સોમવાર, 27 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. અયોધ્યા વિશેષ
Written By
Last Modified: ગુરુવાર, 7 નવેમ્બર 2019 (10:39 IST)

રામમંદિર અને બાબરી મસ્જિદનો ઇતિહાસ શું છે?

અયોધ્યામાં આવેલી બાબરી મસ્જિદના મુદ્દે એક સદી કરતાં પણ વધુ સમયથી હિંદુઓ અને મુસ્લિમો વચ્ચે ઘર્ષણ ચાલતું રહ્યું છે. હિન્દુઓનો દાવો છે કે તેમના સૌથી શ્રદ્ધેય ભગવાન રામના જન્મસ્થળ પર મસ્જિદ બનાવવામાં આવી હતી.
 
16મી સદીમાં મુસ્લિમ આક્રમણખોરે મંદિર તોડીને ત્યાં મસ્જિદ બનાવી હતી તેવો દાવો કરાયો હતો.
 
મુસ્લિમો કહે છે કે તેઓ ડિસેમ્બર 1949 સુધી મસ્જિદમાં નમાઝ પઢતા હતા, અને ત્યારબાદ ત્યાં કોઈએ રાતના અંધારામાં રામની મૂર્તિ મૂકી દીધી હતી. તે પછી મૂર્તિની પૂજા ટૂંક સમયમાં શરૂ થઈ ગઈ હતી.
તે પછીના ચાર દાયકા સુધી હિંદુ અને મુસ્લિમ જૂથો આ સ્થળના કબજા માટે તથા સ્થળ પર પૂજા-અર્ચના અને નમાઝ માટે કોર્ટમાં કેસ કરતા રહ્યા હતા.
 
1992માં આ વિવાદમાં ઉગ્રતા આવી હતી અને હિંદુઓના ટોળાએ મસ્જિદને તોડી પાડી હતી. ત્યારબાદ દેશભરમાં થયેલાં ધાર્મિક રમખાણોમાં 2000થી વધુનાં મોત થયાં હતાં.
 
અલાહાબાદ હાઈકોર્ટની ત્રણ ન્યાયાધીશોની બેન્ચના બે હિંદુ ન્યાયમૂર્તિઓએ કહ્યું હતું કે ભારતમાં મુઘલ સામ્રાજ્યની સ્થાપના કરનારા બાબરે અહીં જે ઇમારત ચણી હતી, તે મસ્જિદ નહોતી કેમ કે હિંદુઓના તોડી પડાયેલા મંદિર પર મસ્જિદ બની હોવાથી 'તે ઇસ્લામના સિદ્ધાંતોની વિરુદ્ધ' હતી.
 
જોકે બેન્ચના ત્રીજા મુસ્લિમ જજે પોતાનો અલગ અભિપ્રાય આપ્યો હતો અને જણાવ્યું હતું કે કોઈ મંદિરનો નાશ કરવામાં આવ્યો નહોતો, પણ ભગ્નાવેષો પર મસ્જિદ ચણવામાં આવી હતી.
 
6) બાબરી મસ્જિદને કેવી રીતે તોડી પાડવામાં આવી અને ત્યાર પછી શું થયું?
 
વિશ્વ હિંદુ પરિષદના હિંદુ કાર્યકરોના એક જૂથે અને ભાજપ તથા તેના સાથી સંગઠનોના કેટલાક નેતાઓએ આ સ્થળ પર છઠ્ઠી ડિસેમ્બર 1992ના રોજ જાહેરસભાનું આયોજન કર્યું હતું.
 
કારસેવક તરીકે ઓળખાતા 1,50,000 જેટલા સ્વંયસેવકો ત્યાં એકઠા થયા હતા.
 
રેલી આખરે હિંસક બની હતી અને સલામતી દળોને ધકેલીને ટોળાંએ અયોધ્યામાં 16મી સદીમાં બનેલી બાબરી મસ્જિદને તોડી પાડી હતી.
 
તે વખતના રાષ્ટ્રપતિ શંકર દયાલ શર્માએ રાષ્ટ્રપતિ શાસનની જાહેરાત કરી હતી અને ઉત્તર પ્રદેશની સરકારને બરખાસ્ત કરી હતી.
 
કેન્દ્ર સરકારે બધી જ વિવાદિત જમીન કબજે કરી હતી. 1993માં જાહેરનામા દ્વારા આસપાસની ભૂમિ પણ સંપાદિત કરાઈ હતી અને કુલ 67.7 એકર જમીન કબજે કરાઈ હતી.
 
બાદમાં આ બનાવની તપાસ કરવા માટે તપાસપંચ બેસાડાયું હતું. તેમાં ભાજપ અને વિહિપના નેતાઓ સહિત 68 લોકોને જવાબદાર ગણાવાયા હતા. તેમની સામેના કેસ હજી પણ ચાલી રહ્યા છે.
 
હાલમાં સ્પેશ્યલ સીબીઆઈ જજ એસ. કે. યાદવ લખનૌમાં ભાજપના સિનિયર નેતાઓ લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોષી, કલ્યાણ સિંહ, વિનય કટિયાર, ઉમા ભારતી અને અન્યો સામે બાબરી મસ્જિદ તોડી પાડવાના કેસમાં કાર્યવાહી કરી રહ્યા છે. 
 
બાબરી મસ્જિદ ધ્વંસ દરમિયાન 16 કારસેવકો અથવા કાર્યકરોનાં મૃત્યુ થયાં હતાં. બાદમાં દેશભરમાં કોમી રમખાણો થયાં તેમાં 2000 જેટલા લોકોનાં મોત થયાં હતાં.