બુધવાર, 18 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 08
  4. »
  5. બજેટ 2008
Written By એજન્સી|

સૌરાષ્ટ્ર પ્રતિ રેલવેનું કાયમી ઓરમાયું વલણ

અમરેલી જિલ્લો રેલવે સુવિધાથી તદ્દન વંચિત છે !

PIBPIB

કેન્દ્રીય રેલવે બજેટ આવતા મંગળવારે એટલે કે, 26મી ફેબ્રુઆરીએ રેલવે પ્રધાન લાલુપ્રસાદ યાદવ રજૂ કરશે. સૌરાષ્ટ્ર-કચ્છની પ્રજાને દરેક રેલ બજેટમાં ખોટા આશ્વાસનો સિવાય કશું મળ્યું નથી. સોમનાથ અને દ્વારકા જેવા ધર્મસ્થાનોને દેશના અન્ય ભાગ સાથે જોડતી ટ્રેનની માંગણી હોય કે વેરાવળ સુધીની ટ્રેનમાં લટકતા જતા મુસાફરોની વાત કે પછી મહુવા અને અમરેલી થી સુરત તેમજ અમરેલી થી અમદાવાદ સુધીની ટ્રેનની માંગણી હોય તે પુરી કરવામાં જ આવતી નથી. દરિયાકાંઠાના નગરોને જોડતી રેલવે લાઈનની માંગણી પુરી કરવામાં રેલવે તંત્ર તલભાર આગળ વધ્યું નથી.

નવી ટ્રેનની માંગણી હોય, ગેજનું પરિવર્તન હોય કે પછી ટ્રેન લંબાવવાની, તેના દિવસો વધારવાની વાત હોય સાંસદો દ્વારા રેલવે પર જરા પણ લોબિંગ થતું જ નથી, ગત રેલવે બજેટમાં એક નહીં પણ અનેક માંગણીઓનો ઉકેલ આવ્યો નથી. આ વખતે પણ તેનું પુનરાવર્તન થાય તેમ હોવાનું જાણવા મળ્યું છે.
PIBPIB

અમરેલી-ઢસા થી ધોળા સુધીના મીટરગેજ લાઈનને બ્રોડગેજમાં પરિવર્તીત કરવાની માંગણી ગત બજેટમાં ઉપાડવામાં આવી હતી. છતાં તેને સમાવવામાં આવી નથી. તેના કારણે અમરેલી-અમદાવાદ વચ્ચે આજે એક પણ ટ્રેન નથી.

સૌરાષ્ટ્રમાં ભાવનગર ડિવિઝન નીચે મોટાભાગનો વિસ્તાર આવે છે. રાજકોટ ડિવિઝનને ટૂંકુ કરી નાખવામાં આવ્યા પછી સૌરાષ્ટ્ર માટે ભાવનગર ડિવિઝન મહત્વનું બની ગયું છે. પરંતુ આ ડિવિઝને બિલખા-દેલવાડા લાઈનનું ચોમાસામાં ધોવાણ થયા પછી હવે છેક કામગીરી ચાલુ કરી છે. રજવાડા સમયે ચાલતી અને ગામડાને સાંકળતી સંખ્યાબંધ લાઈનો ગેજ પરિવર્તનના નામે બંધ કરી દેવામાં આવી છે. તેને ચાલુ કરવા માટે કોઈ પ્રયત્નો કરવામાં આવતા નથી.

દરિયાકાંઠાને સાંકળતી રેલવે લાઈન શરૃ કરવા માટે જોરશોરથી વાતો થઈ હતી પરંતુ કશું થયું નહીં અને વાત હવામાં ઉડી ગઈ. દિવાળીના તહેવારમાં રાજકોટ ડિવિઝનના આંકડા મુજબ વીસેક લાખ મુસાફરોએ મુસાફરી કરી છતાં એક પણ હોલીડે સ્પેશ્યલ ટ્રેન ચલાવાઈ નથી, તો પછી આ બધા મુસાફરો કઈ દશામાં ટ્રેનમાં ગયા હશે ?

રાજકોટ સુધી બીજો ટ્રેક નાખવા અને વીજળીકરણનો પ્રોજેકટ ડી.આર.એમ.એ ગત બજેટમાં મુકયો હતો તે નામંજૂર થયા પછી હવે આ બજેટમાં મંજૂર થશે કે કેમ ? તે વિશે ખુદ તેઓને શંકા છે. રેલવેબાબુઓનું નવી ટ્રેન કે લંબાવવા માટેનું ગણિત સાદું હોય છે. નવા ટ્રેક પર ગુડઝ કેટલો મળે ? જો આવક સારી હોય તો મુસાફર ટ્રેનો ગમે તેટલી દોડાવો, કાંઈ વાંધો નહીં. દરેક જગ્યાએ ધંધાનું ગણિત વિચારમાં આવે તો પ્રજાના ભાગે મુશ્કેલી સિવાય કશું વધે નહીં.

સૌરાષ્ટ્રની નવી ટ્રેનો માટે પડતર માંગણીઓ:
સૌરાષ્ટ્રને નવી ટ્રેન મળે, ફ્રિકવન્સી વધે તે, ગેજ પરિવર્તન વગેરે મુદ્દે , ગોંડલ ચેમ્બર ઓફ કોમર્સ, સૌરાષ્ટ્ર પેસેન્જર્સ એસોસીએશન, સાંસદ ડો.વલ્લભભાઈ કથિરીયા વગેરેએ રેલવે મંત્રાલય સમક્ષ માંગણીઓ રજૂ કરી છે. ઉપરાંત જામનગર, જૂનાગઢ જિલ્લામાંથી પણ માંગણીઓ આવી છે. અમરેલી રેલવે સુવિધાથી તદ્દન વંચિત છે.