રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 09
  4. »
  5. મિત્રતા દિવસ 09
Written By પારૂલ ચૌધરી|

યાદ આવે છે મને તે દિવસો..

PARUL
W.D
બધા જ મિત્રો એકબીજાને ફ્રેંડશીપ બેલ્ટ બાંધી રહ્યાં હતાં કેમકે આજે ફ્રેંડશીપ ડે હતો. મે જોયુ કે અમુક છોકરા અને છોકરીઓ પણ એકબીજાને બેલ્ટ બાંધી રહ્યાં હતાં. મને થોડોક સંકોચ થયો કે શું ક્યારેય છોકરા અને છોકરી વચ્ચે પણ સારી એવી મિત્રતા હોઈ શકે? પરંતુ કોલેજમાં જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ મારી તે ગ્રંથિ તુટતી ગઈ અને મારા મિત્રમંડળમાં છોકરા અને છોકરીઓ બધાનો સમાવેશ થતો ગયો.

આ વાત છે આજથી લગભગ છ-સાત વર્ષ પહેલાની. જ્યારે હું કોલેજમાં અભ્યાસ કરવા ગઈ હતી. કોલેજનો તે પહેલો મિત્રતા દિવસ મને આજે પણ યાદ છે. મે પણ મારી અમુક ખાસ ફ્રેંડસને બેલ્ટ બાંધ્યા. તેમાંથી અમુક ફ્રેંડસ સ્કુલ સમયની હતી અને અમુક ફ્રેંડ્સ કોલેજમાં આવીને મળી હતી. તે દિવસે તો બેલ્ટ બાંધી દિધો હતો પરંતુ મને ન હોતી ખબર કે તે બેલ્ટની કિંમત આપણી જીંદગીમાં કેટલી બધી હોય છે? કે મને ડગલે અને પગલે તેમની જરૂરત પડશે. પરંતુ ખબર નહોતી કે આ મિત્રોમાંથી કેટલા હાથ તાળી મિત્રો છે? અને કેટલા જીવનમાં સાથ આપનારા.

આજે બધા જ મિત્રો પોત પોતાની જીંદગીમાં વ્યસ્ત થઈ ચુક્યા છે. કદાચ કોઈને એટલુ પણ પુછવાનો સમય નથી કે કોણ ક્યાં છે અને શું કરે છે? સ્વાભાવિક છે આટલી ભાગદોડ ભરી જીંદગીમાં બધાની જોડે સંબંધ સાચવી રાખવો ઘણો કઠિન છે. પરંતુ આજના આ ખાસ દિવસે મને મારા કોલેજના તે દિવસો અને મારા અમુક ખાસ મિત્રોની યાદ, મારી આંખમાં તે વિચાર સાથે આંસુ લાવી દે છે કે આજે પણ તે દિવસો કાયમ હોય તો જીંદગી કેટલી સુંદર હોત.

N.D
મિત્રો સાથે મળીને ગપ્પાં મારવા, કોલેજના ક્લાસમાં બંક મારવો, પરીક્ષાનો સમય આવે એટલે એકદમ ગંભીર થઈ જવું અને જેવી પરીક્ષા પુર્ણ થાય કે બધા સાથે ખુશીની તે પળો માણવી. પરંતુ કાલ કોણે જોઈ હતી. કોને ખબર હતી કે જીંદગીના આ માયાઝાળમાં એટલા બધા બંધાઈ જઈશું કે એકબીજાને જોવાનો કે વાત કરવાનો પણ સમય નહિ મળે?

પરંતુ કંઈ પણ કહો મિત્રોની જીંદગીમાં કેટલી જરૂરત હોય છે તેની સમજણ તો ત્યારે જ પડે છે જ્યારે આપણે જીંદગીમાં કોઈ મુશ્કેલ ઘડીમાં એકલા હોઈએ અને આપણને રડવા માટે ખભો આપનાર કોઈ જ ન હોય. તેથી જ તો પેલી કહેવત પડી છે કે, મિત્ર એવો શોધવો ઢાલ સરીખો હોય, સુખમાં પાછળ પડી રહે, દુ:ખમાં આગળ હોય.