
પ્રગટ્યા ત્યાં શ્રી જય જલારામ, જનસેવાનું કરવા કામ, … (૨)
 
રાજબાઇ માતાનું નામ, પ્રધાનજી પિતાનું નામ,
લોહાણા જ્ઞાતિ હરખાય, નામ સમરતાં રાજી થાય, … (૪)
 
સંત પધાર્યા એને દ્વાર, રાજબાઇએ કીધો સત્કાર,
ઉજ્જ્વણ થાશે તારી કુથ, એવું બોલ્યા નિજ મુખ, … (૬)
 
સંવત અઢારસો છપ્પન માંહ્ય, કારતક સુદ સાતમની છાય,
આશીર્વાદથી પ્રગટ્યા રામ, નામ પાડ્યું શ્રી જય જલારામ, … (૮)
 
વૃદ્ધ સંત આવ્યા તે ઠામ, ઓળખ્યા શ્રી જય જલારામ,
માતપિતા સ્વધામે ગયા, કાકાને ત્યાં મોટા થયા, … (૧૦)
 
સંવત અઢારસો સિત્તેરમાંહ્ય, યજ્ઞોપવીત વિધિ થાય,
સંવત અઢારસો બોત્તેરમાંહ્ય, પ્રભુતાં પગલાં મંડાય, … (૧૨)
 
કાકાનું સંભાળે હાટ, ધર્મ દાનમાં મનમાં ઘાટ,
સાધુ સંતોને દેતા દાન, રઘુવીરનું એ ધરતાં ધ્યાન, … (૧૪)
 
એક સમે સંતોનો સંઘ, આવી જમાવ્યો ભક્તિનો રંગ,
જલારામની પાસે આજ, આવ્યા સીધુ લેવા કાજ, … (૧૬)
 
જલારામ લઇ માથે ભાર, દેવા ચાલ્યા એને દ્વાર,
પાડોશીને લાગી લ્હાય, તે કાકાને કહેવા જાય, … (૧૮)
 
વા’લાકાકા દોડ્યા ત્યાંય, જ્યાં જલા દેવાને જાય,
ઘભરામણ છૂટી તે વાર, પત રાખે છે દીન-દયાળ, … (૨૦)
 
છાણાં કહ્યાં તો છાણાં થાય, ઘીના બદલે જળ દેખાય,
પાડોશી તો ભોંઠો થાય, દુરિજન કર્મોથી પસ્તાય, … (૨૨)
 
જલા ભક્તને લગની થઈ, ભીતર બારી ઉઘડી ગઈ,
યાત્રા કરવા કીધી હામ, પછી ફર્યા એ ચારે ધામ, … (૨૪)
 
ગુરુ કરવાનો પ્રગટ્યો ભાવ, ફત્તેપુર જઈ લીધો લ્હાવ,
ભોજો ભગત કીધા ગુરુદેવ, વ્રત કરવા સાચી સેવ, … (૨૬)
 
સંવત અઢારસો ચોત્તેર માંહ્ય, સદાવ્રતનું સ્થાપન થાય,
વીરબાઇ સુલક્ષણી છે નાર, સેવાની રાખે સંભાળ, … (૨૮)
 
સાધુ સંતો આવે નિત્ય, જલાબાપાની જોઇ પ્રીત,
અન્ન તણા નીધિ છલકાય, બાધા આખડીથી દુઃખ જાય, … (૩૦)
 
બાપા સૌમાં ભાળે રામ, ખવરાવીને લે આરામ,
ગાડાં ભરી અન્ન આવે જાય, સાધુસંતો ખૂબ જ ખાય, … (૩૨)
 
તન મન ધનથી દુઃખીઆં જન, આવીને નિત કરે ભજન,
બાપા સૌના દુઃખહરનાર, ભેદ ન રાખે કોઇ લગાર, … (૩૪)
 
થોડા જનનાં કહું છું નામ, મળીઓ છે જેને આરામ,
જમાલ ઘાંઘી જે કહેવાય, દીકરો તેનો સાજો થાય, … (૩૬)
 
હરજી દરજી પેટનું દુઃખ, ટાળીને ત્યાં પામ્યો સુખ,
મૃત્યુ પામ્યો કોળી એક, પિતા તેનો કરગર્યો છેક, … (૩૮)
 
બાપા હૈયે કરુણા થાય, રામનામની ધૂન મચાય,
થયો સજીવન તેનો બાળ, રામનામનો જય જયકાર, … (૪૦)
 
પુણ્ય તપ્યું બાપાનું માંહ્ય, વ્હાલો ઊતર્યો અવની માંહ્યા,
કરી કસોટી માગી નાર, જોવા કેવું દિલ ઉદાર, … (૪૨)
 
ધન્ય ધન્ય છે વીરબાઇ નાર, પ્રભુ સમ જાણ્યો છે ભરથાર,
આજ્ઞા આપો છું તૈયાર, સેવા સંતની સાચો સાર, … (૪૪)
 
સેવા કરવા ગયાં છે સતી, જાણી ત્રિભુવનના એ પતિ,
આકાશવાણીમાં સંભળાય, ધન્ય જલા ભક્તિ કહેવાય, … (૪૬)
 
ઝંડો ઝોળી વીરબાઇ હાથ, દઇને અલોપ થયા છે નાથ,
વાચક પહોંચ્યા વીરપુર ગામ, સૌએ સમર્યા સીતારામ, … (૪૮)
 
આજે પણ વીરપુરની માંહ્ય, સૌને એનાં દર્શન થાય,
જનસેવા તો ખૂબ જ કરી, ઠાર્યા સૌને પોતે ઠરી, … (૫૦)
 
ઓગણીસે ને સાડત્રીસ માંહ્ય, બાપા સિધાવ્યા વૈકુંઠમાંહ્ય,
મધુદાસ જે બાવની ગાય, દુઃખની છુટી સુખીઆ થાય, … (૫૨)
 
વીરપુર ગામે કીધો વાસ, ભક્તજનોની પુરવા આશ,
દાસ મુકુંદ તે ગુણલા ગાય, દુઃખદારીદ્ર તેનાં જાય, .. (૫૪)
 
સોરઠ ભૂમિ પાવન ધામ, વીરપુર નામે એમાં ગામ.