ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Modified: ગુરુવાર, 28 માર્ચ 2024 (11:57 IST)

બોપલમાં ફાયરિંગની ઘટના: 10 શખસે મેરીગોલ્ડ રોડ બાનમાં લઈ રીતસર આતંક મચાવ્યો

bopal firing
bopal firing


- ગતરાતે 3 વાગ્યે મેરી ગોલ્ડ રોડ 10 શખસોએ ઉપેન્દ્રસિંહ ચાવડાને બાનમાં લઈ રીતસરનો આતંક મચાવ્યો
- સ્વ-બચાવમાં ઉપેન્દ્રસિંહે 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું 
- રાજેન્દ્રસિંહ સોલંકી અને અનિલસિંહ પરમાર નામના વ્યક્તિ સહિત કુલ 9 લોકો સામે ફરિયાદ


અમદાવાદના ઘુમા ગામ પાસે ગતરાતે 3 વાગ્યે મેરી ગોલ્ડ રોડ 10 શખસોએ બાનમાં લઈ રીતસરનો આતંક મચાવ્યો હતો. બિલ્ડર ઉપેન્દ્રસિંહ ચાવડાની ગાડીને આંતરી હુમલો કર્યો હતો. આથી સ્વ-બચાવમાં ઉપેન્દ્રસિંહે 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગ અને નાસભાગનો વીડિયો સામે આવ્યો છે. જેમાં ફિલ્મને ટક્કર મારે તેવાં દૃશ્યો કેદ થયાં છે.

સાણંદના રાજેન્દ્રસિંહ સોલંકી અને બોપલના અનિલસિંહ પરમાર સહિત 10 શખસો ઉપેન્દ્રસિંહ ચાવડા પર હુમલો કરવા આવતા સ્વ-બચાવમાં ઉપેન્દ્રસિંહે ફાયરિંગ કર્યું હતું. આથી મેરી ગોલ્ડ રોડ પર નાસભાગ મચી હતી. ઘટનાની જાણ થતાં જ બોપલ પોલીસનો કાફલો દોડી ગયો હતો. ઉપેન્દ્રસિંહે રાજેન્દ્રસિંહ સોલંકી અને અનિલસિંહ પરમાર નામના વ્યક્તિ સહિત કુલ 9 લોકો સામે ફરિયાદ નોંધાવી છે. ઉપેન્દ્રસિંહે લાઇસન્સવાળી રિવોલ્વરથી ફાયરિંગ કર્યું હતું, જેથી કોઈ ગુનો નોંધવામાં આવ્યો નથી.

બોપલમાં રહેતા ઉપેન્દ્રસિંહ ચાવડા કન્સ્ટ્રક્શન સાથે સંકળાયેલા છે. તેઓ બે વર્ષથી દાદા બાપુ ધામ પચ્છમ ખાતે દર્શન કરવા જતા હતા. ત્યારે તેમને ત્યાંના વિજયસિંહ સોલંકી સાથે સારા સંબંધ હતા. ચાર મહિનાથી કામમાં વ્યસ્ત હોવાથી તેઓ દર્શન કરવા જતા નથી. જેથી અવારનવાર વિજયસિંહ અને તેમના નાનાભાઈ રાજેન્દ્રસિંહના ફોન આવતા અને ત્યાં આવવાનું કહેતા હતા. પરંતુ ઉપેન્દ્રસિંહ કહી દેતા હતા કે તમે અમારા ઉપર ખોટા આક્ષેપો કરો છો, જેથી હું તમારે ત્યાં આવવા માગતો નથી.ગઈકાલે રાત્રે ઉપેન્દ્રસિંહ ડાયરામાં બાવળીયારી ખાતે જઈ રહ્યા હતા ત્યારે રાજેન્દ્રસિંહ સોલંકીનો તેમના ઉપર વોટ્સએપ કોલ આવ્યો હતો અને કહ્યું હતું કે તમે ડાયરામાં આવો છો, તો તૈયારીમાં આવજો. જેથી ઉપેન્દ્રસિંહ વિજયસિંહને ફોન કરીને આ બાબતની જાણકારી હતી. ત્યારબાદ ઉપેન્દ્રસિંહના મોટાભાઈ તથા સામા પક્ષે વિજયસિંહ અને અન્ય આગેવાનો બગોદરા ખાતે સમાધાન માટે મળ્યા હતા.

રાત્રે સમાધાન બાદ ઉપેન્દ્રસિંહ તેમના ઘરે પાછા આવતા હતા. ત્યારે રસ્તામાં તેમની કન્સ્ટ્રક્શન સાઇડ પર કામ ચાલુ હોવાથી ત્યાં ગયા હતા.મેરી ગોલ્ડ સર્કલથી તેઓ આગળ જઈ રહ્યા હતા ત્યારે એક પાન પાર્લર પાસે ચાર પાંચ ગાડી હતી. જેમાં રાજેન્દ્રસિંહ અને અનિલસિંહ સહિત કેટલાક લોકો રોડ ઉપર ઊભા હતા. તમામ લોકોના હાથમાં લાકડીઓ પાઇપો હતી. એ તમામ ઉપેન્દ્રસિંહની ગાડી તરફ આવ્યા અને હુમલો કરવા જઈ રહ્યા હતા. ત્યારે ઉપેન્દ્રસિંહે બચાવવામાં લાઇસન્સ માટે રિવોલ્વર કાઢી હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ત્યારબાદ સામે પક્ષના લોકોએ લાકડીઓ, ધોકા, પાઇપ અને પથ્થર વડે ઉપેન્દ્રસિંહ ઉપર હુમલો કરવા લાગ્યા હતા. સમગ્ર મામલે નવ લોકો સામે બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.