રવિવાર, 5 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Updated : સોમવાર, 23 ડિસેમ્બર 2019 (10:11 IST)

IND vs WI : ભારતે ત્રીજી વનડેમાં જીત સાથે શ્રેણી પોતાને નામે કરી, રોહિત શર્માએ બનાવ્યો અનોખો રેકોર્ડ

કટક ખાતે રમાયેલી મૅચમાં વેસ્ટ ઇન્ડીઝની ટીમે ભારત સામેની ત્રીજી વન-ડે મૅચમાં પહેલાં બૅટિંગ કરતાં 315 રન બનાવ્યા હતા. ભારતે ચાર વિકેટ સાથે આ મૅચમાં વિજય હાંસલ કરી અને સિરીઝ પણ પોતાના નામે કરી છે. વેસ્ટ ઇન્ડીઝ બાદ બેટિંગ કરવા ઊતરેલી ભારતીય ટીમના ઓપનર રોહિત શર્મા 63 રન બનાવીને આઉટ થયા હતા. તેઓ આઉટ થયા તે પહેલાં તેમણે 22 વર્ષ જૂનો રેકર્ડ તોડ્યો હતો.
 
રોહિત શર્માએ આ વર્ષે ઓપનિંગ બૅટ્સમૅન તરીકે 2,442 રન બનાવ્યા છે. તેમણે સનથ જયસૂર્યાએ 1997માં બનાવેલા 2,387 રનના રેકર્ડને તોડ્યો છે. કૅપ્ટન વિરાટ કોહલી 85 રનની ઇનિંગ્ઝ રમ્યા હતા. આ ઉપરાંત લોકેશ રાહુલે 77 રન કર્યા હતા.
 
રોહિત શર્માએ એક વર્ષમાં ઓપનિંગ બૅટ્સમૅન તરીકે સૌથી વધારે રન આ વર્ષે બનાવ્યા છે. તેમણે 22 વર્ષ જૂનો શ્રીલંકાના ખેલાડી સનથ જયસૂર્યાનો રેકર્ડ તોડ્યો હતો. ભારતની શરૂઆત સારી રહી હતી. રોહિત અને લોકેશ રાહુલની જોડીએ પહેલી વિકેટ માટે 122 બનાવ્યા, જોકે વચ્ચેની ઓવરમાં ભારતે જલદી વિકેટ ગુમાવી જેથી મૅચ રોમાંચક સ્થિતિમાં પહોંચી ગઈ હતી.
 
વિરાટ કોહલી અને રવીન્દ્ર જાડેજાએ મળીને ઇનિંગ્ઝને સંભાળી અને ભારતને જીતની નજીક પહોંચાડ્યું. જ્યારે ભારત જીતથી 30 રન દૂર હતું ત્યારે વિરાટ કોહલી આઉટ થયા. તેમના આઉટ થતાંની સાથે જ સ્ટેડિયમમાં સન્નાટો છવાઈ ગયો હતો. આ મુશ્કેલ સ્થિતિમાં જાડેજા જવાબદારીવાળી ઇનિંગ્ઝ રમ્યા અને તેમણે નૉટાઉટ રહીને 39 રન કર્યા. જ્યારે બૅટ્સમૅન શાર્દુલ ઠાકુર નાની પરંતુ ઝડપી ઇનિંગ્ઝ રમ્યા હતા. તેમણે 6 બૉલમાં નૉટાઉટ રહીને 17 રન બનાવ્યા હતા.
 
રોહિત શર્માએ 47 ઇનિંગ્ઝમાં 53.08ની ઍવરેજથી 2,442 રન બનાવ્યા છે. સનથ જયસૂર્યાએ 58.21ની ઍવરેજથી 44 ઇનિંગ્ઝમાં 2,387 રન બનાવ્યા હતા. હાલ સુધી વીરેન્દ્ર સેહવાગ 2,355 રનની સાથે સનથ જયસૂર્યાની પાછળ હતા. તેમણે 46 ઇનિંગ્ઝમાં 52.33ની ઍવરેજથી રન બનાવ્યા હતા.
 
રોહિત શર્મા 63 રન બનાવીને આઉટ થયા હતા. 
 
વેસ્ટ ઇન્ડીઝની ટીમે પહેલી બૅટિંગમાં નિકૉલસ પૂરન(89) અને કૅપ્ટન પોલાર્ડ(74*)ની ધમાકેદાર ઇનિંગ્ઝની મદદથી 315 રન બનાવ્યા હતા. ભારતના એકમાત્ર બૉલર નવદીપ સૈનીએ બે વિકેટ લીધી હતી.
 
શાઈ હોપ સૌથી ઝડપી 3,000 રન પૂર્ણ કરનાર બીજા ખેલાડી
 
વેસ્ટ ઇન્ડીઝના બૅટ્સમૅન શાઈ હોપ એક દિવસીય ક્રિકેટમાં સૌથી ઝડપી 3,000 રન બનાવનાર બીજા ખેલાડી બન્યા છે.
 
તેમણે મૅચમાં વન-ડે ક્રિકેટની 67 ઇનિંગ્ઝમાં આ રેકર્ડ પોતાના નામે કર્યો છે. સાઉથ આફ્રિકાના હસિમ અમલાએ 57 ઇનિંગ્ઝમાં 3,000 રન બનાવ્યા છે.
 
પાકિસ્તાનના બાબર આઝમે 68 ઇનિંગ્ઝ, જ્યારે વિવિયન રિચર્ડ્સે 69 ઇનિંગ્ઝમાં આ સ્કોર કર્યો છે.
 
રોહિત અને રાહુલે ગત મૅચમાં 17 વર્ષ જૂનો રેકર્ડ તોડ્યો હતો
 
વિન્ડીઝ સામેની ગત મૅચમાં લોકેશ રાહુલ અને રોહિત શર્માની ઓપનિંગ જોડીએ નોંધાવેલી 227 રનની ઇનિંગ્ઝે સૌરવ ગાંગુલી અને સેહવાગનાં 17 વર્ષ જૂના રેકર્ડને તોડ્યો હતો.
 
વિન્ડીઝની સામે રાજકોટ ખાતે રમાયેલી મૅચમાં ગાંગુલી અને સેહવાગે 196 રનની ઓપનિંગ ભાગીદારી નોંધાવી હતી.
 
ત્યારબાદ વિન્ડીઝ સામે રમાયેલી મૅચમાં કોઈ પણ ઓપનિંગ જોડી આ રેકર્ડ તોડી શકી નહોતી.
 
રોહિત શર્માએ આઈસીસી મૅન્સ ક્રિકેટ વર્લ્ડકપમાં પાંચ સદી નોંધાવી હતી. આ સાથે તેઓ કોઈ ટુર્નામેન્ટની એક એડિશનમાં પાંચ વખત 100થી વધારે રન બનાવનાર ખેલાડી બન્યા હતા.
 
ગત મૅચમાં તેમણે બનાવેલાં 159 રને તેમને આ વર્ષે સૌથી વધારે રન બનાવનાર બૅટ્સમૅનની યાદીમાં પહેલાં ક્રમે મૂક્યા હતા.