જિતશે ગુજરાત-હારશે કોરોના’ રૂ. ર૪૪ કરોડ કોરોના સંક્રમણ નિયંત્રણ-સારવાર તબીબી સુવિધા માટે ફાળવાયા

Last Updated: મંગળવાર, 28 જુલાઈ 2020 (15:33 IST)
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિશ્વવ્યાપી મહામારી કોરોના સામે સાડા ૬ કરોડ ગુજરાતીઓના સક્રિય સહયોગથી ‘જીતશે ગુજરાત, હારશે કોરોના’ના સુત્ર સાથે જંગ છેડ્યો છે. વિજય રૂપાણીએ રાજ્યમાં કોરોના સંક્રમિતોને શ્રેષ્ઠ સારવાર, દવાઓ અને તબીબી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાના સંવેદનશીલ ભાવ સાથે મુખ્યમંત્રી રાહતનિધિમાં કોરોના અંગે વિશેષ ફંડ-દાન ભંડોળ માટે રાજ્યના નાગરિકોને કરેલી અપિલનો વ્યાપક પ્રતિસાદ સાપડ્યો છે.

મુખ્યમંત્રી રાહતનિધીમાં કોરોના સામેનો જંગ લડવા પ્રાપ્ત થયેલા આ દાન ભંડોળમાંથી વિજય રૂપાણીએ અત્યાર સુધીમાં રૂ.૨૪૪ કરોડ રૂપિયા રાજ્યના શહેરો સહિત છેવાડાના ગ્રામિણ વિસ્તારના નાગરિકોના કોરોના સંક્રમણ નિયંત્રણ, સારવાર, દવાઓ તેમજ આરોગ્ય સુરક્ષા માટે ફાળવ્યાં છે. રાજ્યમાં કોરોના સંક્રમિતોને જરૂરી દવાઓ, ઇન્જેક્શન તેમજ સારવાર સુવિધાઓ સરકારી ખર્ચે મળી રહે તે માટે રાજ્યની મહાનગરપાલીકાઓ અને આરોગ્ય વિભાગને
મુખ્યમંત્રી રાહતનિધીમાંથી કુલ ૨૦૦ કરોડની આ ખાસ રકમ ફાળવી છે.

તદઅનુસાર અત્યાર સુધીમાં તેમણે અમદાવાદ મહાનગરપાલિકાને રૂ. ૫૦ કરોડ, સુરત મહાનગરપાલિકાને રૂ. ૧૫ કરોડ, વડોદરા અને રાજકોટ મહાનગરપાલિકાને રૂ. ૧૦-૧૦ કરોડ, ભાવનગર, ગાંધીનગર અને જામનગર મહાનગરપાલિકાને રૂ. ૫-૫ કરોડ એમ કુલ ૧૦૦ કરોડ કોરોનાના સંક્રમણ નિયંત્રણ-સારવાર માટે ફાળવેલા છે.

રાજ્યના આરોગ્ય વિભાગને પણ મુખ્યમંત્રી રાહતનિધિમાંથી રૂ. ૧૦૦ કરોડ ફાળવ્યા છે. આરોગ્ય વિભાગે રાજ્યમાં નગરો-શહેરો સહિત દૂર સૂદુરના અંતરિયાળ વિસ્તારોને પણ કોરોના સંક્રમણ સામે ઉપચારાત્મક અને આરોગ્ય રક્ષક દવાઓ પૂરી પાડવા જરૂરી દવાઓ ખરીદી માટે રૂ. ૧૧.૮૦ કરોડનો ખર્ચ કર્યો છે.
રાજ્યની આરોગ્ય સેવાના તબીબો પેરા મેડિકલ સ્ટાફ વગેરે જેઓ કોરોના સંક્રમિત લોકોની સારવારમાં જોડાયેલા હોય તેમને રક્ષણ આપવા ૨૦,૯૮,૪૮૫ એન-95 માસ્ક, પી.પી.ઈ કીટ, હેન્ડ ગ્લોવસ અને સેનેટાઇઝર વગેરેની ખરીદી માટે રૂ. ૧૫.૪૨ કરોડનો ઉપયોગ કર્યો છે.

