કોંગ્રેસ, ભાજપ, સપા અને બસપા સહિત તમામ પ્રમુખ રાજકીય દળોએ મોટાભાગની બેઠકો પર પોતપોતાના ઉમેદવારો ઉતારી દીધા છે. મોટાભાગના તેનો સામનો ભાજપ સાથે હોવાનું બતાવી રહ્યા છે. આ પક્ષોની યાદી જોતા સ્પષ્ટ છે કે ઉમેદવારોની પસંદગીમાં માત્ર ક્ષેત્ર, જાતિ અને ધર્મના પ્રભાવને ધ્યાનમાં રાખવાના પ્રયાસો નથી થયા પણ કેટલીક બેઠકો પર હિન્દુ-મુસ્લિમ મતોના ધ્રુવીકરણનું સપનું પણ દળોએ જોયું છે.
પરંતુ આ રાજકીય રણનીતિમાં કેટલીક બેઠકો એવી ઉભરીને સામે આવી છે જ્યાં કેટલાક પ્રમુખ દળોએ આમને-સામને દમદાર મુસ્લિમ ઉમેદવારો ઉતારી દીધા છે. લોકસભા ચૂંટણીના મેદાનમાં કોંગ્રેસ હોય કે સપા અથવા બસપા, ‘મોદી રોકો' આંદોલનમાં એકબીજાથી ચઢીયાતા સાબિત થવાની હોડ લાગી છે. ગુજરાત રમખાણોના બહાને મોદીની મુસ્લિમ વિરોધી છબી ઉપસાવી મુસ્લિમોનું ધ્રુવીકરણ કરાવવાની તૈયારી છે. આ માટે કેટલીક બેઠકો પર તમામ પ્રમુખ બિન ભાજપી દળોએ મુસ્લિમ ઉમેદવારો ઉતાર્યા છે. પヘમિથી લઇને પૂર્વ સુધી જોઇએ તો કેટલીક બેઠકો એવી છે જ્યાં બે-બે પ્રભાવશાળી મુસ્લિમ ઉમેદવારો છે. કેટલીક તો એવી પણ છે જ્યાં ત્રણ-ત્રણ દમદાર મુસ્લિમ ચહેરા સામસામે છે. હવે ધ્રુવીકરણની ધુનમાં તલ્લીન મુસ્લિમ મતદાતાઓ ગુંચવાડામાં પડી ગયા છે. હવે જોવાનું રહ્યુ કે ઉમેદવાર ધ્રુવીકરણની ચાલમાં પાસ થાય છે કે નહીં?