રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Modified: રશીદ કિડવાઈ , બુધવાર, 25 નવેમ્બર 2020 (18:05 IST)

અહમદ પટેલ : કૉંગ્રેસમાં ગાંધી પરિવાર બાદ સૌથી શક્તિશાળી વ્યક્તિ

અહમદ પટેલને કૉંગ્રેસમાં હંમેશાં સંગઠનના માણસ ગણવામાં આવતા હતા. 1985માં રાજીવ ગાંધીએ ઑસ્કાર ફર્નાન્ડિઝ અને અરુણ સિંહની સાથે તેમને પોતાના સંસદીય સચિવ બનાવ્યા ત્યારે તેઓ પહેલી વખત ચર્ચામાં આવ્યા હતા.
 
તે સમયે અનૌપચારિક વાતચીતમાં આ ત્રણેયને 'અમર-અકબર-ઍન્થની' ગૅંગ તરીકે ઓળખવામાં આવતા હતા.
 
અહમદ પટેલના મિત્રો, વિરોધીઓ અને સહકર્મીઓ તેમને અહમદભાઈ કહીને બોલાવતા, પરંતુ તેઓ હંમેશાં પોતાને સત્તા અને પ્રચારથી દૂર રાખવાનું જ પસંદ કરતા હતા.
 
યુપીએના 2004થી 2014 સુધીના શાસનકાળમાં સોનિયા ગાંધી, મનમોહન સિંહ અને કદાચ પ્રણવ મુખરજી પછી અહમદ પટેલ જ સૌથી શક્તિશાળી નેતા હતા.
 
આમ છતાં તેઓ આ સમયગાળામાં કેન્દ્ર સરકારમાં મંત્રી તરીકે જોડાયા ન હતા.
 
2014 પછી કૉંગ્રેસ પત્તાના મહેલ જેવી નબળી દેખાવા લાગી ત્યારે પણ અહમદ પટેલ મજબૂતીથી ટેકામાં રહ્યા અને મહારાષ્ટ્રમાં મહાવિકાસ અઘાડીના નિર્માણમાં તેમણે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
 
તેઓ પોતાની કટ્ટર વિરોધી શિવસેનાને પણ પોતાની સાથે લાવવામાં સફળ રહ્યા હતા.
 
જ્યારે સચીન પાઇલટે રાજસ્થાનના મુખ્ય મંત્રી અશોક ગેહલોત વિરુદ્ધ બળવો કર્યો ત્યારે પણ અહમદ પટેલ સક્રિય થયા હતા.
 
તમામ રાજકીય પંડિતો એવી આગાહી કરતા કે જ્યોતિરાદિત્ય સિંધિયાની જેમ પાઇલટ પણ ભાજપમાં ચાલ્યા જશે. પરંતુ અહમદ પટેલ પડદા પાછળ કામ કરી રહ્યા હતા.
 
તેમણે મધ્યસ્થીઓની મદદથી એ સુનિશ્ચિત કર્યું કે સચીન પાઇલટ પક્ષમાં જ રહે.
 
પડદા પાછળની સક્રિયતા
 
2014 પછી ગાંધી પરિવારની તુલનામાં પાર્ટીના કાર્યકરો વચ્ચે સદ્ભાવ રાખવામાં અહમદ પટેલનો પ્રભાવ વધારે હતો, એમ કહેવું બિલકુલ અતિશયોક્તિ નહીં ગણાય.
 
દરેક વ્યક્તિની કેટલીક ખામીઓ અથવા મર્યાદા પણ હોય છે. અહમદ પટેલ હંમેશાં સતર્ક રહ્યા અને તેમણે કોઈ પણ મુદ્દે નિર્ણાયક વલણ અપનાવવાનું ટાળ્યું.
 
2004માં જ્યારે યુપીએની સરકાર બની ત્યારે કપિલ સિબ્બલ અને પી. ચિદમ્બરમ્ જેવા કૉંગ્રેસી નેતાઓનું જૂથ ગુજરાતના તત્કાલિન મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદી અને હાલના ગૃહમંત્રી અમિત શાહ સામે 2002નાં ગુજરાત રમખાણોમાં કથિત ભૂમિકા અંગે કાયદેસરની કાર્યવાહી કરવા માગતા હતા.
 
પરંતુ અહમદ પટેલ આ વિશે દુવિધામાં હતા. તેમની આ દુવિધા અને ખચકાટને સોનિયા ગાંધી અને મનમોહન સિંહ સમજી ગયાં હતાં. તેઓ અહમદ પટેલની રાજકીય કુનેહ પર ભરોસો કરતાં હતાં.
 
આ કારણથી જ અહમદ પટેલની સલાહને અનુસરીને બંનેએ પોતાના રાજકીય વિરોધીઓ સામે ધીમી અને સહજ પ્રક્રિયાનો આશરો લીધો હતો.
 