કોરોના સંક્રમિત લોકોને સારવાર માટે મહત્વપૂર્ણ એવા ૪૫૯૭ ટોસીલીમીઝૂમેબ અને ૧૮૦૫૦ રેમડેસીવીર ઇન્જેક્શનની ખરીદી માટે રૂ. ૧પ.૫૨ કરોડ, ૫૦૦૦
જેટલા લોકોની સ્ક્રિનીંગ તથા ડાઇગ્નોસ્ટીક સેવાઓ
રૂ. ૧૯.૭૯ કરોડ તેમજ અન્ય ખર્ચ માટે રૂ. ૧.૮૯ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. વિજય રૂપાણીએ
મુખ્યમંત્રી રાહતનિધિમાથી કોરોના ફંડની જે રકમ મહાનગરોને કોરોના સામે જરૂરી દવાઓ ઇન્જેક્શન તેમજ અન્ય આરોગ્ય વિષયક સુવિધાઓ ઉભી કરવા આપી છે તેના પરિણામે રાજ્યમાં જરૂરતમંદ કોરોના સંક્રમિત લોકો આ સારવારનો લાભ લઈને ત્વરાએ સાજા થઈ પોતાના ઘરે ગયા છે.
શહેરી વિસ્તારોમાં ૧૨૪૪ સંક્રમિતોને રાજ્યની મેડીકલ કોલેજ-હોસ્પિટલ અને સ્ટેટ હોસ્પિટલમાં ટોસીલીમીઝૂમેબ અને રેમડેસીવીરના ઇન્જેક્શનથી સારવાર અપાઇ છે તેમજ રાજ્યના અન્ય જિલ્લાઓની હોસ્પિટલોમાં ટોસીલીમીઝૂમેબ અને રેમડેસીવીરના ઇન્જેક્શનથી ૧૨૦ સંક્રમિતોની સારવાર થઇ છે. જે મહાનગરોમાં કોરોના સંક્રમણનો વ્યાપ વધુ છે એવા મહાનગરોમાં ડેડિકેટે કોવિડ હોસ્પિટલ, સ્ક્રીનિંગ, ટેસ્ટીંગ, ઘનવંતરી આરોગ્ય રથ, કન્ટેમેન્ટ ઝોન વગેરે માટે પણ મુખ્યમંત્રી રાહતનિધી ફંડમાંથી ફાળવણી કરી છે .
અમદાવાદ મહાનગરમાં મહાપાલિકા દ્વારા રૂ. ૧ કરોડના ખર્ચે ટોસીલીમીઝૂમેબ ઇન્જેક્શનની ખરીદી કરીને આશરે ૨૫૦ દર્દીઓને આ ઇન્જેક્શનથી સારવાર આપવામાં આવી છે. ગુજરાત મેડિકલ સર્વીસ કોર્પોરેશન લિ. દ્વારા પણ ૫૯૩ ટોસીલીમીઝૂમેબ ઇન્જેક્શન અમદાવાદ શહેર માટે આપવામાં આવ્યા છે, જેમાંથી ૪૫૦ દર્દીઓને ઇન્જેક્શન દ્વારા સારવાર આપવામાં આવી છે.એટલું જ નહીં અમદાવાદમાં ૧૧૦ જેટલા ધનવંતરી રથના માધ્યમથી ૬ લાખ જેટલા લોકોની આરોગ્ય તપાસ કરવામાં આવી છે.

તદઉપરાંત ગુજરાત મેડિકલ સર્વીસ કોર્પોરેશન લિ. દ્વારા અમદાવાદ શહેર અને જિલ્લામાં દર્દીઓની સારવાર માટે આશરે ૬૧૦ ટોસીલીમીઝૂમેબ ઇન્જેક્શન, ૧૩૩૯ રેમડેસીવીર ઇન્જેક્શન તેમજ ૧૫૨
જેટલી સ્ટ્રીપ ફેવિપિરાવિર ટેબલેટ આપવામાં આવી છે. સુરત મહાનગરપાલિકા દ્વારા કોરોના સામેની લડાઇ માટે કોરોના સંક્રમિત વ્યક્તિઓની સારવાર અંગે દવાઓ માટે રૂ. ૧૧.૪૬ કરોડ તેમજ જરૂરી મેડિકલ ઇક્વિમેન્ટ માટે રૂ. ૪ કરોડની રકમ ખર્ચ કરવામાં આવી છે.
સુરત શહેર અને જિલ્લામાં પણ ગુજરાત મેડિકલ સર્વીસ કોર્પોરેશન લિ. દ્વારા ૬૫૩ ટોસીલીમીઝૂમેબ ઇન્જેક્શન, ૧૩૩૫ રેમડેસીવીર ઇન્જેક્શન તેમજ ૭૬૦૦ જેટલી સ્ટ્રીપ ફેવિપિરાવિર ટેબલેટની ફાળવવામાં આવી છે. રાજકોટ મહાનગરપાલિકાએ દવાઓ અને સંક્રમિત વ્યક્તિઓની સારવાર કરતા તબીબો માટે પી.પી.ઇ. કીટ માટે રૂ. ૧૩.૮૯ લાખ, ધનવંતરી રથ અન્વયે રૂ. ૩૩.૭૫ લાખ તેમજ અન્ય મેડિકલ ઇક્વિમેન્ટ પાછળ રૂ.૧૫ લાખથી વધુની રકમ ફાળવી છે.
એટલું જ નહીં રાજકોટ શહેર અને જિલ્લામાં ગુજરાત મેડિકલ સર્વીસ કોર્પોરેશન લિ. દ્વારા આશરે ૧૫૩ ટોસીલીમીઝૂમેબ ઇન્જેક્શન, ૪૩૦ રેમડેસીવીર ઇન્જેક્શન દર્દીઓની સારવાર માટે આપવામાં આવ્યા છે. વડોદરા મહાનગરપાલિકાએ મુખ્યમંત્રી રાહતનિધિમાંથી મળેલી રકમમાંથી કોરોના સંક્રમિત વ્યક્તિઓની સારવાર માટેના
મેડિકલ ઇક્વિમેન્ટ ખરીદી માટે રૂ. ૧.૭૨ કરોડથી વધુ ફાળવ્યા છે.

