સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. અનોખુ વિશ્વ
  4. »
  5. અનોખી પ્રતિભા
Written By અલ્કેશ વ્યાસ|

મક્કમ મનોબળનો પર્યાય બનેલી શેફાલી ચૌહાણ

P.R

શારિરીક બિમારીના કારણે પથારીવશ હોવા છતાંય શેફાલી ચૌહાણ નામની મહિલા કલાકારે અનેક પેઈન્ટીંગ્સ બનાવીને લોકોને આશ્ચર્યચક્તિ કરી દીધા છે. શારિરીક ખોડખાપણ ધરાવતાં લોકો માટે પ્રેરણાસ્ત્રોત બનેલી શેફાલીએ અત્યાર સુધી સેંકડો ચીત્રો બનાવ્યા છે. એટલુ જ નહિં દેશવિદેશમાં તેના સંખ્યાબંધ પ્રદર્શન પણ કર્યા છે.

વડોદરા શહેરના ઈલોરાપાર્ક વિસ્તારમાં રહેતી શેફાલી પહેલેથી જ પથારીવશ ન હતી. 1992માં તેણે મુંબઈની એસએનડીટી કોલેજમાંથી ઈન્ટીરિયર ડિઝાઈન્સ અને હોટલ મેનેજમેન્ટનો અભ્યાસ કર્યો હતો. તેને ઈન્ટીરીયર ડિઝાઈન્સમાં કારકિર્દી બનાવવી હતી.
  શારિરીક રીતે વિકલાંગ, દુર્બળ અથવા ખોડખાપણ વાળા લોકો અપંગતાને અભિષાપ માને છે. પરંતુ, બિમારીના કારણે પથારીવશ થયેલી શેફાલીએ દ્રઢ ઈચ્છાશક્તિથી જગતનુ ધ્યાન પોતાની તરફ આકર્ષીત કરવામાં સફળતા મેળવી છે      
પરંતુ અચાનક તેને આઈથ્રાઈટીસ જેવી ગંભીર બિમારીએ પોતાના શકંજામાં લઈ લેતાં તેના સપના પર પાણી ફરી વળ્યું. બિમારીએ ધીમે-ધીમે તેની હાલવા-ચાલવાની તમામ શક્તિઓ ક્ષીણ કરી દીધી અને તે પથારીવશ થઈ ગઈ. અચાનક આવી પડેલી આપત્તીથી તે હતાશામાં ગરકાઈ ગઈ. પરંતુ, તેના પરિવારજનો તેની વહારે હતા. કુટુંબીજનોની મદદથી ધીમે-ધીમે તેનુ મનોબળ વધુ મજબુત થતુ ગયુ અને કંઈક નવુ કરવાની ઈચ્છા તેના અંતર મનને વલોવવા લાગી. અંતે તેના મનમાં રહેલો કલાકાર જાગૃત થયો અને તેણે ચિત્રો બનાવવાનુ શરૂ કરી દીધુ.

પતિ જનક ચૌહાણ અને બહેનની મદદથી તેને જરૂરી ચીજવસ્તુઓ તથા સાધન સામગ્રી પથારીમાં જ મળવા લાગી અને અંતે તેણે પોતાના વિચારોને કાગળ પર ચિત્રોના માધ્યમથી વ્યક્ત કરવાની શરૂઆત કરી. આઈથ્રાઈટીસની બિમારીથી ડરીને જીવનને અંધકારમય બનાવવા કરતાં ચિત્રકળાથી પોતાના જીવનને તેણે ફરી એકવાર તેજોમય બનાવી દીધુ.
P.R

પથારીમાં સૂતા-સૂતા મનના તરંગોને તેણે કોરા કાગળ પર ચિત્રનુ સ્વરૂપ આપવાની શરૂઆત કરી અને જોતજોતાં તેણે અનેક ચિત્રો દોરી નાંખ્યાં. શરીર ઉપર ઓશિકા મુકીને તેની ઉપર કેનવાસ ગોઠવીને તેણે સેંકડો ચિત્રો બનાવી દીધા અને દેશવિદેશમાં તેના પ્રદર્શન પણ થવા લાગ્યા. શેફાલીના ચિત્રોના વડોદરામાં 4 સોલો એક્ઝીબિશન, યુનાઈટેડ કિંગડમમાં 1 સોલો અને 2 ગૃપ એક્ઝીબિશન થયા અને દર્શકોનો હકારાત્મક પ્રતિભાવ સાંપડ્યો. આ સાથે તેના મનોબળમાં વધારો થવા લાગ્યો અને તેની કળામાં ચારચાંદ લાગી ગયા.

વ્હીલચેર પર બેસીને જ્યારે તે પોતાના પ્રદર્શનમાં પહોંચતી હતી ત્યારે તેને જોઈને દર્શકો અચંબિત બની જતાં હતા. શારિરીક રીતે અસમર્થ મહિલાએ આ ચિત્રો દોર્યા છે, તે જાણીને લોકો આશ્ચર્યચક્તિ થઈ જતા હતા. પરંતુ મક્કમ મનોબળ અને દ્રઢ ઈચ્છા શક્તિના પરિણામે અંતે પથારીમાં પડેલી શેફાલીએ જગતનુ ધ્યાન પોતાની તરફ આકર્ષીત કરવામાં સફળતા મેળવી લીધી હતી. 'વેબદુનિયા' સાથેની વાતચીતમાં તેણે જણાવ્યુ હતુ કે, પરિવારજનોની મદદ સિવાય તે આ કાર્ય કરવામાં સફળ ન થાત. બિમારી સામે ઝઝુમવા માટે તે નેચરોપેથી અને મેડિટેશનનો સહારો લઈ રહી છે. નેચરોપેથીમાં તેને એટલો વિશ્વાસ છે કે, પાછલા કેટલાક વર્ષોથી તેણે એલોપેથી દવા લેવાનુ સદંતર બંધ કરી દીધુ છે.
P.R

શેફાલીની સફળતા પાછળ તેના પતિ જનક ચૌહાણના સમર્પણે પાયાની ભૂમિકા ભજવી છે. જનકભાઈએ 'વેબદુનિયા' સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે, કામ પર જતાં પહેલા તેઓ પત્નીને જરૂરી તમામ ચીજ-વસ્તુઓ તેની પથારીની બાજુમાં મુકવાનુ ભુલતા નથી. ચિત્રકામ કરવા માટે તેને પ્રોત્સાહિત કરવી અને તેના બનાવેલા ચિત્રોને પ્રદર્શનમાં સ્થાન અપાવવાનુ કામ તેઓ કરી રહ્યા છે. તાજેતરમાં ફાઈનઆર્ટસ ફેકલ્ટી ખાતે યોજાયેલા એક એક્ઝીબિશનમાં શેફાલીના ચિત્રો પણ મુકવામાં આવ્યા હતા. આ ગૃપ એક્ઝીબિશનમાં તેના ચિત્રોના કદરદાન મળ્યા અને તેના કારણે તેના મનોબળમાં અનેક ગણો વધારો થયો છે તેવુ તેમણે વધુમાં કહ્યુ હતુ.

અનોખા વ્યક્તિત્વોની અકલ્પનિય કાર્યસિદ્ધી વિષેના રસપ્રદ અહેવાલો વાંચવા માટે અહીં ક્લિક કરો...