યુવાનો, લોકસભા-૨૦૧૪ અને સોશિયલ મીડિયા

રાહુલ પટેલ

વેબ દુનિયા| Last Modified ગુરુવાર, 20 માર્ચ 2014 (17:30 IST)

W.D
લોકસભાની ચૂંટણીના આડે માત્ર ગણતરીના દિવસ જ બાકી છે. ભારતીય ચૂંટણીપંચ દ્વારા લોકસભા-૨૦૧૪ની સામાન્ય ચૂંટણીઓની જાહેરાત કરી દેવામાં આવી છે. સમગ્ર દેશમાં ૭ એપ્રિલથી ૧૨ મે સુધી એમ કુલ નવ તબક્કામાં ચૂંટણી યોજાવાની છે તથા ૧૬ મેના રોજ મતગણતરી થશે. આમ, ચૂંટણીપંચના નિયમ અનુસાર સામાન્ય ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. પરંતુ ખરેખર દેશમાં લોકસભાની ચૂંટણીના પડઘમ તો વર્ષ-૨૦૧૩માં યોજાયેલી પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ અગાઉથી જ સંભળાઈ રહ્યા છે. ભારતીય જનતા પક્ષ દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને તેમના પક્ષ તરફથી વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે ઘોષિત કરવામાં આવ્યા છે. તેઓ ૬૩ વર્ષના છે, પરંતુ છે. કોંગ્રેસના વડાપ્રધાન પદના અઘોષિત ઉમેદવાર રાહુલ ગાંધી સ્વયં યુવાન અને કુંવારા છે. જ્યારે અન્ના હજારેના ભ્રષ્ટ્રાચાર વિરૂધ્ધના આંદોલનમાંથી જન્મેલી આમ આદમી પાર્ટી (આપ) ચૂંટણીમાં સમીકરણો બદલી શકે એમ છે. માત્ર ૧૫ મહિના જૂની પાર્ટી દિલ્લીની વિધાનસભાની ચૂંટણીમાં ૨૮ બેઠકો જીતી હતી. આપ પાર્ટીએ કોંગ્રેસનો ટેકો લઈને દિલ્હીમાં સરકાર બનાવી અને માત્ર ૪૯ દિવસમાં જ સરકાર ભાંગી પડી હતી. દિલ્હીમાં આમ આદમી પાર્ટીની જીતનો સંપૂર્ણ આધારસ્તંભ યુવાનો જ હતા. આમ લોકસભાની ચૂંટણીમાં ત્રણ પક્ષો વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો છે તેમજ પ્રાદેશિક પક્ષોએ સાથે મળીને ત્રીજો મોરચો રચ્યો છે. દરેક રાજકીય પક્ષો મતદાતાઓને રીઝવવામાં અને નવા રાજકીય સમીકરણો બનાવવામાં લાગી ગયા છે. પરંતુ આ વખતે લોકસભાની ચૂંટણીમાં સત્તાની ચાવી યુવાનો પાસે છે. ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ ૧ જાન્યુઆરી ૨૦૧૪ સુધીમાં કુલ ૮૧ કરોડ ૪૫ લાખ મતદારો છે, જે ૨૦૦૯ની લોકસભાની ચૂંટણી કરતાં ૧૦ કરોડ ૧૫ લાખ મતદારો વધારે છે.

યુવાનોની મહત્વપૂર્ણ ભૂમિકા

W.D

લોકસભાની ચૂંટણીમાં અત્યંત મહત્વનું પાસું એ છે કે આ વખતે યુવાનો જ નક્કી કરશે કે દેશના વડાપ્રધાન કોણ બનશે? ખાસ કરીને જે યુવક-યુવતીઓ પ્રથમવાર પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે તેઓ મહત્વનો ભાગ ભજવી શકે એમ છે. યુવા મતદારોને સીધા સ્પર્શતા પોતાના મુદ્દા છે. તેમના માટે સૌથી મહત્વનો મુદ્દો શિક્ષણ અને રોજગારી છે. આ ઉપરાંત ભ્રષ્ટ્રાચાર અને મોંઘવારી મધ્યમ વર્ગને અસર કરતાં મુદ્દાઓ પણ એટલા જ મહત્વના છે. તેમના મતે સુશાસનનો મુદ્દો પણ અગત્યનો છે.યુવા અને રાજકીય પક્ષો

અત્યાર સુધી તમામ રાજકીય પક્ષોએ હંમેશાં યુવા મતદારોની અવગણના કરી છે, પરંતું આ વખતે ચૂંટણીમાં કોઈપણ રાજકીય પક્ષને હંમેશાં અધીરા અને મહત્‍વકાંક્ષી એવા યુવા મતદારોનું મૂલ્ય ઓછુ આંકવાની ભુલ એકપણ રાજકીય પક્ષને પાલવે તેમ નથી તે અત્રે નોંધવું રહ્યું. કોંગ્રેસ દ્વારા યુવા મતદારોને પોતાના તરફ આકર્ષવા માટે તેના ઈતિહાસમાં સૌપ્રથમ વાર લોકસભાની ચૂંટણીના ઢંઢેરામાં વિદ્યાર્થીઓના અભિપ્રાયોને સામેલ કરવામાં આવી રહ્યા છે. તેમજ ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ યુવાનો પોતાના તરફ ઢળે તે માટે તમામ પ્રકારના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. તેમાંય ખાસ કરીને ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી આગામી લોકસભાની ચૂંટણીમાં યુવા ઉમેદવારોને ઉતારવાની રણનીતિ પણ બનાવી લીધી છે. ભાજપ અને આપ દ્વારા તાજેતરમાં યોજાયેલી પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં યુવાનોને ટિકિટ આપવામાં આવી હતી. તેમાંય ખાસ કરીને રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં આ પ્રયોગ સફળ રહ્યો હતો. દિલ્લીની આપ સરકારમાં અરવિંદ કેજરીવાલના કેબિનેટમાં યુવાનોને પણ મંત્રીપદ આપવામાં આવ્યું હતું.
લોકસભાની ચૂંટણીણીમાં સૌથી વધારે યુવા મતદાતાઓ છે તે આંકડો જોઈને ભાજપ વધારે ખુશ થાય છે કારણકે યુવા મતદારો કોઈપણ રાજકીય વિચારધારા હેઠળ દબાયેલા ન હોવાથી તેઓ વર્તમાન કોંગ્રેસશાસિત યુપીએ સરકાર સામે નકારાત્મક વલણ રાખી શકે એમ છે. આપ પણ એવું માને છે કે યુવાઓ યુપીએ સરકારના વિરૂધ્ધમાં ભ્રષ્ટ્રાચારના મુદ્દાને લઈને મતદાન કરશે.
યુવા અને સોશિયલ મીડિયા

W.D
આજે સોશિયલ મીડિયા શબ્દ સાંભળતાં જ દરેક યુવક-યુવતીના નજર સમક્ષ સમક્ષ ફેસબુક, ટ્વીટર,વોટ્સએપ અને ટેલિગ્રામ આવી જાય છે. સોશિયલ મીડિયા વિના યુવા પેઢી જાણે પાંગળી બની ગઈ છે. તેઓ એક સમયે શ્વાસ લેવાનું ચૂકી જશે પરંતું તેઓ ફેસબુક, વોટ્સએપ પર પોતાના મિત્રોને પ્રત્યુતર આપવાનું ચૂકશે નહિ. રાજકારણીઓ યુવાનોની સોશિયલ મીડીયા પ્રત્યેની ઘેલછાને સારી રીતે જાણે છે. નેતાઓ દ્વારા ફેસબુક,ટ્વીટર,વોટ્સએપ અને બ્લોગ દ્વારા પોતાના વિચારો રજૂ કરીને મતદારોને આકર્ષવાના પ્રયત્ને રજૂ કરી રહ્યા છે. ટેકનોલોજીના આ યુગમાં દરેક રાજકીયપક્ષોએ નવી પેઢીની ભાષામાં (સોશિયલ મીડીયા) વાત કરવી પડશે. ભાજપ દ્વારા મતદારોને આકર્ષવા માટે ‘ઈન્ડિયા ૨૭૨ +’ એપ લોન્ચ કરવામાં આવી છે. જેને એન્ડ્રોઈડ પ્લેટફોર્મ પર ૧૦,૦૦૦ થી વધારે વખત ડાઉનલોડ કરવામાં આવી છે. ભારતના શહેરી વિસ્તારોમાં સ્માર્ટફોન વપરાશકારોનો આંકડો લગભગ ૫.૧ કરોડ સુધી પહોંચ્યો છે. અત્યારે તમામ પક્ષના ધારાસભ્યો અને સંસદ સભ્યો તથા સંગઠનના સભ્યો ફેસબુક પર પોતાનું એકાઉન્ટ ધરાવે છે અને તેના પર દરરોજ સક્રિય રીતે તેના પર અપડેટ પણ કરે છે. આમ આદમી પાર્ટી દ્વારા પણ મધ્યમ વર્ગને આકર્ષવા માટે એપ્લીકેશન લોન્ચ કરવામાં આવી છે. જ્યારે કોંગ્રેસ દ્વારા ‘ભારત નિર્માણ‘ના અભિયાન અંતર્ગત યુપીએના ૧૦ વર્ષના શાસનકાળની સિધ્ધિઓને સોશિયલ મીડિયા દ્વારા યુવાનો સુધી પહોંચાડવામાં આવે છે. દરેક પક્ષો દ્વારા સોશિયલ મીડિયા સેલ પણ ઉભો કરવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે આઇઆરઆઇએસ જ્ઞાન ફાઉન્ડેશન અને ભારતીય ઇન્ટરનેટ તથા મોબાઇલ સંધ દ્રારા તાજેતરમાં કરેલા એક સર્વેમાં જણાવવામાં આવ્યું છે કે આગામી ચુંટણીમાં સોશિયલ મીડીયા લોકસભાની ચુંટણીની કુલ 543 બેઠકોમાંથી 160 સીટોને પ્રભાવિત કરી શકે છે. તેથી જ આજના રાજકારણમાં સોશિયલ મીડિયાની અનિવાર્યતા ઉભી થઈ છે.


આ પણ વાંચો :