વડોદરા શહેર અને જિલ્લાને ગુજરાત મેડિકલ સર્વીસ કોર્પોરેશન લિ. દ્વારા આપવામાં આવેલ અંદાજિત ૧૩૨ ટોસીલીમીઝૂમેબ ઇન્જેક્શન, ૫૫૦ રેમડેસીવીર ઇન્જેક્શન, તેમજ ૨૫૦ જેટલી ફેવિપિરાવિર ટેબલેટ સ્ટ્રીપનો ઉપયોગ દર્દીઓની સારવાર પાછળ કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રીએ ગુજરાત મેડિકલ સર્વિસ કોર્પોરેશનને ખાસ કરીને કોરોના સંક્રમિતો માટે દવાઓ ઇન્જેક્શન વગેરેની સેવાઓ પૂરી પાડવા રૂ. ૩૩.૯૨ કરોડ રાહતનિધિમાંથી ફાળવ્યા છે.

ગુજરાત મેડિકલ સર્વિસ કોર્પોરેશન દ્વારા ૨૬ હજાર વાઇલ ટોસીલીમીઝૂમેબ અને રેમડેસીવીરની ખરીદી પાછળ રૂ. ૨૨.૯૪ કરોડ અને ૪૦ હજાર ફેવિપિરાવિર ટેબલેટની ખરીદી કુલ રૂ. ૧૦.૯૮નો ખર્ચે કરીને કોરોના સંક્રમણના દર્દીઓની સારવાર માટે ઉપયોગમાં લીધા છે.

વિજય રૂપાણીએ કોરોના વોરિયર્સ તરીકે અવિરત ફરજરત એવા આરોગ્ય, પોલીસ, સફાઇ-કર્મીઓ, તેમજ કોરોના સંક્રમણ નિયંત્રણ અંગેની કામગીરીમાં સીધા સંકળાયેલા સરકારી કર્મયોગીઓના ફરજ દરમ્યાન અવસાન કિસ્સામાં પણ મુખ્યમંત્રી રાહતનિધીમાંથી રૂ. ૨૫ લાખની સહાય આવા દિવંગત કોરોના વોરિયર્સના પરિવારને આપવાનો સંવેદના સ્પર્શી અભિગમ અપનાવેલો છે.

રાજ્યમાં આવા ૧૧ દિવંગત કોરોના વોરિયર્સને અત્યાર સુધીમાં ૨ કરોડ ૭૫ લાખની સહાય આપીને તેમના પરિવારની વિપદામાં સરકાર પડખે ઊભી રહી છે.
વિજય રૂપાણીએ
કોરોના દરમ્યાન લોકડાઉન સમયમાં રાજ્યમાં વસતા પરપ્રાંતિય શ્રમિકો પણ પોતાના વતન પરિવાર પાસે એકવાર જઈ શકે તે માટે રેલવે મંત્રાલય સાથે પરામર્શમાં રહીને સમગ્ર દેશમાં સૌથી વધુ ૯૯૯ શ્રમિક સ્પેશિયલ ટ્રેનની વ્યવસ્થા કરીને ૧૪.૫૦ લાખ શ્રમિકોને તેમના વતન પહોંચાડવા માટે પણ મુખ્યમંત્રી રાહતનિધીમાંથી પશ્વિમ રેલવેને રૂ. ૬.૮૭ કરોડ આપ્યા છે અને આ હેતુસર ૨૫ કરોડ રૂપિયા પણ ફાળવ્યા છે. મુખ્યમંત્રી રાહતનીધિનું આ કોરોના ફંડ રાજ્યમાં કોરોના સામેની લડાઇ માટેના સંસાધનો ઊભા કરીને કોરોના સંક્રમિત લોકોના ત્વરિત સાજા થઈ રોજિંદી પ્રવૃતિઓમાં ફરીથી પૂર્વવત થવામાં અગત્યનું પરિબળ બન્યું છે.


આ પણ વાંચો :