શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Modified: ગુરુવાર, 12 જાન્યુઆરી 2023 (18:13 IST)

પુત્રવધુના કાળાજાદુથી સાસરિયાઓ ચોંકી ગયા, પોલીસે ફરિયાદ ના લીધી તો કોર્ટમાં ઘા નાંખી, પછી જુઓ શું થયું

kala jadu
આપણો સમાજ અંધશ્રદ્ધાથી હજી પણ દૂર થયો નથી. આધુનિક યુગમાં પણ એજ્યુકેટેડ લોકો કાળા જાદુમાં વિશ્વાસ રાખે છે. અમદાવાદ શહેરમાં સાસરિયાઓ સામે તાંત્રિક વિધી કરનાર એક પુત્રવધુનું કારસ્તાન સામે આવ્યું છે. ગભરાયેલા સાસરિયાઓએ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં પુત્રવધુ સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે cctvના આધારે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. 
 
પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદના મોટેરા વિસ્તારમાં રહેતા પ્રવિણભાઇના લગ્ન નારણપુરામાં રહેતી નિષ્ઠા સાથે વર્ષ 2015માં સમાજીક રીતરીવાજ મુજબ થયા હતા. બે વર્ષના લગ્ન જીવનમાં નિષ્ઠા અને પ્રવિણે ઘરસંસાર છોડીને છુટાછેડા લઈ લીધા હતા. ત્યાર બાદ નિષ્ઠાએ પ્રવિણ તેમજ તેના માતા પિતા સામે કોર્ટમાં અનેક વખત ફરિયાદ કરી હતી. જે કેસો હાલની તારીખમાં પણ કોર્ટમાં ચાલી રહ્યા છે. 23 જુલાઇ 2022ના રોજ તેમના ઘરની બહાર તાંત્રિક વિધિનો સામાન પડ્યો હતો. જેના ઉપર પ્રવિણભાઈના નાના ભાઇનો ફોટોગ્રાફ હતો. વાળના ગુચ્છા ઉપર પ્રવિણના ભાઇનો ફોટોગ્રાફ્સ હતો તેમજ લીંબુ, કંકુ, અગરબત્તી અને ચપ્પુ પડ્યુ હતું. આ જોઈને પરિવાર ગભરાઈ ગયો હતો. 
 
આ ઘટના બાદ પ્રવિણભાઈ અને તેમના પરિવારે સોસાયટીના ચેરમેનને નોટીસ આપીને CCTV ફૂટેજની માંગ કરી હતી. સોસાયટી દ્વારા CCTV ફૂટેજ મળતાંની સાથે પરિવાર ચોંકી ગયો હતો. કારણ કે ઘરની બહાર તાંત્રિક વિધીનો સામાન મુકનાર બીજુ કોઈ નહીં પણ પ્રવિણની પત્ની નિષ્ઠા હતી. તે મોડી રાત્રે ગાડીમાં આવી હતી. તેની સાથે એક યુવક હતો અને તેના મોઢા પર કપડુ બાંધેલું હતું. બંને જણા તાંત્રિક વિધી કરીને ત્યાંથી ફરાર થઈ ગયાં હતાં. આ ઘટના બાદ પ્રવિણની માતાએ 23 જુલાઈએ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદ લઈને ગુનો દાખલ કર્યો નહોતો. 
 
પ્રવિણના પરિવારજનો તેમની પુત્રવધુના આવા કારનામાથી ખૂબ જ ગભરાઈ ગયાં હતાં. પોલીસને જાણ કરીને ફરિયાદ આપી હોવા છતાં પોલીસે કોઈ જ પ્રકારની કાર્યવાહી કરી નહોતી. જેથી આખરે શહેરના પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવને બે વખત ફરિયાદ કરી હતી. તેમણે પણ ગુનો દાખલ કરવાનો આદેશ નહીં આપતાં પ્રવિણની માતાએ ગાંધીનગર કોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી. આ ઘટનાના CCTV ફૂટેજના પુરાવા હોવા છતાં પોલીસે ગુનો દાખલ કર્યો નહતો. અંતે ગાંધીનગર કોર્ટે ગુનો દાખલ કરવાનો આદેશ કર્યો હતો. કોર્ટના આદેશ બાદ પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી દીધી છે. કોર્ટે પરિવારની ફરિયાદના આધારે ચાંદખેડા પોલીસને વિગતવાર તપાસ કરવા આદેશ આપ્યા હતાં. 
 
મોડી રાત્રે ગાડીમાં આવેલી પુત્રવધુએ તેના મોઢે દુપટ્ટો બાંધ્યો હતો. તેની કારમાંથી એક અજાણ્યો શખ્સ પણ ઉતર્યો હતો. પુત્રવધુ નિષ્ઠાએ ઘરની પાળી પર વાળનો ગુચ્છો મુક્યો હતો. જેના પર દિયરનો ફોટો મુકીને તેની પર કંકુનુ પાણી નાંખ્યું હતું. તે ઉપરાંત લીંબુ, છરી તેમજ બટાકાનો કટકો મુકીને અગરબત્તી પણ સળગાવી હતી. પુત્રવધુની આ હરકતથી તેના સાસરીયા ચોંકી ગયા હતાં. આધુનિક યુગમાં પણ એજ્યુકેટેડ લોકો આવી અંધશ્રદ્ધામાં પણ વિશ્વાસ રાખે છે. ઉલ્લેખનીય છે કે, જુલાઇ મહિનામાં પુત્રવધુએ તાંત્રિક વિધિના કારનામાં કર્યા હતા. જેમાં કોર્ટના આદેશ બાદ પોલીસે ગુનો દાખલ કર્યો છે.