સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: મંગળવાર, 4 મે 2021 (22:44 IST)

કંગના રનૌતનાં વિવાદમાં કેમ ઉછળી રહ્યું છે નરેન્દ્ર મોદી અને ગુજરાતનું નામ?

કંગના રનૌતનાં ટ્વિટ પર ગુજરાતના 2002ના રમખાણોમાં નરેન્દ્ર મોદીની ભૂમિકાની ચર્ચા ફરી સોશિયલ મીડિયા પર શરૂ થઈ છે. સોશિયલ મીડિયા પર કંગના રનૌત પોતાના વિવાદિત નિવેદનોને લઈને ટ્રૅન્ડમાં રહેતા હોય છે. તેમનું ટ્વિટર એકાઉન્ટ સસ્પેન્ડ થયા પછી પણ તેઓ ટ્રૅન્ડમાં છે અને તેમની સાથે ગુજરાતના 2002ના રમખાણો તથા વડા પ્રધાન મોદી પણ ચર્ચામાં છે.
 
તેનું કારણ પોતે કંગના રનૌત છે કારણ કે તેમણે જે ટ્વીટ કર્યું તેમાં તેમણે વડા પ્રધાન મોદીને 'ગુંડાદર્દી'ની સામે 'સુપર ગુંડાગર્દી' કરવાની અને 2000ના દાયકાના શરૂઆતના વર્ષોમાં બતાવવામાં આવેલું 'વિરાટ રૂપ'ને ફરી દાખવવાની વિનંતી કરવામાં આવી હતી.
 
તેમણે પશ્ચિમ બંગાળની ચૂંટણી સાથે સંકળાયેલી હિંસા વિશે આ ટ્વીટ કર્યું હતું જેમાં તેમણે વડા પ્રધાન મોદી પાસે રાજ્યમાં રાષ્ટ્રપતિશાસન લાગુ કરી અને મમતા બેનરજી પર લગામ લગાવવાની માગણી કરી હતી.
 
કંગનાએ સોમવારે પશ્ચિમ બંગાળમાં હિંસાનો દાવો કરતાં એક ટ્વીટ કર્યું હતું, જે બાદ તેમના આ ટ્વીટને ટ્વિટર પર અનેક લોકોએ હિંસક અને ભડકાઉ ગણાવ્યું હતું.
 
અનેક લોકોએ ટ્વિટર સમક્ષ કંગનાનું એકાઉન્ટ રદ કરવાની માગ કરી હતી.
 
જોકે એકાઉન્ટ કેમ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે, એ અંગે ટ્વિટર તરફથી સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી.
 
ટ્વિટર પર કંગનાનાં પેજ પર લખેલું આવી રહ્યું છે, "ટ્વિટર એવાં એકાઉન્ટ્સને સસ્પેન્ડ કરી દે છે, જે ટ્વિટરના નિયમોનું ઉલ્લંઘન કરે છે."
 
કંગના રનૌતના ટ્વીટને લઈને સોશિયલ મીડિયામાં ગુજરાતના રમખાણોમાં નરેન્દ્ર મોદીની કથિત ભૂમિકા પર લોકો કૉમેન્ટ કરી રહ્યા છે.
 
અભિનેતા સિદ્ધાર્થે લખ્યું કે કંગના રનૌતે બે ભૂલો કરી. એક તો તેમણે પશ્ચિમ બંગાળમાં નરસંહારની વાત કરી. અને પછી તેમણે પોતાના મનપસંદ નેતાને તેમના ગુજરાતના દિવસો યાદ અપાવ્યા, જેમાં તેઓ નરસંહાર આદરી શકે તેમ છે. આવા ભક્ત હોય તો પછી દુશ્મનની શું જરૂર.
 
ત્યારે પત્રકાર વસુંધરા શ્રીનેતે લખ્યું કે આજે તો કંગના રનૌત ઉપર પ્રેમ આવી રહ્યો છે. તેઓ સાહસિક રીતે એવું કંઈક કહી ગયા જે ક્યારેય કોઈ તપાસપંચે પણ નથી કહ્યું. તેમણે એક લાલ લાંબી દોરી લીધી અને તેનાથી મોદી અને 2002ના રમખાણોને જોડી દીધા અને એ પણ સોશિયલ મીડિયા પર. હા, ભલે તેમના પર કદાચ પ્રેમ ન આવે.
 
ત્યારે ડૉ નવજોત ડાહિયાએ લખ્યું કે કંગના એક સાહસિક મહિલા છે. ટ્વિટર યુઝરોએ કંગનાને આભાર વ્યક્ત કરવો જોઈએ કારણ કે તેમનાંમાં મોદીને 2002ના રમખાણો કરાવવા માટે જવાબદાર ઠેરવવાનું સાહસ છે.
 
