શનિવાર, 23 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By સમીરાત્મજ મિશ્ર|
Last Modified: રવિવાર, 22 ઑગસ્ટ 2021 (09:25 IST)

કલ્યાણસિંહ : ભાજપ ના છોડ્યો હોત તો આજે અટલ-અડવાણી પછી પક્ષના સૌથી મોટા નેતા હોત

ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્ય મંત્રી અને રાજસ્થાનના ભૂતપૂર્વ રાજ્યપાલ કલ્યાણસિંહનું શનિવારે અવસાન થયું હતું. તેઓ લાંબા સમયથી બીમાર હતા અને લખનૌની એક હૉસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. તેઓ 89 વર્ષની વયના હતા.
 
વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથ સહિતના ભારતીય જનતા પાર્ટી(બીજેપી)ના તેમજ અન્ય પક્ષોના અનેક નેતાઓએ કલ્યાણસિંહના નિધનની બાબતે શોક વ્યક્ત કર્યો હતો.
 
યોગી આદિત્યનાથે ઉત્તર પ્રદેશમાં ત્રણ દિવસના રાજકીય શોકની અને 23 ઑગસ્ટે જાહેર રજાની જાહેરાત કરી છે.
 
ઉત્તર પ્રદેશથી માંડીને સમગ્ર દેશમાં કૉંગ્રેસ પક્ષનું વર્ચસ હતું ત્યારે કલ્યાણસિંહે તેમની કારકિર્દીની શરૂઆત એક પ્રખર હિંદુવાદી નેતા તરીકે કરી હતી.
 
જનસંઘથી જનતા પાર્ટી અને પછી બીજેપીના નેતા તરીકે તેઓ ધારાસભ્ય અને ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી પણ બન્યા હતા, પરંતુ રાજકીય મહત્ત્વકાંક્ષા તેમની હિંદુવાદી નેતા તરીકેની છબીને ઝાંખી પાડવા ઉપરાંત રાજકારણમાં તેમના અકાળે અસ્તનું કારણ પણ બની હતી.
 
અલીગઢ જિલ્લાના અતરૌલી તાલુકાના મઢોલી ગામમાં 1935ની પાંચમી જાન્યુઆરીએ એક સાધારણ ખેડૂત પરિવારમાં જન્મેલા કલ્યાણસિંહ બાળપણમાં જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં જોડાઈ ગયા હતા.
 
ઉચ્ચ શિક્ષણ મેળવ્યા પછી અધ્યાપક તરીકે નોકરી કરવાની સાથે-સાથે તેઓ રાજકારણમાં પણ સક્રિય રહ્યા હતા.
 
તેઓ 1967માં જનસંઘની ટિકિટ પર અતરૌલી બેઠક પરથી સૌપ્રથમવાર વિધાનસભામાં પહોંચ્યા હતા અને 1980 સુધી આ બેઠક પરથી સતત જીતતા રહ્યા હતા.
 
એ દરમિયાન જનસંઘનો બીજેપીમાં વિલય થઈ ગયો હતો અને 1977માં ઉત્તર પ્રદેશમાં જનતા પક્ષની સરકાર બની ત્યારે તેમને રાજ્યના આરોગ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા.
 
રામભક્ત તરીકેની ઇમેજ
 
કલ્યાણસિંહે 1980માં વિધાનસભા ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો.
 
કલ્યાણસિંહ સાથે ઘનિષ્ઠ સંબંધ ધરાવતા અને તાજેતરમાં જ કેન્દ્રમાં મંત્રી બનેલા બીજેપીના નેતા બી. એલ. શર્મા કહે છે, "1980માં બીજેપીની રચના કરવામાં આવી ત્યારે કલ્યાણસિંહને પક્ષના ઉત્તર પ્રદેશના મહામંત્રી બનાવવામાં આવ્યા હતા. અયોધ્યા આંદોલન વખતે ધરપકડ વહોરી લેવા ઉપરાંત તેમણે પક્ષના કાર્યકરોનો ઉત્સાહ વધારવાનું કામ કર્યું હતું."
 
