નવું વર્ષ તમામ ગુજરાતીઓને મુબારક

સંવત ૨૦૬૪નું સાલમુંબારક અને જયશ્રીકૃષ્ણ

એજન્સી|

વેબદુનિયા પરિવાર તમામ ગુજરાતીઓને પાઠવે છે કે, વિક્રમ સંવત ૨૦૬૪ના વર્ષના પ્રથમ સૂર્યોદયે નવા વર્ષની શુભકામના અને સાલમુબારક, તમારા આવનારા તમામ ૩૬૫ દિવસ સુધી નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ...

આજના નૂતન વર્ષના દિવસમાં પર્વની ઉજવણી કરી રહેલા ગુજરાતમાં વિતેલા ઉમંગ વર્ષ દરમિયાનની ફિલગૂડ ઘટનાઓને લીધે સવિશેષ ઉત્સાહમય બનેલો છે.

શેરબજારના ભભૂકતા ઉતાર-ચઢાવ વર્ષમાં નવી ઊંચાઈઓ આંબીને સર્જેલા વિક્રમોને પગલે આખાયે અર્થતંત્રનું ફૂલગુલાબી ચિત્ર ઉપસી રહ્યું. આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રુડ ઓઈલ અને સોના-ચાંદીના ભાવવધારા આ ફૂલગુલાબી માહૌલ નીચે દબાઈ ગયા. એ સિવાય રીયલ એસ્ટેટ સહિતના અન્ય સઘળા કારોબારમાં વર્ષ દરમિયાન રહેલી તેજી અને ચોમાસાના ધોધમાર વરસાદને લીધે ગામડેગામડે લીલી હરિયાલી છવાયેલી રહી. આખા વર્ષ દરમિયાન ગુજરાતવાસીને થતાં રહેલાં શુભ શુકન આજના નૂતનવર્ષ પ્રસંગે ધેર-ધેર જાણે ઝગમગી રહ્યાં છે. આજથી શરૂ થઇ રહેલા ૨૦૬૪ના વર્ષમાં પણ તેનો ઉજાસ રેલાતો રહેશે.
રાજકીય ક્ષેત્રમાં પણ અત્યાર લગીની સ્થિતિએ બધાને માટે ફિલગુડ જેવું વાતાવરણ પ્રવર્તી રહ્યું છે. રાજયનો મતદાર પોતાના હાથમાં ભરેલું નાળિયેર લઈને ઊભેલો હોઈ, ભાજપ અથવા કોંગ્રેસ જ તેઓને દેખાય છે. વાસ્તવિકતા તો ૨૩મી ડિસેમ્બરે જ બહાર આવશે. પરંતુ એની અટકળો -ધારણાઓનું હોંશિલું ચિત્ર સમગ્ર રાજકીય ક્ષેત્રને દિવાળી-નૂતનવર્ષના દિવસોમાં વધુ ઉત્સાહ પૂર્ણ રાખી રહેલું જણાય છે. વિ.સં.૨૦૬૩નું વર્ષ ગુજરાતના રાજકીય મોરચે ઉભરેલા ભાજપી અસંતુષ્ટોનું વર્ષ પણ કહી શકાય. પક્ષના મોવડીમંડળને તેમણે બરાબરનું પરેશાન કર્યું.
પક્ષના મોવડીમંડળને તેમણે બરાબરનું મુંઝળ્યું, રાજય સરકાર સામે રાજકીય વિરોધ ઊભા થયા છતાં વિકાસના પંથે ગુજરાતની આગેકૂચ એકંદરે જળવાયેલી રહી.

રાજ્યમાં કન્યા કેળવણીથી માંડીને વનમહોત્સવ સુધીનાં અનેક સરકારી કાર્યક્રમો વિકાસ કામોનો ધમધમાટ વર્ષ દરમિયાન ચાલતો રહ્યો. એસઈઝેડ માં દારૂબંધીની અંશત: છૂટછાટ આપવાના ક્રાન્તિકારી નિર્ણય છતાં રાજયમાં મૂડી રોકાણ ક્ષેત્રે વેગ જળવાઈ રહ્યો મોલ-મિલ્ટપ્લેકસ કલ્ચરે રાજયના શહેરી અને અર્ધશહેરી વિસ્તારોની સૂરત બદલી નાખી, તો રિટેઈલ ક્ષેત્રે મોટાં ઉધોગગૃહોના પદાર્પણે સ્થાનિક બજારોની પણ રંગત લાવી દીધી.
નવા ગ્રાહક યુગનાં જાણે મંડાણ થયાં હોય એમ ઓગસ્ટથી નવેમ્બર સુધી બજારોમાં ભીડ જામેલી રહી. ખેડૂતથી માંડીને ખંડણીખોર સુધીના સઘળાને માટે આખુંયે વર્ષ જજાણે ધીકતું રહ્યું, જેનો ઉત્સાહ અત્યારે દીપોત્સવના દિવસોમાં જગમગી રહેલો જણાય છે.


આ પણ વાંચો :