ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. વાવાઝોડું બિપરજોય
Written By
Last Updated : બુધવાર, 14 જૂન 2023 (09:28 IST)

Biporjoy Cyclone Live Updates : જખૌથી 290 કિમી દૂર, આ ક્ષેત્રોમાં ઑરેન્જ ઍલર્ટ જાહેર

biporjoy
biporjoy
અરબ સાગરમાં સર્જાયેલ બિપરજોય વાવાઝોડાને કારણે ગુજરાત સરકાર અને ખાસ કરીને કાંઠા વિસ્તારે આવેલા જિલ્લાઓના વહીવટી તંત્ર માટે પડકારજનક સ્થિતિ ઊભી થઈ છે.  ભારતીય હવામાન વિભાગની અંતિમ અપડેટ અનુસાર 'અતિ પ્રચંડ સાયક્લૉનિક સ્ટોર્મ' બિપરજોય મંગળવારે અઢી વાગ્યા સુધી દેવભૂમિ દ્વારકાથી 300 કિલોમિટર, પોરબંદરથી 350 કિલોમિટર, નલીયાથી 310 કિલોમિટર કચ્છના જખૌ બંદરથી 290 કિલોમિટર દૂર છે.
 
બિપરજોય પાછલા છ કલાકથી પાંચ કિલોમિટરની પ્રતિ કલાકની ઝડપે આગળ ઉત્તર-ઉત્તરપશ્ચિમ દિશા તરફ આગળ વધી રહ્યું છે. આગાહી અનુસાર વાવાઝોડું કચ્છનાં માંડવી અને જખૌ બંદર પાસે 15 જૂને ટકરાશે. 'લૅન્ડફોલ' વખતે 150 કિલોમિટર પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરાઈ છે.
 
રાજ્ય સરકાર અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા વાવાઝોડાને લઈને તકેદારીનાં પગલાં ભરાઈ રહ્યાં હોવાની માહિતી જાહેર કરાઈ છે.  મંગળવારે રાજ્યના મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વાવાઝોડાને પગલે નાગરિકોને 'સુરક્ષા' માટે સંદેશો જાહેર કરી 'તંત્રને સહકાર આપવા અને સાવચેત રહેવાની અપીલ' કરી હતી.

 
ભારતના ગૃહમંત્રી અમિત શાહે પણ અધિકારીઓ, મંત્રીઓ અને ધારાસભ્ય સાથે બિપરજોય વાવાઝોડા સંદર્ભે વર્ચુઅલ બેઠક યોજીને તૈયારીઓની સમીક્ષા કરી હતી.
 
બેઠકમાં 'શૂન્ય જાનહાનિ' સુનિશ્ચિત કરવા બાબતે 'માર્ગદર્શન આપ્યું હતું.'
 
પરિસ્થિતિની ગંભીરતાને જોતાં રાજ્ય સરકાર દ્વારા બિપરજોય વાવાઝોડા માટે તમામ જિલ્લાઓમાં ખાસ કંટ્રોલ રૂમ કાર્યરત કરાયા છે.
 
આ સિવાય ગુજરાતના રાહત કમિશનર આલોક પાંડેએ મંગળવારે રાજ્ય સરકાર અને સ્થાનિક તંત્ર દ્વારા વાવાઝોડાને પગલે કરાયેલ તૈયારીઓની વિગતો જાહેર કરી હતી.
biporjoy
biporjoy
જેમાં તેમણે કહ્યું હતું કે, "વાવાઝોડાની સંભવિત અસરવાળા વિસ્તારોના શૂન્યથી પાંચ કિલોમિટર સુધીના અંતરેથી લગભગ 20-21 હજાર માણસોને સુરક્ષિત સ્થળે ખસેડાયા છે."
 
તેમણે આપેલી જાણકારી અનુસાર રાજ્ય સરકારના પ્રભારી મંત્રીઓ, કેન્દ્રીય મંત્રીઓ, બચાવ અને રાહતકાર્ય માટેની એજન્સીઓ અને વહીવટી તંત્રનો જરૂરી સ્ટાફ અસરગ્રસ્ત વિસ્તારોમાં કામગીરી બજાવી રહ્યો છે.
 
રાહત કમિશનરે વાવાઝોડાને પગલે 'હાલ સ્થળાંતર પર ભાર અપાઈ રહ્યો' હોવાની વાત કરી હતી.
 
વાવાઝોડાને કારણે સર્જાયેલી પરિસ્થિતિઓને કારણે ગુજરાતના ઘણા વિસ્તારોમાં દરિયો તોફાની બન્યાનાં દૃશ્યો જોવા મળ્યાં હતાં.
 
નોંધનીય છે કે આગામી દિવસોમાં ભારે વરસાદ અને પવન અંગે પણ શક્યતા વ્યક્ત કરાઈ છે.
 
વાવાઝોડાની તીવ્રતામાં ઘટાડો થયો હોવા છતાં હજુ પણ બિપરજોય વાવાઝોડું 'વેરી સિવિયર સાયક્લૉનિક સ્ટોર્મ' સ્વરૂપે આગળ વધી રહ્યું છે.
 
વાવાઝોડાને પગલે સૌરાષ્ટ્ર-કચ્છના કાંઠા વિસ્તારોમાં ઑરેન્જ ઍલર્ટ જાહેર કરાયું છે.
 