શર્મા ઉમેરે છે, "એ આંદોલન દરમિયાન જ તેમની ઇમેજ રામભક્તની થઈ ગઈ હતી અને માત્ર ઉત્તર પ્રદેશમાં જ નહીં, પણ સમગ્ર દેશમાં તેમની લોકપ્રિયતા વધતી રહી હતી. 1991માં બીજેપીએ ઉત્તર પ્રદેશમાં સ્પષ્ટ બહુમતી સાથે સરકાર રચી ત્યારે કલ્યાણસિંહને મુખ્ય મંત્રી બનાવવામાં આવ્યા હતા."
 
ઉત્તર પ્રદેશમાં બીજેપીની સરકાર રચવામાં મહત્ત્વની ભૂમિકા
 
નેવુંના દાયકાની શરૂઆતનાં વર્ષોમાં રાજકારણનો જે દૌર હતો તે મંડલ તથા કમંડલ એટલે કે અનામત અને રામમંદિર આંદોલનના વખત તરીકે ઓળખાય છે.
 
એક તરફ સમગ્ર દેશમાં મંડલપંચની ભલામણોનું સમર્થન તથા વિરોધ કરવામાં આવી રહ્યાં હતાં, જ્યારે બીજી તરફ અયોધ્યામાં રામજન્મભૂમિ આંદોલન ચાલી રહ્યું હતું.
 
મુલાયમસિંહ યાદવ ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી હતા ત્યારે 1990ની 30 ઑક્ટોબરે અયોધ્યામાં કારસેવકો પર ગોળીબાર કરવામાં આવ્યો હતો, જેમાં અનેક કારસેવકો મૃત્યુ પામ્યા હતા. બીજેપીએ મુલાયમસિંહને ટક્કર આપવા માટે કલ્યાણસિંહને મેદાનમાં ઉતાર્યા હતા.
 
કલ્યાણસિંહે માત્ર એક જ વર્ષમાં બીજેપીને એટલી મજબૂત કરી હતી કે 1991માં પક્ષે રાજ્યમાં પૂર્ણ બહુમતી સાથેની સરકારની રચના કરી હતી.
 
મુખ્ય મંત્રી બન્યા બાદ કલ્યાણસિંહે તેમના મંત્રીમંડળના સાથીઓ જોડે અયોધ્યાની મુલાકાત લીધી હતી અને રામમંદિરના નિર્માણની પ્રતિજ્ઞા લીધી હતી.
 
લખનૌમાં વરિષ્ઠ પત્રકાર યોગેશ મિશ્રના જણાવ્યા મુજબ, કલ્યાણસિંહના મુખ્ય મંત્રી તરીકેના પહેલા કાર્યકાળને માત્ર બાબરી મસ્જિદના ધ્વંસ માટે જ નહીં, પણ એક કડક, પ્રમાણિક અને કુશળ વહીવટકર્તા તરીકે પણ યાદ કરવામાં આવે છે.
 
યોગેશ મિશ્ર કહે છે, "હિંદુત્વના રાજકારણને સૌપ્રથમ કલ્યાણસિંહે વેગ આપ્યો હતો. તેઓ પ્રામાણિક નેતા હતા. પછાત વર્ગના હતા, પરંતુ તેમને દરેક જ્ઞાતિના લોકો મત આપતા હતા. બાબરી મસ્જિદના ધ્વંસની ઘટના નિઃશંક રીતે તેમના કાર્યકાળની એક મોટી ઘટના હતી, પરંતુ મુખ્ય મંત્રી તરીકે તેમના લગભગ દોઢ વર્ષના કાર્યકાળને એક કડક વહીવટકર્તાના કાર્યકાળ તરીકે યાદ કરવામાં આવે છે."
 