બીજી તરફ, બહારની દુનિયા માટે અહમદ પટેલ હંમેશાં એક કોયડા સમાન રહ્યા, પરંતુ જે લોકો કૉંગ્રેસના કલ્ચરને સમજે છે, તેમની નજરમાં અહમદ પટેલ હંમેશાં એક મૂડીસમાન હતા.
 
તેઓ હંમેશાં સાવધાની રાખતા, સ્વભાવે મિલનસાર અને વ્યવહારુ હતા. તેમની છબિ પણ પ્રમાણમાં સ્વચ્છ હતી.
 
પાર્ટીના ખજાનચીની ભૂમિકામાં..
 
રાહુલ ગાંધી કદાચ અહમદ પટેલને એવી વ્યક્તિ ગણતા હતા, જેઓ કમસે કમ નરેન્દ્ર મોદી અને અમિત શાહની રણનીતિને સારી રીતે સમજવા સક્ષમ હોય.
 
એ બાબત જગજાહેર છે કે ઑગસ્ટ 2017માં અહમદ પટેલ કૉંગ્રેસ તરફથી પાંચમી વખત રાજ્યસભામાં જવા માટે બહુ ઉત્સુક ન હતા. (આ એક અનોખી વાત હતી કારણ કે કૉંગ્રેસે અગાઉ ક્યારેય કોઈ નેતાને પાંચ વખત રાજ્યસભામાં મોકલ્યા ન હતા.)
 
એવું કહેવાય છે કે કૉંગ્રેસમાં તત્કાલિન સર્વેસર્વા સોનિયા ગાંધીએ તેમને રાજ્યસભામાં જવા માટે મનાવ્યા હતા અને તેમને કહ્યું હતું કે અમિત શાહ અને ભાજપની બરાબરી કરી શકે તેવા તેઓ એકમાત્ર નેતા છે.
 
પાર્ટીના ખજાનચી તરીકે તેમણે સંપૂર્ણ જવાબદારી નિભાવી અને પક્ષ માટે ફંડ એકત્ર કર્યું.
 
એટલું જ નહીં, જુદી-જુદી વિધાનસભા ચૂંટણીઓ અને 2019ની સામાન્ય ચૂંટણીમાં જ્યારે રાહુલ ગાંધીનું નસીબ તેમનો સાથ આપતું ન હતું ત્યારે અહમદ પટેલે પક્ષના કાર્યકરોને સંગઠિત રાખવાની અને તેમને મદદ પહોંચાડવાની જવાબદારી લીધી હતી.
 
ભારતનાં તમામ રાજ્યોમાં જિલ્લા સ્તરે કૉંગ્રેસ કાર્યકર્તાઓ અને લોકપ્રતિનિધિઓમાંથી મોટા ભાગનાને અહમદ પટેલ વ્યક્તિગત રીતે ઓળખતા હતા, એમ કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી.
 
તેઓ સમજદારી અને ગુપ્ત રીતે સંસાધન એકત્ર કરવામાં કુશળ હતા. (એક કલાકની અંદર નાણાં કે માણસો એકઠા કરવા, પ્રાઇવેટ જેટ કે બીજી લૉજિસ્ટિક વ્યવસ્થા કરવી, વગેરે સામેલ છે).
 
તરુણ ગોગોઈ : આસામને શાંત કરનારા અને ત્રણ વાર મુખ્ય મંત્રી બનનારા નેતા
 
ઔદ્યોગિક પરિવારોમાં અહમદ પટેલની પહોંચ
 
આટલું જ નહીં, રાહુલ ગાંધી અને સંભવિત ભાગીદાર બની શકે તેવા નેતાઓ મમતા બેનરજી, માયાવતી અને ચંદ્રબાબુ નાયડુની વચ્ચે પણ અહમદ પટેલ મહત્ત્વપૂર્ણ કડી તરીકે પણ કામ કરતા હતા.
 
આ ઉપરાંત બિનએનડીએ અને બિનયુપીએ પ્રાદેશિક પક્ષોમાં પણ તેમના સંપર્ક હતા.
 
બ્યૂરૉક્રસી, મીડિયા અને ઔદ્યોગિક પરિવારોમાં અહમદ પટેલની પહોંચ વિશે કૉંગ્રેસ વર્તુળોમાં જુદા-જુદા પ્રકારની વાતો સાંભળવા મળે છે.
 
કહેવામાં આવે છે કે લો પ્રોફાઈલ રહેનારા આ વરિષ્ઠ કૉંગ્રેસી નેતાના ઉપકાર હેઠળ દબાયેલા લોકો સમાજના દરેક હિસ્સામાં છે. એવા ઘણા લોકો છે, જેઓ તેમના ઉપકારનો બદલો ચૂકવવા માટે તૈયાર રહેતા હતા.
 
અહમદ પટેલે તેમનો ઉપયોગ ભાગ્યે જ કર્યો હશે.
 
રાજધાની નવી દિલ્હીમાં 23, મધર ટેરેસા માર્ગ પરનું અહમદ પટેલનું નિવાસસ્થાન સોનિયા ગાંધીના 10 જનપથસ્થિત નિવાસસ્થાન, રાહુલ ગાંધીના તુઘલક ક્રેસેંટસ્થિત રહેણાક અને કૉંગ્રેસના 15, ગુરુદ્વારા રકાબગંજ માર્ગસ્થિત વૉરરૂમ પછી પાવર સેન્ટર જેવું હતું.
 
તેમના ઘરમાં પ્રવેશવાના અને તેમાંથી બહાર નીકળવાના ઘણા રસ્તા હતા.
 
અહમદ પટેલના ઘરમાં અનેક રૂમ, ચેમ્બર્સ છે અને તેમાં મોટી સંખ્યામાં લોકો બેસી શકે તેવી વ્યવસ્થા છે.
 
તેમાં એકમોની ચૂંટણીઓથી લઈને સંસદીય ચૂંટણી સુધીના ઉમેદવારો, રાજ્યના પદાધિકારીઓ અને કૉંગ્રેસના મુખ્ય મંત્રીઓના નસીબના નિર્ણય લેવાતા રહ્યા છે.
 
રાજકીય ચતુરાઈ
 
અહમદ પટેલની રાજકીય યાત્રા જેટલી આકર્ષક દેખાય છે, એટલી સરળ નથી.
 
વર્ષ 1985માં યુવાન અને ઉત્સાહી રાજીવ ગાંધી બ્યૂરૉક્રસીનાં બંધનો (વડાપ્રધાન કાર્યાલય વાંચો) તોડવા માગતા હતા. પરંતુ અહમદ પટેલ, અરુણ સિંહ અને ઑસ્કાર ફર્નાન્ડિઝને લઈને કરવામાં આવેલો પ્રયોગ નિષ્ફળ સાબિત થયો હતો.
 
તેનું કારણ એ હતું કે આ ત્રણેય પાસે શક્તિશાળી આઈએએસ લોબી સાથે કામ લેવાનો કોઈ વહીવટી અનુભવ ન હતો. તેમનામાં એવી કોઈ રાજકીય ચતુરાઈ પણ ન હતી.
 
પરંતુ 1991માં રાજીવ ગાંધીના મૃત્યુ પછી પણ અહમદ પટેલ મહત્ત્વની ભૂમિકામાં જળવાઈ રહ્યા.
 
રાજીવ ગાંધી પછી પી. વી. નરસિંહા રાવે 10 જનપથ સાથે સેતુ તરીકે અહમદ પટેલનો ઉપયોગ કર્યો.
 
આ પ્રક્રિયા દરમિયાન અહમદ પટેલે સોનિયા ગાંધીનો વિશ્વાસ પ્રાપ્ત કર્યો. સીતારામ કેસરી જ્યારે નરસિંહા રાવની જગ્યાએ કૉંગ્રેસના અધ્યક્ષ બન્યા ત્યારે અહમદ પટેલ ખજાનચી બન્યા.
 
તે સમયે શરદ પવારે કૉંગ્રેસના અધ્યક્ષની દોડમાં સીતારામ કેસરીને પડકાર આપ્યો હતો.
 
તેઓ કેસરીની આસપાસ રહેતા લોકોની ટીકા કરીને કહેતા હતાઃ 'ત્રણ મિયાં, એક મીરા' (ત્રણ મિયાં એટલે અહમદ પટેલ, ગુલામ નબી આઝાદ, તારિક અનવર અને એક મીરા એટલે કે મીરા કુમાર).
 
માર્ચ 1998માં સોનિયા ગાંધી કૉંગ્રેસ અધ્યક્ષ બન્યાં. ત્યારે તેમના અંગત સચિવ વિન્સેન્ટ જ્યૉર્જ સાથે અહમદ પટેલનું બનતું ન હતું. તે સમયે ઉતાવળમાં પટેલે પોતાનું રાજીનામું સોંપી દીધું હતું.
 
નરેન્દ્ર મોદીએ ચીન મામલે નહેરુ પાસેથી કોઈ સબક નથી લીધો?
 
રાહુલની પ્રથમ પસંદગી ન હતા
 
કોઈ પણ પ્રકારની જવાબદારી વગર અહમદ પટેલ એક રીતે કોપભવનમાં રહ્યા. પરંતુ સોનિયા ગાંધી જ તેમને ત્યાંથી બહાર લઈ આવ્યા. એક રીતે આ વિન્સેન્ટ જ્યૉર્જનો દબદબો ઘટ્યો હોવાના સંકેત હતા.
 
