ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. કોરોના વાયરસ
Written By
Last Modified: ગુરુવાર, 14 મે 2020 (13:13 IST)

Corona Warriors Story - ગર્ભાવસ્થાના આઠમા મહિને પણ ફરજ બજાવી રહ્યાં છે અર્ચનાબેન, આ અમારી જોબ છે એટલે એ અમે કરીએ જ

12મી મે ના રોજ નર્સિંગ સમુદાયની સેવાઓને પ્રોત્સાહિત કરવા ''આંતરરાષ્ટ્રીય નર્સીસ ડૅ (આઇએનડી)” ની ઉજવણી કરવામાં આવે છે. આમ તો, તા.11 મી મે થી સાત દિવસના નર્સિંગ સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે અને નર્સિંગ વ્યવસાયના રોલ મોડેલ ફ્લોરેન્સ નાઈટિંગેલના જન્મ દિવસે એનું સમાપન કરવામાં આવે છે. 
 
આ કરુણા અને મમતાનો વ્યવસાય છે કારણ કે રોગી હોય કે ઇજાગ્રસ્ત, એના સતત સંપર્કમાં રહીને કામ કરવાનું હોય છે. એને સંભાળવાની સાથે એને આરોગ્ય શિક્ષણ આપવાનું હોય છે, એનામાં હિંમત અને સાહસનો સંચાર કરીને સાજા થવાનો વિશ્વાસ જગવવાનો હોય છે. આ વ્યવસાય માતૃત્વની મમતાના ગુણ આધારિત હોવાથી બહુધા એમાં મહિલાઓ જ જોવા મળે છે. 
 
તેમ છતાં,આ ક્ષેત્રમાં પુરુષોના પ્રવેશની મનાઈ નથી અને ભલે ખૂબ ઓછી સંખ્યામાં પરંતુ, જેમ નર્સ બહેનોને સિસ્ટર તરીકે ઓળખવામાં આવે છે તેમ બ્રધર તરીકે ઓળખાતા પુરુષ નર્સ ભાઈઓ પણ આ વ્યવસાયમાં છે. નર્સિંગના વ્યવસાયની કર્તવ્ય પરાયણતાનું ઉજળું ઉદાહરણ ગોત્રી હોસ્પિટલમાં છેલ્લા 4 વર્ષ થી ફરજ બજાવતા અર્ચનાબેન જોષી એ પ્રસ્તુત કર્યું છે.
 
હાલમાં કોરોના નો વાવર છે ત્યારે હોસ્પિટલમાં જતાં પણ ડર લાગે એવા સમયે તેઓ સગર્ભાવસ્થાના આઠમા મહિને પણ દવાખાનાની ફરજો બજાવી રહ્યા છે. એમણે જણાવ્યું કે તકેદારીના ભાગરૂપે સગર્ભા બહેનોને કોરોના વોર્ડની ફરજોમાથી બાકાત રાખવામાં આવે છે .પરંતુ હાલ નર્સિંગ સ્ટાફની ખૂબ જરૂર છે તેને અનુલક્ષીને થાય ત્યાં સુધી સેવા આપવાનો મારો નિર્ધાર છે. હાલમાં હું ઓપરેશન થિયેટર માટે પાટાપિંડી તૈયાર કરવા,સાધનોને ઓટોકલેવ કરવાની કામગીરી સાથે સંકળાયેલા વિભાગમાં કામ કરું છું.
 
ભલે તમે કોરોના વોર્ડમાં કામ ના કરતાં હો પરંતુ હાલમાં હોસ્પિટલમાં અવર જવર કરતાં લોકોમાં સંક્રમિત વ્યક્તિઓ હોવાની શક્યતા રહે છે.અને મારે તો મારી સાથે આવનારા બાળકની સુરક્ષા કરવાની છે એટલે ખૂબ સાવચેતી લઉં છું.સેનેટાઈઝર સાથે જ રાખું છું અને ડગલે ને પગલે તેનો ઉપયોગ કરું છું.
 
નોકરીમાં થી ઘેર પહોંચી સેનેતાઈજ થવાની,સ્નાન કરવાની જરૂરી તમામ કાળજી લઉં છું.કારણ કે અત્યારે સેવા આપવી એ કટોકટીના સમયની માંગ છે એટલે જાતને સુરક્ષિત રાખવાની તકેદારી રાખીને ફરજ બજાવું છું.  તેઓ કહે છે કે આ અમે સ્વેચ્છા એ સ્વીકારેલી જોબ છે એટલે સંજોગો ગમે તેવા અઘરાં હોય અમારે ફરજો બજાવવી જોઇએ. 
 
તેમણે જણાવ્યું કે હાલમાં જોખમી અને અઘરી ગણાતી કોરોના વોર્ડની ફરજો બાળ બચ્ચા અને પરિવારથી અળગી રહીને નર્સિંગની બહેનો અદા કરી રહી છે. અહી સતત સાત દિવસ ફરજો બજાવવાની હોય છે અને ચેપ પ્રસરતો અટકાવવા ઘેર જવાને બદલે હોસ્ટેલમાં રહેવું પડે છે.તે પછી સાત દિવસ ક્વોરેન્ટાઇન પાલન કરવું પડે. એટલે નાના નાના બાળકો અને કુટુંબીજનોથી 14 દિવસની ફરજિયાત જુદાઈ પાળી તેઓ દર્દીઓની સંભાળ રાખે છે.
 
એમનું કહેવું છે કે દર્દી અને પરિવારજનો સ્થિતિ સમજીને સારી રીતે બિહેવ કરે, એપ્રિશિયેશન કરે તો અમારો ઉત્સાહ વધે છે. એ પણ જોગાનુજોગ છે કે સન 2020 નું વર્ષ વિશ્વ આરોગ્ય સંસ્થાએ નર્સિંગના સેવા વ્યવસાયને સમર્પિત કર્યું છે અને કુદરત પણ જાણે એમની નિષ્ઠાની કસોટી કરતી હોય તેમ આ વર્ષે જ વિશ્વ કોરોના ની વિરાટ મહામારીના રૂપમાં આરોગ્ય કટોકટીનો સામનો કરી રહ્યું છે અને કપરા સંજોગોમાં નર્સિંગ સમુદાય રોજે રોજ કોરોનાગ્રસ્તોની નિર્ભય સેવાની કરુણા અને સંવેદના કથાઓ આલેખી રહ્યો છે ત્યારે દયાની દેવી ફ્લોરેન્સ નાઇટિંગેલની કરુણા, સેવા પરંપરાના આ નૈતિક વારસદારોને સમાજ અને દેશ દિલથી સલામ કરે છે.