ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. અનોખુ વિશ્વ
  4. »
  5. અનોખી પ્રતિભા
Written By અલ્કેશ વ્યાસ|

કવિતાના ઉત્પાદનની જીવંત ફેક્ટરી, નિખીલ પારેખ

P.R

અમદાવાદના થલતેજ વિસ્તારમાં રહેતા નિખીલ પારેખે માત્ર નવ વર્ષના સમયગાળા દરમિયાન 2100થી વધુ કવિતા રચીને જગતનુ ધ્યાન આકર્ષીત કર્યુ છે. સપ્તાહની સરેરાશ પાંચ કવિતાની રચના કરતા આ વિરલ યુવકની અનોખી પ્રતિભાના કારણે ત્રણ-ત્રણ વખત લિમકા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં તેનુ નામ અંકિત થઈ ચુક્યુ છે. એટલુ જ નહીં, દેશ-વિદેશની અનેક મેગેઝીનોમાં તથા કાવ્યની અનેક સ્પર્ધાઓમાં તેણે પ્રથમ સ્થાન મેળવીને વિશ્વભરમાં ભારતનુ નામ રોશન કર્યુ છે.

કોઈ વ્યક્તિને ભારત, ચીન, ફ્રાંસ જેવા સેંકડો દેશોના રાષ્ટ્રપ્રમુખો પત્ર લખે તે વાત સાંભળીને સ્વાભાવિક રીતે આશ્ચર્ય થાય. પરંતુ, હકીકત એ છે કે, અમદાવાદના કવિશ્વર નિખીલ પારેખને વિવિધ દેશોના 170 રાષ્ટ્રપ્રમુખ તથા મહાનુભાવોએ પત્ર દ્વારા અભિનંદન પાઠવ્યા છે. આતંકવાદ, એઈડ્સ, પર્યાવરણ જેવા અનેક વિષયો ઉપર તેણે કવિતાઓની રચના કરી હતી. આ કાવ્યો તેણે વિવિધ દેશોના રાષ્ટ્રપ્રમુખોને પત્ર દ્વારા મોકલાવ્યા હતા. જેના જવાબમાં તેઓએ નિખીલને વળતો પત્ર લખીને અભિનંદન પાઠવ્યા હતા. વિશ્વના અત્યંત શક્તિશાળી ગણાતા સેંકડો વ્યક્તિત્વો દ્વારા મળેલા પ્રતિભાવ પત્રોના સંગ્રહના કારણે તેનુ નામ લિમકા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની યાદીમાં સ્થાન પામ્યુ છે.

  હાથમાં રહેલી પેન અને મેઝ પર પડેલા કાગળનો સંગમ થતાં જ તેના અંતરમનમાંથી કવિતાની પંક્તિઓનો અવિરત પ્રવાહ વહેવા લાગતો હતો      
હજારો હ્રદયસ્પર્શી કવિતાઓ લખનારા અમદાવાદના અનોખા કવિ નિખીલ પારેખે 'વેબદુનિયા' સાથેની વાતચીતમાં ભૂતકાળના સંસ્મરણો તાજા કર્યા હતા. તેણે જણાવ્યુ હતુ કે, કવિતા લખવાનો શોખ તેને બાળપણથી જ હતો. પરંતુ, 21 વર્ષની વયે ભણતર પુરુ કર્યા બાદ, તેણે કવિતા લખવાની શરૂઆત કરી હતી. તેના હાથમાં રહેલી પેન અને મેઝ પર પડેલા કાગળનો સંગમ થતાં જ તેના અંતરમનમાંથી કવિતાની પંક્તિઓનો અવિરત પ્રવાહ વહેવા લાગતો હતો. અંગ્રેજી વિષય પર પ્રભુત્વ અને અનોખી વૈચારિક શક્તિના કારણે તેણે વિશ્વભરના સળગતા પ્રશ્નો પર કાવ્યો બનાવવાની શરૂઆત કરી હતી. જોતજોતાંમાં તેણે સેંકડો કવિતાની રચના કરીને લોકોને આશ્ચર્યચક્તિ કરી દીધા.

સેંકડો કવિતાઓને પ્રકાશિત કરવા માટે તેણે પુસ્તકના બદલે ઈન્ટરનેટને માધ્યમ બનાવ્યુ હતુ. તેનુ માનવુ છે કે, કાગળ બનાવવા માટે અનેક વૃક્ષોનુ છેદન કરવામાં આવી રહ્યુ છે. તેને વૃક્ષો પ્રત્યે અત્યંત પ્રેમ છે અને તેના પ્રકૃતિ પ્રેમે તેને પ્રકાશન માધ્યમની બીજી દિશા ગણાતા ઈન્ટરનેટ તરફ વાળી દીધો. અંતે અનમોલ રત્ન સમી કવિતાઓના સમૂહને તેણે ઈ-બુક તરીકે ઈન્ટરનેટ ઉપર પ્રકાશિત કરી દીધી. દેશ-વિદેશના લાખો વાચકોએ આ કવિતાઓનુ પઠન કર્યુ અને તેના ફળસ્વરૂપે અમદાવાદનો નાનકડો કવિ નિખીલ પારેખ વિશ્વ ફલક ઉપર સ્થાન પામવામાં સફળ થયો.