આ દરમિયાન અહમદ પટેલને મોતીલાલ વોરા અને માધવરાવ સિંધિયાનો ટેકો મળ્યો.
 
આ બંનેએ તેમને 10 જનપથમાં પાછા જવામાં મદદ કરી. અહમદ પટેલ આ બદલ મોતીલાલ વોરાના હંમેશાં આભારી રહ્યા.
 
એ બાબત પણ રસપ્રદ છે કે ડિસેમ્બર 2017માં સોનિયા ગાંધીએ જ્યારે પક્ષની જવાબદારી રાહુલ ગાંધીને સોંપવાની શરૂઆત કરી ત્યારે અહમદ પટેલ રાહુલની પ્રથમ પસંદગી ન હતા.
 
રાહુલ ગાંધી એક વખત લાંબી રજા પર ચાલ્યા ગયા, ત્યારે કૉંગ્રેસમાં એ વાતની ઘણી ચર્ચા થઈ હતી કે યુવાન રાહુલ ગાંધી ઇચ્છે છે કે સોનિયા ગાંધી જૂના જોગીઓને પક્ષમાંથી દૂર કરે.
 
તેમાં થોડી હકીકત પણ હતી, કારણ કે રાહુલ ગાંધીના નેતૃત્ત્વ હેઠળની કૉંગ્રેસમાં પક્ષના મહત્ત્વના નેતા ગણાતા જનાર્દન દ્વિવેદીને સ્થાન મળ્યું ન હતું, અહમદ પટેલ અને મોતીલાલ વોરા ગમે તેમ કરીને વાપસી કરવામાં સફળ રહ્યા હતા.
 
અહમદ પટેલ અને મોતીલાલ વોરાને જાળવી રાખવાનું કોઈ કારણ હશે.
 
પરંતુ છેલ્લા ત્રણ દાયકાની સ્થિતિ જોવામાં આવે તો ભારતના સૌથી જૂના પક્ષનો બોજ બે મિંયા - અહમદ પટેલ અને ગુલામ નબી આઝાદ તથા કેટલાક મહત્ત્વના પદ પર બિરાજમાન જૂના નેતાઓના ખભા પર જ રહ્યો છે.
 
પક્ષના હાય કમાન્ડનો ભરોસો
 
પક્ષની અંદર પેઢીગત બદલાવની વાતો થતી હતી, પરંતુ તેમાં અહમદ પટેલનો ભોગ ન લેવાયો.
 
કૉંગ્રેસના ઘણા નેતાઓ માનતા હતા કે અહમદ પટેલ અને વોરાને હવે જવાબદારીથી મુક્ત કરવામાં આવશે અને તેમની જગ્યાએ કનિષ્ક સિંહ, મિલિંદ દેવરા અથવા નવી પેઢીના બીજા લોકોને પાર્ટીમાં નાણાકીય જવાબદારી સોંપાશે. પરંતુ આવું થયું નહીં.
 
ઑગસ્ટ 2018માં અહમદ પટેલ કૉંગ્રેસના ખજાનચીના પદે ફરીથી આવ્યા. આ રીતે અહમદ પટેલનું મહત્ત્વ પુરવાર થયું.
 
પક્ષના સંગઠન પર તેમના પ્રભાવને જોઈને જ કદાચ રાહુલ ગાંધીએ પક્ષમાં સુધારા કરવાનું કે ફેરફાર કરવાનું ટાળ્યું હશે.
 
તેમણે નિષ્ઠાને સન્માનિત કરવાનું નક્કી કર્યું હશે અને યથાવત સ્થિતિ જાળવી રાખી હશે.
 
પરંપરાગત રીતે જોવામાં આવે તો કૉંગ્રેસના મુખ્યાલયમાં ખજાનચીનું પદ સૌથી વધુ લોકપ્રિય અને પ્રતિષ્ઠિત ગણવામાં આવે છે.
 
ઉમાશંકર દીક્ષિત, અતુલ્ય ઘોષ, પ્રણવ મુખરજી, પી. સી. સેઠી, સીતારામ કેસરી અને મોતીલાલ વોરા જેવા લોકો પર પાર્ટીના હાય કમાન્ડનો ભરોસો એટલા માટે હતો કારણ કે તેમની પાસે પક્ષમાં નાણાં ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે તેની ગુપ્ત માહિતી હતી.
 
આવી સ્થિતિમાં એ સમજવું મુશ્કેલ નથી કે હાલમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પછી કૉંગ્રેસમાં સૌથી વધારે સન્માનિત વ્યક્તિ તરીકે પક્ષના ખજાનચી અહમદ પટેલ જ હતા.જો પ્રણવ મુખર્જી PM બન્યા હોત તો સંઘના મંચ પર ગયા હોત?