ગુજરાત વિધાનસભા 2012ની ચૂંટણીમાં ઉત્તર ગુજરાતની સ્થિતી અને હાલની પરિસ્થિતી
ગુજરાતમાં 2012માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ ઉત્તર ગુજરાતમાં ભારે થાપ ખાઈ ગયું હતું. ખાસ કરીને સાબરકાંઠામાં ભાજપને મોટો ફટકો પડ્યો હતો. ઉત્તર ગુજરાતની 32 સીટોમાંથી ભાજપને માત્ર 14 સીટો જ મળી હતી જ્યારે કોંગ્રેસને 17 સીટો પર વિજય થયો હતો. તત્કાલિન સીએમ મોદી ઉત્તર ગુજરાતના હોવા છતાં તેઓ ભાજપને બહુમતી નહોતા અપાવી શક્યા. આનું મુખ્ય કારણ એ હતું કે એ વખતે જે ઉમેદવારોને ટિકીટ મળી હતી
તેઓની તેમના વિસ્તારમાં ફરિયાદો ઉઠવા પામી હતી અને વિકાસના નામે જાણે વિનાશ વેર્યો હોય તેમ તેમણે પ્રજા લક્ષી કામો કરવામાં પીછેહટ કરી હતી. આ ધારાસભ્યોમાં વિજાપુર, વિસનગર, ઊંઝા, જેવા વિસ્તારોનો સમાવેશ થતો હતો. તે ઉપરાંત સાબરકાંઠામાં ભાજપના તત્કાલિન ગૃહમંત્રી પ્રફૂલ પટેલ પણ લોકોની ટીકાઓનો ભોગ બન્યાં હતાં. તેમની વધતી જતી ફરિયાદો અને ગુનેગારોને છાવરવાની ચર્ચાઓથી સાબરકાંઠામાં ભાજપને માત્ર એક જ સીટ મળી હતી જેમાં હાલના વિધાનસભાના અધ્યક્ષ રમણલાલ વોરા વીજયી બન્યાં હતાં. બાકી તમામ બેઠકો પર કોંગ્રેસનો વિજય થયો હતો. તે ઉપરાંત વિજાપુરમાં સતત બે ટર્મથી ભાજપના હાથમાં રહેલી સીટ પણ કાંતિલાલ પટેલની લોકફરિયાદોને લીધે ભાજપે ગુમાવવી પડી હતી અને કોંગ્રેસના પી.આઈ. પટેલનો વિજય થયો હતો. જેઓ હાલ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા છે. તે ઉપરાંત બનાસકાંઠામા પણ કોંગ્રેસને પાંચ સીટો પર વિજય મળ્યો હતો. જ્યારે ભાજપને માત્ર ચાર સીટો મળી હતી. મહેસાણામાં જે ભાજપનો ગઢ ગણાતો હતો તે જિલ્લો આંચકીને કોંગ્રેસે બે સીટો પોતાના નામે કરી હતી. ગાંધીનગરમાં પણ પાંચમાંથી ત્રણ સીટો પર કોંગ્રેસ વિજયી રહી હતી. હાલની પરિસ્થિતી પ્રમાણે જોઈએ તો પાટીદાર, દલિત અને ઠાકોર સેનાના આંદોલનો ઉપરાંત ધારાસભ્યોમાં અંદરખાને પ્રવર્તિ રહેલો વિરોધ ભાજપને નડે એમ છે અને આ 32 સીટોમાંથી ભાજપને 2012માં જે 14 સીટો મળી હતી તેમાં પણ ઘટાડો થઈને 10 સીટો પર આવી શકે એમ છે. કારણ કે વિસનગરમાં ભાજપના ધારાસભ્ય ઋષિકેશ પટેલ, મહેસાણામાં નિતિન પટેલના ગૃપને ફટકો પડે એમ છે. તે ઉપરાંત બનાસકાંઠામાં શંકર ચૌધરીની સીટ પણ આ વખતે જોખમમાં હોય તેવું લાગી રહ્યું છે. 2012 કરતાં 2018માં ભાજપને વધારે નુકસાન વેઠવું પડે એમ છે. ઉત્તર ગુજરાતમાં પુરની પરિસ્થિતી અને અગાઉથી જ ચાલી આવતાં ખેડુતોના પ્રશ્નો આ વખતે ભાજપને નડે એમ છે. તે ઉપરાંત ખાસ કરીને પાટીદારોના પ્રશ્નો ભાજપના ધારાસભ્યોને આંખે પાણી અપાવે તેવું લાગી રહ્યું છે.