વિરાટ કોહલીએ રાજકોટમાં મા સાથે જન્મદિન ઉજવ્યો
ભારતના ટેસ્ટ-સુકાની અને બૅટિંગ લાઇન-અપના નંબર વન પ્લેયર વિરાટ કોહલીએ ગઈ કાલે 28 વર્ષ પૂરા કરીને 29મા વર્ષમાં પ્રવેશ કર્યો હતો. તેણે આ જન્મદિન રાજકોટમાં ગર્લફ્રેન્ડ અને બૉલીવૂડની જાણીતી અભિનેત્રી અનુષ્કા શર્મા સાથે તેમ જ કેટલાક પ્લેયરો સહિતના નજીકના મિત્રો અને ચાહકોની હાજરીમાં ઉજવ્યો હતો.
કરોડો ભારતીય ક્રિકેટ રસિકોની જેમ વિરાટ માટે પણ સચિન તેન્ડુલકર ‘ગૉડ ઑફ ક્રિકેટ’ છે. સચિને તેના આ લાડલા ભૂતપૂર્વ સાથી ખેલાડીને વરસગાંઠની શુભેચ્છા આપતા ટ્વિટર પર લખ્યું હતું કે ‘આપણી ભારતીય ટીમના સૌથી ‘શરારતી ખેલાડી’ વિરાટને જન્મદિન બદલ મારી ખૂબ-ખૂબ શુભેચ્છા. તું જેવો છે સદા એવો જ રહેજે.’
સચિન ઉપરાંત વીરેન્દ સેહવાગ તેમ જ અજિંક્ય રહાણે અને બીજા ક્રિકેટરોએ પણ વિરાટને જન્મદિનની શુભેચ્છા આપી હતી. સેહવાગે ટ્વિટર પર હંમેશ મુજબ મજાકિયા સ્વભાવ સાથે લખ્યું હતું કે ‘હાઝમે કી ગોલી, રંગો કી હોલી, ગુજરાત મેં ઘાઘરા-ચોલી ઔર બૅટિંગ મેં વિરાટ કોહલી પૂરે ઇન્ડિયા કી પસંદ હૈ. હૅપી બર્થ-ડે વિરાટ કોહલી.’