ત્યારે રોહિત ગોલુ નામના ટ્વિટર યૂઝરે લખ્યું કે કંગના રનૌતનું એકાઉન્ટ એટલા માટે સસ્પેન્ડ કરવામાં આવ્યું કારણ કે તેમણે વડા પ્રધાન મોદીને સુપર ગુંડાગર્દી બતાવવા અને 2002ના રમખાણોની જેમ વિરાટ રૂપ બતાવવા માટે કહ્યું.
 
ટ્વિટર પર ડૉ શિબુ વર્કેએ લખ્યું કે કંગના કદાચ એવું કહેવા માગતાં હતાં કે નરેન્દ્ર મોદી સુપરગુંડાગર્દી કરી શકે છે અને 2000ની આસપાસ (કદાચ ગુજરાતના 2002ના રમખણો)માં તેમણે વિરાટ રૂપ બતાવ્યું હતું. તેમણે વડા પ્રધાન મોદીને ટૅગ કરતા લખ્યું કે મોદી આ વિશે શું કહેવા માગે છે.
 
અભિનેત્રી કવિતા કૌશિકે ટ્વીટ કરીને લખ્યું કે સુપર ગુંડાગર્દી અને 2000ના વિરાટ રૂપની વાત કરીને કંગનાએ સ્પષ્ટતા કરી એ માટે આભાર.
 
અંકુર ચવાણે ટ્વીટ કરીને કહ્યું કે કંગના રનૌતનું એકાઉન્ટ નફરત ફેલાવતા ટ્વીટ કરવા માટે નહીં પરંતુ 2002ના રમખાણોનો શ્રેય મોદીને આપવા માટે સસ્પેન્ડ કરવામાં આવ્યું છે.
 
 
પ્રોફેસર સોહેલ નામના ટ્વિટર યૂઝરે એક તસવીર પોસ્ટ કરીને સંદેશ આપ્યો કે કંગના રનૌતે પોતાનું માથું દીવાલમાં ભટકાડી દીધું છે.
 
કંગના રનૌતનું એકાઉન્ટ ફરી સક્રિય કરવાની માગ
 
ભાજપ હરિયાણાના નેતા અરૂણ યાદવે ટ્વીટ કરીને ટ્વિટરને કંગના રનૌતનું એકાઉન્ટ ફરી સક્રિય કરવાની વિનંતી કરી.
 
ભારદ્વાજ સ્પીક્સ નામના ટ્વિટર યૂઝરે લખ્યું કે ચરમપંથી સંગઠનોના એકાઉન્ટ સસ્પેન્ડ નથી થતા. શરજીલ ઉસ્માનીનું એકાઉન્ટ સસ્પેન્ડ નથી થતું. જુઓ ટ્વિટર જે નિષ્પક્ષ નથી, તેણે કોનું ટ્વિટર એકાઉન્ટ સસ્પેન્ડ કર્યું. કંગના રનૌત જેઓ બંગાળમાં હિંદુઓ સામેની હિંસા અંગે બોલ્યાં.
 
નેહા બેનીવાલ નામનાં ટ્વિટર યૂઝરે લખ્યું કે કંગના રનૌત એકમાત્ર એવા સેલેબ્રિટી છે જેમણે બંગાળમાં હિંદુઓ સામે થયેલી હિંસા વિશે નિવેદન આપ્યું અને ટ્વિટરે તેમનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું. ટ્વિટર નિષ્પક્ષ નથી અને હિંદુફોબિક છે.
 
કંગના રનૌતે ફેસબુક પર આપ્યું નિવેદન
કંગના રનૌતની ટીમે નિવેદન જાહેર કરીને કહ્યું, "ટ્વિટરે મારા જ પક્ષને સાબિત કરી દીધો છે કે તે અમેરિકી છે અને એક શ્વેત વ્યક્તિ જન્મથી જ પોતાનો અધિકાર સમજે છે કે તે બ્રાઉન વ્યક્તિને પોતાની ગુલામ બનાવે. તેઓ તમને જણાવવા માગે છે કે તમે શું વિચારો, બોલો કે કરો."
 
"પરંતુ સૌભાગ્યપણે મારી પાસે સિનેમા સહિત ઘણા બધા પ્લેટફૉર્મ છે જેનો ઉપયોગ હું મારો અવાજ ઉઠાવવા માટે કરી શકું છું. પરંતુ મારું મન હંમેશાં આ દેશના એ લોકો વિશે દુખી છે જેમને યાતનાઓ અપાઈ છે, જેમને ગુલામ બનાવવામાં આવ્યા છે અને જેમને હજારો વર્ષોથી દબાવીને રાખવામાં આવ્યા છે અને હજી પણ જેમનો દુખોનો કોઈ અંત નથી."