બુધવાર, 16 ઑક્ટોબર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : બુધવાર, 6 ડિસેમ્બર 2023 (18:30 IST)

અમદાવાદમાં યોજાશે ઈન્ટરનેશનલ ચિલ્ડ્રન ફિલ્મ ફેસ્ટિવલ, જાપાનના નિર્દેશક પણ જોડાશે

International Children's Film Festival
અમદાવાદ ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન ફિલ્મ ફેસ્ટિવલ (AICFF)ની 5મી આવૃત્તિ આ વર્ષે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે 8,9 અને 10 ડિસેમ્બર 2023ના રોજ યોજાશે. અમદાવાદ ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન ફિલ્મ ફેસ્ટિવલનો મૂળ હેતુ વિશ્વભરના બાળકો અને યુવાનોની પ્રતિભા, સર્જનાત્મકતા અને સંસ્કૃતિને સશક્ત બનાવવાનો છે. AICFF દરેક યુવાનોને તેમની વાર્તા કહેવા માટે એક મંચ પૂરું પાડે છે. આ ફેસ્ટિવલ ત્રણ દિવસ માટે અલગ અલગ પ્રવૃતિઓ સાથે યોજાશે. 
 
અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે 8મી ડિસેમ્બરે ઓપનિંગ દિવસથી શરૂ કરીને ઓપનિંગ ફિલ્મ, રેડ કાર્પેટ સાથે ઓપનિંગ સેરેમની યોજાશે. બીજા દિવસે વિવિધ દેશોની ફિલ્મો પ્રદર્શિત કરવામાં આવશે, જેમાં માસ્ટર ક્લાસ, ફિલ્મ નિર્માતાઓ, દિગ્દર્શકો, અભિનેતાઓ, લેખકો અને દુનિયાભરના ફિલ્મ ના સર્જકો મોટી સંખ્યામાં હાજરી આપશે. ત્રીજો દિવસ કલોઝિંગ ફિલ્મ, એવોર્ડ નાઇટ અને સમાપન સમારોહ સાથે પૂર્ણ થશે. છેલ્લા દિવસે દુનિયાભરની પ્રતિભાઓને એવોર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવશે. 
 
ઓપનિંગ દિવસ ઉપર ઈરાનની પર્શીયન ભાષાની ફિલ્મ ‘બાલિટ’' તથા અને છેલ્લા દિવસે ગુજરાતી ભાષાની ફિલ્મ ‘મારા પપ્પા સુપરહીરો’ દર્શાવવામાં આવશે. છે. આ ફેસ્ટિવલના મુખ્ય અતિથિ તરીકે બોલિવૂડ અભિનેતા પવન મલ્હોત્રા સાથે જાપાની ફિલ્મ નિર્દેશક ફૂમી નિશિકાવા જાપાનથી આવીને આ ફેસ્ટિવલમાં જોડાશે.2019, 2020, 2021 અને 2022 માં AICFFને વિશ્વભરમાંથી લગભગ 500 થી વધુ ફિલ્મો મળી. આ વર્ષે ફેસ્ટિવલમાં ઈરાન, ઈટલી, ભારત, તુર્કી, ચીન, ક્રોએશિયા, યુનાઈટેડ સ્ટેટ્સ, રશિયન ફેડરેશન, યુનાઈટેડ કિંગડમ, યુક્રેન, તાઈવાન, સ્વિત્ઝર્લેન્ડ, સિંગાપોર, નોર્વે, નેપાળ, જાપાન, આયર્લેન્ડ, જર્મની, ચેક રિપબ્લિક, કેનેડા, કોલંબિયા, બ્રાઝિલ, રિપબ્લિક ઓફ કોરિયા અને ઓસ્ટ્રેલિયા સહિત 24 દેશોમાંથી 90 થી વધુ ફિલ્મો પ્રાપ્ત થઈ છે. 
 
આ વર્ષે ફેસ્ટિવલ ડિરેક્ટર મનીષ સૈની છે જેઓ બે વખત રાષ્ટ્રીય પુરસ્કાર પ્રાપ્ત કરી ચુક્યા છે તેમનું કહેવું છે કે, સિનેમાના સર્જનાત્મક ક્ષેત્રમાં હોવાથી સમાજમાં યોગદાન આપવું એ આપણી જવાબદારી છે. હું ફિલ્મો બનાવવાનું પસંદ કરું છું અને આપણી આગામી પેઢીને પ્રોત્સાહિત કરવા માટે, આપણે બધાને પ્રેરણાની જરૂર છે અને આવા અનુભવ સાથે આપણે આવા ફેસ્ટિવલનો ભાગ બનવું જોઈએ. વ્યવસાયે પબ્લિસિસ્ટ, ફેસ્ટિવલના સ્થાપક ચેતન ચૌહાણે જણાવ્યું હતું કે, AICFF એ આપણી આગામી પેઢી માટે અમે શરૂ કરેલ પહેલમાની એક છે. અમે દૃઢપણે માનીએ છીએ કે દરેક વ્યક્તિની એક વાર્તા હોય છે, ખાસ કરીને અમારી નવી પેઢી પાસે અને એક વાર્તાનાયક તરીકે દરેક બાળકને સાંભળવા જોઈએ અને સમાજ તરીકે આપણે તેમને તેમની પ્રતિભા કેળવવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડવું જોઈએ.