યોગેશ મિશ્ર ઉમેરે છે, "પરીક્ષામાં નકલ-વિરોધી વટહૂકમ તેમનો એક મોટો નિર્ણય હતો. તેને કારણે સરકાર સામેની નારાજગી વધી હતી, પરંતુ રાજ્યના શિક્ષણ બોર્ડના ઇતિહાસમાં સૌપ્રથમ વખત નકલવિહિન પરીક્ષા યોજાઈ હતી. ગ્રુપ 'જી'ની ભરતીમાં અત્યંત પારદર્શકતા રાખવામાં આવી હતી. કલ્યાણસિંહના એ કાર્યકાળને તેમની પ્રામાણિકતા માટે પણ યાદ કરવામાં આવે છે."
 
પહેલા કાર્યકાળ જેવો પ્રભાવ નહીં
 
1992ની છઠ્ઠી ડિસેમ્બરે બાબરી મસ્જિદના ધ્વંસ બાદ કલ્યાણસિંહની સરકારને બરતરફ કરવામાં આવી હતી, પરંતુ એ પછી ઉત્તર પ્રદેશમાં કમંડળનું રાજકારણ નુકસાનકારક સાબિત થયું હતું અને બીજેપીએ ફરી સત્તા પર આવવા માટે પાંચ વર્ષ સુઘી સંઘર્ષ કરવો પડ્યો હતો.
 
1997માં કલ્યાણસિંહ ફરી ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી બન્યા હતા, પરંતુ એમાં તેઓ તેમના પહેલા કાર્યકાળ જેવી છાપ છોડી શક્યા નહોતા.
 
એ વખતે તેઓ માત્ર બે વર્ષ જ મુખ્ય મંત્રીના પદે રહી શક્યા હતા. એ પછી પક્ષે તેમને હઠાવીને બીજા નેતાને મુખ્ય મંત્રી બનાવ્યા હતા.
 
પક્ષના ટોચના નેતાઓ સાથેના મતભેદ એટલા વધી ગયા હતા કલ્યાણસિંહે તે જ વર્ષમાં બીજેપીમાંથી રાજીનામું આપી દીધું હતું અને રાષ્ટ્રીય ક્રાંતિ પાર્ટી નામના નવા રાજકીય પક્ષની રચના કરી હતી.
 
બીજેપી છોડી ન હોત તો..
 
વરિષ્ઠ પત્રકાર સિદ્ધાર્થ કલહંસના જણાવ્યા મુજબ, કલ્યાણસિંહે માત્ર બીજેપી સાથેનો સંબંધ જ તોડ્યો ન હતો, પરંતુ રામમંદિરના મુદ્દાને પણ તિલાંજલિ આપી દીધી હતી.
 
સિદ્ધાર્થ કલહંસ કહે છે, "તેઓ પ્રખર હિંદુવાદી હતા. તેમણે એ વખત બીજેપી છોડી ન હોત અને પક્ષપલટો ન કર્યો હોત તો આજના સમયમાં તેઓ બીજેપીના સૌથી મોટા નેતા હોત. એ સમયમાં પણ તેમની ગણતરી અટલ બિહારી વાજપેયી અને લાલકૃષ્ણ અડવાણી પછીના ત્રીજા ક્રમના નેતા તરીકે કરવામાં આવતી હતી. કલ્યાણસિંહને પોતાને પક્ષ છોડીને ખાસ કોઈ ફાયદો થયો ન હતો, પણ બીજેપીની હાલત ખરાબ થઈ ગઈ હતી."
 
સિદ્ધાર્થ કલહંસ ઉમેરે છે, "એ પછી ફરી સત્તા પર આવવા માટે બીજેપીએ લગભગ દોઢ દાયકા સુધી રાહ જોવી પડી હતી. કલ્યાણસિંહ પોતે પણ હિંદુવાદી નેતાને બદલે માત્ર લોધ સમુદાયના નેતા બની રહ્યા હતા. તેઓ બીજેપીમાં પાછા આવ્યા ત્યારે પણ તેમની ઇમેજ એ જ રહી હતી. તેમને લોધ સમુદાયના પ્રભાવવાળા મતવિસ્તારોમાં જ પ્રચાર માટે મોકલવામાં આવ્યા હતા."
 
