મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: સોમવાર, 20 નવેમ્બર 2017 (12:28 IST)

રાજકિય પક્ષોના ૮૦ સ્ટાર પ્રચારકો ૨૨ નવેમ્બર પછી ગુજરાત ઘમરોળશે

ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણી માટે ભાજપ, કોંગ્રેસ સહિતના અન્ય પક્ષોએ સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી દીધી છે. ભાજપ અને કોંગ્રેસ બંનેએ ૪૦-૪૦ સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. પ્રથમ તબક્કા માટે ઉમેદવારી પત્ર ભરવાની આખરી તારીખ ૨૧ નવેમ્બર છે અને તેના બીજા દિવસથી સ્ટાર પ્રચારકો ચૂંટણીના સંગ્રામમાં પ્રચાર માટે ઝંપલાવશે. જોેકે, કોંગ્રેસના સ્ટાર પ્રચારકોની યાદીમાં પ્રિયંકા ગાંધીનો સમાવેશ કરવામાં આવ્યો નથી.

ભાજપના સ્ટાર પ્રચારકોની યાદીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ, લાલકૃષ્ણ અડવાણી, સ્મૃતિ ઇરાની, હેમા માલિની, પરેશ રાવલ, યોગી આદિત્ય નાથ જેવા રાષ્ટ્રીય નેતા તેમજ આનંદીબહેન પટેલ, વિજય રૃપાણી, નીતિન પટેલ જેવા રાજ્યના વરિષ્ઠ નેતાઓનો સમાવેશ થાય છે. એક સંભાવના એવી પણ છે કે ભાજપ એક જ દિવસમાં અલગ-અલગ વિધાનસભા બેઠક પરથી ૩૦ સ્ટાર પ્રચારકો પાસે જાહેર સભા કરાવશે. તમામ ૧૮૨ બેઠક પરથી ઉમેદવાર જાહેર કર્યા બાદ નરેન્દ્ર મોદી ગુજરાતમાં પ્રચાર શરૃ કરશે. ગુજરાતમાં નરેન્દ્ર મોદી ૩૦ જેટલી સભા અને રોડ શો યોજે તેવી સંભાવના છે. ભાજપના સ્ટાર પ્રચારકોમાં વિજય રૃપાણી ઉપરાંત મહારાષ્ટ્રના દેવેન્દ્ર ફડનવીસ, ઉત્તર પ્રદેશના યોગી આદિત્યનાથ, મધ્ય પ્રદેશના શિવરાજસિંહ ચૌહાણ, રાજસ્થાનનાં વસુંધરા રાજે એમ પાંચ રાજ્યના મુખ્યમંત્રીનો પણ સમાવેશ થાય છે. બીજી તરફ કોંગ્રેસની યાદીમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, મનમોહન સિંહ, અહેમદ પટેલ, સામ પિત્રોડા, નવજોતસિંહ સિદ્ધુ, રાજ બબ્બરનો સમાવેશ થાય છે. સ્ટાર પ્રચારકોમાંથી બહુજન સમાજ પાર્ટીમાંથી માયાવતી, સમાજવાદી પાર્ટીમાંથી અખિલેશ યાદવ, એનસીપીમાંથી શરદ પવારનો મુખ્યત્વે સમાવેશ કરવામાં આવ્યો છે.