ગુજરાતમાં લોકસભાની પાંચ ચૂંટણીઓમાં દેશમાં થયેલા સરેરાશ મતદાન કરતા પણ ઓછું મતદાન

વેબ દુનિયા| Last Modified મંગળવાર, 1 એપ્રિલ 2014 (11:06 IST)

PTI
ચૂંટણી પંચના સત્તાવાળાઓ આ વર્ષે લોકસભાની છેલ્લી ૨૦૦૯ની ચૂંટણીમાં થયેલા મતદાન કરતા ૧૦ ટકા કે તેથી વધુ મતદાન થાય તે માટેના વ્યાપક પ્રયાસો કરી રહ્યા છે. કેમ કે, ગુજરાતમાં લોકસભાની પાછલી પાંચ ચૂંટણીઓમાં એટલે કે ૧૯૯૬થી માંડીને ૨૦૦૯ની ચૂંટણીઓમાં દેશમાં થયેલા સરેરાશ મતદાન કરતા બેથી માંડીને બાવીસ ટકા જેટલું થયું છે.

સન ૧૯૭૭ની લોકસભાની સામાન્ય ચૂંટણીમાં ગુજરાતના પ્રતિનિધિ તરીકે મોરારજી દેસાઇ વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે પ્રોજેક્ટ થઇને ચૂંટણી લડેલાં ત્યારે ગુજરાતમાં આગલી લોકસભાની તુલનામાં સરેરાશ ૪ ટકા વધુ વોટિંગ થયું હતું. ત્યારબાદ ફરી એકવાર આ વખતે ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી તેમની પાર્ટી ભાજપ દ્વારા વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યાં છે, ત્યારે ગુજરાતમાં ફરીવાર મોટા પ્રમાણમાં મતદાન થશે કે કેમ તે લાખ રૃપિયાનો સવાલ છે, કેમ કે ગુજરાતીઓ લોકસભાની ચૂંટણીમાં મતદાન કરવામાં એકંદરે નિરસ રહેતા હોવાનો રેકોર્ડ છે.
સન ૧૯૭૭માં ખાતે લોકસભાની સામાન્ય ચૂંટણીમાં સરેરાશ ૫૯.૨૧ ટકા મતદાન થયું હતું, જે અગાઉ ૧૯૭૧ની ચૂંટણીમાં ૫૫.૪૦ ટકા રહ્યું હતું. આમ, ગુજરાતનું પ્રતિનિધિત્વ કરતાં મોરારજી દેસાઇ જે ચૂંટણી પછી દેશના પહેલા ફુલફ્લેજ્ડ ગુજરાતી વડાપ્રધાન બન્યાં તે ૧૯૭૭ની ચૂંટણીમાં અગાઉની ચૂંટણી કરતાં 'પ્રિસાઇસ્લી' ૩.૭૨ ટકા વધુ મતદાન નોંધાયું હતું.
જોકે છેલ્લી પાંચ લોકસભાની સામાન્ય ચૂંટણીઓમાં ગુજરાત ખાતે એકંદરે મતદાન દેશ કરતાં ઓછું રહ્યું છે. એકમાત્ર ૧૯૯૮ની લોકસભા ચૂંટણીમાં જ ગુજરાત ખાતે મતદાનમાં મોટો ઊછાળો નોંધાયો હતો. અને સરેરાશ મતદાન ૫૯.૩૧ ટકા રહ્યું છે. બાકી ૧૯૯૬, ૧૯૯૯, ૨૦૦૪ અને ૨૦૦૯ની ચૂંટણીઓમાં ગુજરાત ખાતે સરેરાશ મતદાન ૫૦ ટકા કરતાંય નીચું રહ્યું હતું. આ છેલ્લી પાંચેય ચૂંટણીઓમાં ગુજરાત કરતાં સમગ્ર દેશનું સરેરાશ મતદાન ઊંચું રહ્યું હતું.
સન ૧૯૯૬ની ચૂંટણીમાં ગુજરાત ખાતે સરેરાશ મતદાન માત્ર ૩૫.૯૨ ટકા રહ્યું, ત્યારે દેશનું એવરેજ મતદાન ૫૭.૯૪ ટકા હતું. ૧૯૯૮માં ગુજરાતમાં ૫૯.૩૧ ટકા મતદાન થયું, ત્યારે દેશમાં ૬૧.૯૭ ટકા મતદાન નોંધાયું હતું. અટલ બિહારી વાજપેયી જે ચૂંટણી પછી એનડીએના વડાપ્રધાન થયા તે ૧૯૯૯ની ચૂંટણીમાં ગુજરાત ખાતે સરેરાશ મતદાન માત્ર ૪૭.૦૩ ટકા નોંધાયું હતું, જ્યારે એ વખતે દેશનું સરેરાશ મતદાન, ગુજરાત કરતાં ઘણું વધારે ૫૯.૯૯ ટકા રહ્યું હતું. ૨૦૦૪ અને ૨૦૦૯ની લોકસભા સામાન્ય ચૂંટણીઓમાં પણ ગુજરાત ખાતે સરેરાશ મતદાન અનુક્રમે ૪૫.૧૬ ટકા અને ૪૭.૮૯ ટકા નોંધાયું હતું અને એની તુલનામાં પણ દેશનું સરેરાશ મતદાન ઘણું ઊંચું રહ્યું હતું.
આમ ઉદ્યમશીલ ગુજરાતીઓ મોટેભાગે લોકસભા ચૂંટણીઓમાં મતદાન કરવામાં આળસુ રહ્યા છે, ત્યારે શું તેઓ મોદીને વડાપ્રધાન પદે બેસાડવા માટે મોટાપાયે વોટિંગ કરવા આ વખતે આગળ આવશે કે કેમ તે યક્ષપ્રશ્ન છે.

વિધાનસભાની ૂચૂંટણીઓમાં સ્થાનિક અને રાજ્ય સ્તરીય બાબતો જોડાયેલી હોઇ મતદારો મતદાન કરવામાં ઉત્સાહ બતાવતા હોય છે, પણ લોકસભાની ચૂંટણીઓમાં મતદાન કરવામાં ગુજરાતીઓ નિરસ રહ્યાં છે. જોકે ચૂંટણી પંચે ૨૦૦૯ની ચૂંટણીની તુલનાએ આ વખતે ૧૦ ટકા વધુ મતદાન કરાવવાનો લક્ષ્યાંક નક્કી કરી મતદાતા જાગૃતિ ઝૂંબેશ આરંભી છે. આ ઝૂંબેશ મોદીને કેટલી ફળે છે તે તો સમય જ કહેશે.


આ પણ વાંચો :