બીજેપીના એક વરિષ્ઠ નેતાએ તેમની ઓળખ ગુપ્ત રાખવાની શરતે જણાવ્યું હતું કે કલ્યાણસિંહે સમાજવાદી પક્ષ સાથેની નિકટતા વધારી, તેની સાથે મળીને ચૂંટણી લડ્યા અને સહિયારી સરકાર રચી ત્યારથી જ તેમના રાજકીય પતનની શરૂઆત થઈ ગઈ હતી.
 
વાજપેયીનું અપમાન
 
બીજેપીના વરિષ્ઠ નેતા કહે છે, "એ સમયે અટલ બિહારી વાજપેયી વડા પ્રધાન હતા. માત્ર બીજેપીના લોકો જ નહીં, વિરોધપક્ષના નેતાઓ પણ વાજપેયીનો આદર કરતા હતા, પરંતુ કલ્યાણસિંહે વાજપેયીનું જાહેરમાં અપમાન કર્યું હતું. પોતાના લોકો સાથે વાતચીત કરતી વખતે કલ્યાણસિંહ અત્યંત અપમાનજનક ભાષાનો ઉપયોગ પણ કરતા હતા."
 
તેઓ ઉમેરે છે, "એ વખતે તેમને હઠાવવામાં આવ્યા નહોત તો પણ બીજેપીની ઇમેજ બહુ ખરાબ થઈ ચૂકી હતી. વાજપેયી માટે કલ્યાણસિંહે કહેલા ત્રણ શબ્દ - ભુલક્કડ, બુઝક્કડ, પિયક્કડ- બાબતે એ સમયે બહુ ચર્ચા થઈ હતી."
 
એ સમયના બીજેપીના અનેક નેતાઓ તથા તત્કાલીન પત્રકારો માને છે કે કલ્યાણસિંહના રાજકીય પતનનું કારણ તેમના જ પક્ષનાં એક નેતા કુસુમ રાય હતાં, જે સમાજવાદી પાર્ટી અને રાષ્ટ્રીય ક્રાંતિ પાર્ટીની યુતિ સરકારમાં કૅબિનેટ મંત્રી બન્યાં હતાં.
 
નરેન્દ્ર મોદીને લાંબી રાહ જોવડાવ્યા બાદ મુલાકાત આપી પરંતુ..
 
બીજેપીના એક નેતા કહે છે, "એ સમયે નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રચારક હતા. સંઘે તેમને કલ્યાણસિંહ સાથે વાતચીત કરવા મોકલ્યા હતા. કલ્યાણસિંહે તેમને અનેક દિવસો પછી મુલાકાતનો સમય આપ્યો હતો અને એ કેટલાક લોકોની હાજરીમાં. નરેન્દ્ર મોદીએ તેમને એકલા વાતચીત કરવા કહ્યું ત્યારે તેમણે ઇન્કાર કર્યો હતો. નરેન્દ્ર મોદીએ કુસુમ રાયનો મુદ્દો ઉઠાવ્યો હતો, જેને તેમણે અત્યંત અપમાનજનક ગણ્યો હતો અને નરેન્દ્ર મોદીની હાજરીમાં વાજપેયી બાબતે અપમાનજનક ભાષાનો ઉપયોગ કર્યો હતો."
 
અલબત, 2004માં કલ્યાણસિંહની બીજેપીમાં વાપસી થઈ તેમાં પણ વાજપેયીએ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
 
બીજેપીના વરિષ્ઠ નેતા પ્રમોદ મહાજને એ માટે પ્રયાસ કર્યા હતા. આખરે કલ્યાણસિંહ બીજેપીમાં ફરી સામેલ થયા હતા. બીજેપી 2007માં વિધાનસભાની ચૂંટણી કલ્યાણસિંહના નેતૃત્વમાં લડી હતી, પરંતુ તેમાં પક્ષને ખાસ સફળતા મળી ન હતી.
 
સિદ્ધાર્થ કલહંસ કહે છે, "બીજેપી છોડ્યા પછી કલ્યાણસિંહ પોતે પણ લગભગ અવસાદની સ્થિતિમાં પહોંચી ગયા હતા. તેમની સાથે બહુ ઓછા લોકોએ બીજેપી છોડી હતી અને પછી પણ જૂજ લોકો તેમની સાથે જોડાયેલા રહ્યા હતા."
 