ભારતીય હવામાન વિભાગની વેબસાઇટ અનુસાર ગુજરાતનાં તમામ બંદરો માટે 'વૉર્નિંગ' જાહેર કરાઈ છે.
 
ગુજરાતના દરિયાકિનારે વાવાઝોડું જ્યારે ટકરાશે ત્યારે પવનની ગતિ 125-135 કિલોમીટર પ્રતિ કલાક જેટલી હશે. જે વધીને 150 કિલોમીટર સુધી પહોંચવાની સંભાવના છે.
 
જેના કારણે 15 તારીખના રોજ કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર અને મોરબી જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે જ્યારે પ્રતિ કલાક 100 કિલોમિટર કરતાં પણ વધારે ઝડપે પવન ફુંકાવાની શક્યતા છે.
 
મંગળવારે સવારે અમદાવાદ આઈએમડીનાં ડાયરેક્ટર મનોરમા મોહંતીએ બીબીસી ગુજરાતીના સહયોગી જયદીપ વસંત સાથે વાત કરતા જણાવ્યું, "સોમવારે મોડી રાત્રે બિપરજોય થોડું નબળું પડ્યું હતું. ઍક્સ્ટ્રિમલી સિવિયર સાયક્લૉનિક સ્ટોર્મ (ESCS)માંથી થોડું ધીમું પડ્યું હતું અને હવે તેણે વેરી સિવિયર સાયક્લૉનિક સ્ટોર્મના(VSCS) રૂપમાં આગળ વધી રહ્યું છે."
 
વાવાઝોડાની દિશા અંગે મોહંતીએ ઉમેર્યું હતું, "તે પૂર્વાનુમાન મુજબ જ, ઉત્તર તરફ આગળ વધી રહ્યું છે અને 15 જૂનની સાંજે ગુજરાતના માંડવીથી પાકિસ્તાનના કરાચીની વચ્ચે જખૌ બંદર પાસે લૅન્ડફૉલ કરે તેવી સંભાવના છે. જેના કારણે કચ્છ, દેવભૂમિ દ્વારકા તથા જામનગર જિલ્લા તથા આસપાસના વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે."
 
હાલ દરિયામાં તેના પવનની ગતિ પ્રતિ કલાક 150-160 કિલોમિટર જેટલી છે, જ્યારે મહત્તમ પવનની ગતિ 180 કિલોમિટર જેટલી છે. જોકે, જેમ જેમ તે આગળ વધશે તેમ તેમ પવનની ગતિ ઘટે તેવી શક્યતા દેખાઈ રહી છે.
 
ઉલ્લેખનીય છે કે ભારે ઝડપે ફૂંકાતા પવનને હવામાન વિભાગ દ્વારા સાત શ્રેણીમાં વિભાજિત કરવામાં આવે છે, જેમાંથી બિપરજોય છઠ્ઠી શ્રેણીના ગંભીર પ્રકારના વાવાઝોડામાંથી થોડું ધીમું પડીને પાંચમી શ્રેણીનું વાવાઝોડું બન્યું છે.
 
જ્યારે વાવાઝોડું પ્રતિકલાક 118થી 165 કિમીની ઝડપે ફૂંકાવાની સંભાવના હોય ત્યારે તેને વેરી સિવિયર સાક્લૉનિક સ્ટોર્મ તરીકે ઓળખવામાં આવે છે અને તે 166થી 220 કિમી પ્રતિ કલાકની ઝડપ હાંસલ કરે તો તે ઍક્સ્ટ્રિમલી સિવિયર સાયક્લૉન બને છે.
 
બિપરજોય વાવાઝોડાથી ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગ અનુસાર 14મી જૂને કચ્છ, દ્વારકા જિલ્લામાં છૂટાછવાયા વિસ્તારોમાં અતિથી અતિ ભારે વરસાદની આગાહી છે. અહીં વરસાદને લઈને રેડ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે 14 જૂને પોરબંદર, જામનગર, મોરબીમાં ઑરેન્જ ઍલર્ટ છે, એટલે કે અહીં અમુક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. જ્યારે રાજકોટ, જૂનાગઢમાં યલો ઍલર્ટ છે, જ્યાં અલગઅલગ વિસ્તારોમાં ભારે વરસાદ આવવાની સંભાવના છે.
 
15 જૂને આખા દિવસ દરમિયાન કચ્છ, દ્વારકા, જામનગર જિલ્લામાં અલગઅલગ વિસ્તારોમાં રેડ ઍલર્ટ છે, એટલે કે અહીં અમુક છૂટાછવાયા વિસ્તારોમાં અતિથી અતિ ભારે વરસાદની આગાહી છે. જ્યારે પોરબંદર, રાજકોટ, મોરબી અને જામનગરના અમુક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારોમાં અને ઉત્તર ગુજરાતના અનુક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે. 
 
15 જૂને ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર અને અમદાવાદમાં ભારે વરસાદ આવવાની સંભાવના છે.
 
તો સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
 
હવામાન વિભાગની આગાહી મુજબ 'બિપરજોય'ની વાવાઝોડું ગુજરાતના દરિયા કાંઠે તીવ્ર અસરો જોવા મળી રહી છે.
 
આગાહી પ્રમાણે આ સ્થિતિને કારણે આ લેખ લખાઈ રહ્યો છે એ સમયની આસપાસ ગુજરાતના જાફરાબાદ, ગીર રાજકોટ, ઉપલેટા, ધારાજી તાલુકાઓમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે.