સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Updated : મંગળવાર, 19 ડિસેમ્બર 2017 (12:22 IST)

ચૂંટણી જીત્યા પછી ભાજપ સામે બેરોજગારી અને ખેડૂતોના પ્રશ્નોનો પડકાર

ગુજરાતમાં ભાજપનો પાતળી સરસાઈથી વિજય થયો પરંતુ તેના અનેક સંકેત છે, જે મોદી સરકાર અને ભાજપે સમજવા પડશે. હવે ચૂંટણી પૂરી થઈ ગઈ છે ત્યારે ભાજપ માટે સુશાસન અને હિન્દુત્વ આ બે મુદ્દે નક્કર કામગીરી બતાવવાનો પડકાર ઊભો થયો છે. આ ઉપરાંત બેરોજગારી અને ગ્રામીણ ક્ષેત્રોમાં ખેડૂતો સહિતના નાગરિકોમાં જે નારાજગી પ્રવર્તી છે તેને યોગ્ય વાચા આપવાનો પણ પડકાર છે. કારણ કે આ મુદ્દાને કારણે ભાજપની બેઠકો ઘટી છે અને કોંગ્રેસને તેનો ફાયદો મળ્યો છે.

ભાજપ અત્યારે મોદી સરકારની કેન્દ્રીય કલ્યાણકારી યોજનાઓને આધારે ગરીબ મતદારો સુધી પહોંચવાનો પ્રયાસ કરતો રહ્યો છે. કેન્દ્રની ઉજ્જવલા એલપીજી યોજના અને ટોઈલેટ બનાવવાના પ્રોજેકટને મોટાભાગના નેતાઓ અને મંત્રીઓ આ સરકારની સિદ્ઘિ ગણાવી રહ્યા છે. તેના દ્વારા પક્ષ ગરીબો અને ઓબીસી વર્ગ સુધી પહોંચવા પ્રયાસ કરી રહ્યો છે. રાહુલ ગાંધીએ આ સરકાર અમીરોની સરકાર છે તેવો જોરદાર પ્રચાર કર્યો તેની સામે મોદી સરકારે તે વિકાસ પ્રત્યે જેટલી સજાગ છે તેટલી જ ગરીબો પ્રત્યે સંવેદનશીલ છે તેવું બતાવવાનો પ્રયાસ કર્યો. હિન્દુત્વનો મુદ્દો ભાજપે યોગ્ય સમયે આગળ કર્યો. એકપણ મુસ્લિમ ઉમેદવારને તેણે ગુજ56રાતમાં ટિકિટ ન આપી અને પરોક્ષ રીતે હિન્દુત્વને આગળ કર્યું. રાહુલ અંગે મોદીએ 'ઔરંગઝેબ રાજ'ટિપ્પણી દ્વારા પણ આ ભાવનાત્મક મુદ્દો આગળ કર્યો. અહેમદ પટેલને કોંગ્રેસ મુખ્યમંત્રી બનાવવા માગે છે તેવું પણ મોદીએ તેમના ભાષણમાં કર્યું હતું. ગુજરાતમાં ગ્રામીણ અને નાના શહેરોમાં મોટાભાગના યુવાઓ આજે પણ સરકારી નોકરીની આશા રાખે છે. તેમને કામ જોઈએ છે. અનામતની માગણી પણ તેમાંથી જ જન્મી છે. ગુજરાતમાં અનેક ઉદ્યોગો આવ્યા છે છતાં રોજગારીનું પ્રમાણ એટલું વધ્યું નથી. રોજગારની સમસ્યા માત્ર ગુજરાતમાં જ નહીં, પણ સમગ્ર દેશમાં છે, જે મોદી સરકાર માટે મોટો પડકાર છે અને ૨૦૧૯ની ચૂંટણીમાં પણ તે મોટો પડકાર બનશે. યુવાઓ ભાજપને મત આપી રહ્યા છે તેવું વોટિંગ પેટર્ન પરથી જોવા મળ્યું છે. આવા સંજોગોમાં યુવાઓ હતાશ ન થાય તે માટે તેમને કામ મળે તેની વ્યવસ્થા હવે ભાજપની ગુજરાતની નવી સરકાર અને કેન્દ્રની મોદી સરકારે કરવી જ પડશે. જંગી ખર્ચ કરીને આ યુવાઓ ખાનગી ઈન્સ્ટિટ્યૂટ્સમાં ભણે છે, પણ નોકરી મળે નહીં તો યુવાઓ જાય કયાં. ખેડૂતોની સમસ્યા પ્રત્યે ભાજપે પૂરતી સંવેદનશીલતા દાખવી નથી તે દલીલમાં પણ કેટલાક અંશે તથ્ય જણાય છે. કપાસથી લઈને વિવિધ કોમોડિટીના લઘુતમ ટેકાના ભાવમાં ભાજપે જે વચનો આપ્યા હતા તે પાળ્યા નથી અને જેમાં ભાવ આપ્યા તેમાં પૂરતી ખરીદી કરી નથી. મોદી સરકારે ૨૦૨૨ સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાનું સૂત્ર તો આપી દીધું, પણ હકીકત તેનાથી ઘણી દૂર છે.