સોમવાર, 18 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. અનોખુ વિશ્વ
  4. »
  5. અનોખુ તથ્ય
Written By વેબ દુનિયા|

રણનું જહાજ ડૂબી રહ્યુ છે !!

P.R
એક સમયે કચ્છમાં મોટી સંખ્યામાં અને જૂથમાં રહેતા ઉંટની સંખ્યા હવે ઘણી ઘટી ગઈ છે. ઉંટોના વપરાશ અને સંખ્યા બંનેમાં ખૂબ મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. ઉંટોની આ ઘટતી જતી સંખ્યાનું મુખ્ય કારણ લુપ્ત થઈ રહેલી અહીંની ‘ખરડ’ કળા તેમજ ‘પ્લાય-સ્પ્લિટ બ્રેઈડિંગ ટેક્નિક’ની ઘટતી જતી લોકપ્રિયતા છે.

2011માં થયેલા એક સર્વે પ્રમાણે ગયા વર્ષે આ ઉંટોની સંખ્યા 12,000 જેટલી હતી. પણ જો વર્ષ 2007ના સર્વે પર નજર કરીએ તો આ જ ઉંટોની સંખ્યા 38,000 આસપાસ હતી. એટલે કે 4 વર્ષના સમયગાળામાં 26,000 જેટલા ઉંટોનો ઘટાડો થયો છે. જે આપણા માટે ઘણી ચિંતાજનક બાબત કહી શકાય. જોકે હવે કચ્છી ઉંટોની ‘ખરાઈ’ જાતિ એક ચોક્કસ પ્રમાણમાં જોઈ શકાય છે. કચ્છમાં આ જાતિના ઉંટોની સંખ્યા 2,173 જેટલી છે જેમનો ખોરાક મેન્ગ્રૂવનાં પાંદડા છે. આ એકમાત્ર એવી જાતિ છે પોતાના ખોરાક માટે સ્વિમિંગ પણ કરી શકે છે.

આ અંગે કુદરતી પર્યાવરણની સાચવણી કરતા તેમજ ‘એનિમલ હસબન્ડ્રી ડિપાર્ટમેન્ટ (AHD)’ દ્વારા ચલાવાતું ‘સહજીવન’ ગ્રુપ હાલમાં ખરાઈ જાતિનાં ઉંટોનાં શારિરીક લક્ષણો પર સ્ટડી કરી રહ્યું છે. આણંદ એગ્રિકલ્ચરલ યુનિવર્સિટીની વેટરિનરી કોલેજમાં આ જાતિના ઉંટોના જીનેટિક ટેસ્ટ્સ પર સ્ટડી પણ કરાઈ રહ્યું છે.

ઊંટ પહેલાં જેટલું ઉપયોગી નથી રહ્યું...

આ અંગે AHDનાં ડિસ્ટ્રિક્ટ ડેપ્યુટી ડાયરેક્ટર સુભાષચંદ્ર વણકરનું કહેવું છે કે હવે ઉંટ એ પહેલા જેટલું ઉપયોગી પ્રાણી નથી રહ્યું. ઉંટના ઘટતા જતા ઉપયોગને કારણે એવી કલાઓનો પણ ટૂંક સમયમાં નાશ થશે કે જેમાં હસ્ત-કૌશલ્ય ઉપરાંત પ્રાણીઓની જરૂર રહેતી હતી.
P.R


ઊંટ સાથે સંકળાયેલી ખરડકળા પણ લુપ્તતાના આરે...

ભૂજનાં આર્ટ એન્ડ ક્રાફ્ટનાં જાણકાર એ.એ.વઝીર ખરડ કળા માટે ઘણાં ચિંતિત છે. ખરડ કળા દ્વારા બનાવવામાં આવતી મલ્ટિ-પર્પઝ મેટ ટ્રાવેલિંગ વખતે ઉંટોની પીઠ પર પાથરવામાં આવતી હોય છે. હાલમાં જ ભૂજની ડિસ્ટ્રિક્ટ રૂરલ ડેવલોપમેન્ટ એજન્સી દ્વારા જાહેર કરાયેલી માહિતી પ્રમાણે વણકર જાતિનાં એકમાત્ર કલાકાર તેમજ ખરડકળા જાણતું છેલ્લું કુટુંબ આજે ભૂજ જિલ્લાનાં કુકમા ગામે વસે છે. જ્યારે વઝીરનું માનવું છે કે હજી પણ ખરડકળાના જાણકાર એવા 2 કે 3 કલાકારો ડોબાણા ગામે વસે છે.

ખરડકળાના જાણકારો અન્ય વ્યવસાય તરફ વળ્યા...

ખરડ ડિઝાઈન્સ સામાન્ય રીતે રૂ.3,000થી 10,000ની રેન્જમાં ઉપલબ્ધ હોય છે અને આ ડિઝાઈન્સ સામાન્ય રીતે ઉંટોને લગતા ભરતની ભાત અથવા તો ભૌગોલિક ભાત દર્શાવતી હોય છે. જોકે આજે એ સમય આવી ગયો છે કે ખરડની કોઈ એવી માંગ ન રહેતા આ વણકરોને લેધર પોલિશિંગ કે અન્ય ધંધા તરફ વળવું પડ્યું છે.







સૌજન્ય : જીએનએસ