  દુનિયાના ખૂણેખૂણે પથરાયેલા લાખો વાચકોના હ્રદયમાં કવિતાના માધ્યમથી સ્થાન પામેલા નિખીલે પોતાના કાવ્યોના સમૂહની સંખ્યાબંધ ઈ-બુક પ્રકાશિત કરી      
દુનિયાના ખૂણેખૂણે પથરાયેલા લાખો વાચકોના હ્રદયમાં કવિતાના માધ્યમથી સ્થાન પામેલા નિખીલે પોતાના કાવ્યોના સમૂહની સંખ્યાબંધ ઈ-બુક પ્રકાશિત કરી દીધી. અંતે કાવ્યોની ઈ-બુકની પ્રસિદ્ધીને જોતાં તેને વિશ્વસ્તરના 'ઈપ્પી' એવોર્ડથી સમ્માનીત કરવામાં આવ્યો હતો. આ ખિતાબ મેળવનાર કવિશ્વર તરીકે નિખીલ પહેલો હતો. તેથી લિમકા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં તેનુ નામ બીજી વખત સ્થાન પામ્યુ હતુ.

શાંતિ, આતંકવાદ, માનવતા, પર્યાવરણ, વાઈલ્ડ લાઈફ કન્ઝર્વેશન, એઈડ્સ, સુનામી, બ્લાઈન્ડનેસ, માનવ અધિકાર જેવા અનેક વિષયો ઉપર તેણે હજારો કવિતાઓ બનાવી અને તેના કારણે દુનિયાની ખ્યાતનામ સંસ્થાઓએ પણ તેની નોંધ લીધી. તેણે એઈડ્સ ઉપર લખેલી 'એઈડ્સ ડઝન્ટ કીલ, યોર એટીટ્યુડ કીલ્સ' નામની કવિતાને કોમન વેલ્થની મેગેઝીનમાં સ્થાન આપવામાં આવ્યુ હતુ. આ સાથે કોમન વેલ્થ મેગેઝીનમાં સ્થાન પામનાર પહેલો ભારતીય કવિ બની ગયો અને તેની આ સિદ્ધીની નોંધ લિમકા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં લેવામાં આવી અને તેનુ નામ રેકોર્ડ બુકમાં ત્રીજી વખત અંકિત થઈ ગયું.

નિખીલના અનેક કાવ્યો વિદેશી મેગેઝીનોમાં પ્રકાશિત થય
કવિતાની રચના કરતી જીવતી જાગતી ફેક્ટરી ગણાતા નિખીલ પારેખના અનેક કાવ્યો વિદેશી મેગેઝીન તથા સામાયિકોમાં પ્રકાશિત થયા છે. ગર્વની વાત એ છે કે, વિશ્વના ખ્યાતનામ પોપ સ્ટાર્સ જેનો ઉપયોગ કરે છે તેવી, 'મેકગીલ ઈન્ગલીશ ડીક્શનરી ઓફ રીમ્સ' નામની વિશ્વની પહેલા નંબરની ઈન્ગલીશ રીમ્સ ડીક્શનરીમાં તેની કવિતાને સ્થાન મળ્યુ હતુ. તદ્ઉપરાંત કેનેડીયન ફેડરેશન ઓફ પોએટ્સ દ્વારા તેને 'પોએટ ઓફ ધ યર 2006'નો ખિતાબ એનાયત કરવામાં આવ્યો હતો. આ સાથે 'પોએટ્રી કેનેડા' નામની પુસ્તકના કવર પેજ પર તેની કવિતાને સ્થાન આપવામાં આવ્યુ હતુ.

નિખીલની કવિતાને પ્રથમ સ્થાન મળ્ય
માર્ચ 2008માં 'એન્ચેન્ટીંગ વર્સ ઈન્ટરનેશનલ' દ્વારા ભારતમાં કવિતાની વિશ્વસ્તરની સ્પર્ધાનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. વિશ્વના પચાસ દેશોના 1873 કવિઓએ પોતાના કાવ્યો તેમાં મોકલ્યા હતા. જેમાં નિખીલ પારેખની કવિતા 'કમ લેટ્સ એમ્બરેસ અવર ન્યુ રિલીજીયન'ને પ્રથમ સ્થાન મળ્યુ અને આ સાથે તેને એન્ચેન્ટીંગ પોએટનો ખિતાબ મળ્યો હતો.

''હજારો કાવ્યોની રચના કરીને અનેક ખિતાબો પર કબજો જમાવનારા, કવિશ્વર નિખીલ પારેખે પોતાની તમામ સિદ્ધીઓ પાછળ ઈશ્વરની કૃપા દ્રષ્ટી હોવાનુ જણાવ્યુ હતુ. તેણે કહ્યુ હતુ કે, રેતીના રણથી માંડીને દરિયાના મોજા સુધી તમામ વિષયો ઉપર કવિતા બની શકે છે, માત્ર વૈચારિક શક્તિ અને પ્રભુકૃપાની જરૂર છે''

અનોખા વ્યક્તિત્વોની અકલ્પનિય કાર્યસિદ્ધી વિષેના અહેવાલો વાંચવા અહીં ક્લીક કરો...