તેઓ ઉમેરે છે, "એક વખત તેઓ ચૂંટણીપ્રચાર માટે હેલિકૉપ્ટરમાં જવા ઇચ્છતા હતા, પરંતુ તેમના માટે હેલિકૉપ્ટરની વ્યવસ્થા કરવા પક્ષમાંથી કોઈ વ્યક્તિ આગળ આવી નહોતી. આખરે તેમને સમજાઈ ગયું હતું કે જે પક્ષે તેમને પ્રખ્યાતિ આપી હતી, તે પક્ષને છોડીને તેમણે કશું જ મેળવ્યું નથી."
 
નારાજગી, મનામણાં, રવાનગી અને ફરીથી પ્રવેશ
 
2009માં વધુ એકવાર બીજેપીથી નારાજ થઈને કલ્યાણસિંહે પક્ષ છોડી દીધો હતો. ફરી એક વખત તેમણે સમાજવાદી પાર્ટી સાથેની નિકટતા વધારી હતી.
 
સમાજવાદી પાર્ટીની મદદથી તેઓ લોકસભાની ચૂંટણી અપક્ષ ઉમેદવાર તરીકે જીત્યા હતા, પરંતુ કલ્યાણસિંહને સાથ આપવાને કારણે સમાજવાદી પાર્ટીને બહુ નુકસાન થયું હતું. એ પછી સમાજવાદી પાર્ટી પણ તેમનાથી દૂર થઈ ગઈ હતી.
 
કલ્યાણસિંહે તેમના 77મા જન્મદિવસે એટલે કે 2010ની પાંચમી જાન્યુઆરીએ જન ક્રાંતિ પાર્ટી નામનો એક નવો પક્ષ રચવાની જાહેરાત કરી હતી અને પોતાના પુત્ર રાજબીરસિંહને પક્ષના અધ્યક્ષ બનાવ્યા હતા.
 
2021માં તેમનો પક્ષ વિધાનસભાની ચૂંટણી લડ્યો હતો, પણ તેમાં તેને ખાસ સફળતા મળી ન હતી.
 
એ પછીના જ વર્ષે 2013માં કલ્યાણસિંહ ફરી એકવાર બીજેપીમાં સામેલ થયા હતા અને 2014ની લોકસભા ચૂંટણીમાં તેમણે બીજેપી માટે ઉત્સાહભેર પ્રચાર કર્યો હતો.
 
2014માં બીજેપીને ઉત્તર પ્રદેશમાં લોકસભાની 80માંથી 71 બેઠકો પર વિજય મળ્યો હતો.
 
કલ્યાણસિંહને 2014માં જ રાજસ્થાનના રાજ્યપાલ બનાવી દેવામાં આવ્યા હતા.
 
રાજ્યપાલ તરીકેનો કાર્યકાળ પૂર્ણ થયા બાદ ફરી એકવાર તેઓ બીજેપીના સભ્ય બન્યા હતા, પરંતુ એ પછી પક્ષે તેમને કોઈ જવાબદારી સોંપી ન હતી.
 
જોકે, તેમના પુત્ર અને પૌત્રને પક્ષે આદરપાત્ર સ્થાન આપ્યું હતું. કલ્યાણસિંહના પુત્ર રાજવીરસિંહ સંસદસભ્ય છે, જ્યારે રાજવીરના પુત્ર સંદીપસિંહ ઉત્તર પ્રદેશની યોગી સરકારમાં મંત્રી છે.
 
સિદ્ધાર્થ કલહંસના કહેવા મુજબ, "કલ્યાણસિંહે બીજેપીમાં સન્માનજનક પુનરાગમન તો કર્યું, પરંતુ તેમના ટેકેદોરામાં તેમની કટ્ટર હિંદુવાદી નેતા તરીકેની જે ઇમેજ પહેલાં હતી એ તેમને ફરી ક્યારેય મળી ન હતી."