રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Updated : સોમવાર, 25 માર્ચ 2019 (15:35 IST)

લોકસભા ચૂંટણી 2019 : રાહુલ ગાંધીની જાહેરાત, 'ગરીબોને વાર્ષિક રૂ. 72 હજાર મળશે'

કૉંગ્રેસે જાહેરાત કરી છે કે જો આગામી લોકસભા ચૂંટણી બાદ તેમની સરકાર બને તો 20 ટકા ગરીબોને લઘુતમ આવક યોજનાનો લાભ આપવામાં આવશે.  પાર્ટીના અધ્યક્ષ રાહુલ ગાંધીના કહેવા પ્રમાણે, ગરીબોના ખાતામાં વાર્ષિક રૂ. 72 હજાર ઉમેરવામાં આવશે, જેનો લાભ પાંચ કરોડ પરિવારોને મળશે. ગાંધીએ ઉમેર્યું હતું કે ગરીબી ઉન્મૂલનની દિશામાં મનરેગા (મહાત્મા ગાંધી નૅશનલ રૂરલ ઍમ્પ્લૉયમૅન્ટ ગૅરન્ટી ઍક્ટ) બાદ બીજું મહત્ત્વપૂર્ણ પગલું બની રહેશે.  રાહુલ ગાંધીએ ઉમેર્યું હતું કે ગત પાંચ વર્ષ દરમિયાન નાગરિકોએ ખૂબ જ વેઠ્યું છે અને તેમને 'ન્યાય' અપાવવાની જરૂર છે.
 
ભાજપ અને પીએમ નરેન્દ્ર મોદી પર નિશાન સાંધતા રાહુલ ગાંધીએ કહ્યું કે પાંચ વર્ષમાં પ્રજાને ઘણી મુશ્કેલીઓ પડી, એવામાં કોંગ્રેસે નિર્ણય લીધો છે કે અમે ગરીબોને ન્યાય આપીશું. કોંગ્રેસ અધ્યક્ષે દાવો કર્યો કે આ પ્રકારની લઘુત્તીમ આવક યોજના દુનિયામાં કયાંય નથી. તેમણે સ્પષ્ટતા કરતાં કહ્યું કે ન્યૂનતમ આવક મર્યાદા 12000 રૂપિયા હશે અને આટલા પૈસા દેશમાં છે 
 
એક પ્રશ્નના જવાબમાં સમજાવતા રાહુલ ગાંધીએ કહ્યું કે કોંગ્રેસ પાર્ટી ગેરંટી આપે છે કે 20 ટકા સૌથી ગરીબ પરિવારોને દર વર્ષે 72000 રૂપિયા આપશે. આથી દરેક જાતિ, દરેક ધર્મના ગરીબોને ફાયદો થશે. રાહુલે કહ્યું કે આ સ્કીમની અંતર્ગત દરેક ગરીબની ઇનકમ 12000 રૂપિયા નક્કી કરાશે. સ્કીમની અંતર્ગત જો કોઇની આવક 12000થી ઓછી છે તો એટલા પૈસા સરકાર તેમને આપશે. જો કોઇની આવક 6000 રૂપિયા છે તો સરકાર તેમને બીજા 6000 રૂપિયા આપશે. જ્યારે તે વ્યક્તિ 12000ની આવકથી ઉપર આવી જશે તો આ સ્કીમમાંથી તે બહાર આવી જશે