શનિવાર, 30 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Updated : બુધવાર, 10 મે 2017 (16:40 IST)

હું સીએમ માટે દાવેદાર નથી પ્રદેશ પ્રમુખની દાવેદારીમાં ચૂંટણી લડીશું - શંકરસિંહ વાઘેલા

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની કારોબારી બેઠક આજે મળી હતી. બેઠકમાં ગુજરાત કોંગ્રેસના પ્રભારી અશોક ગહેલોત અને પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી અને વિરોધપક્ષના નેતા શંકરસિંહ વાઘેલા અને અહેમદ પટેલ ઉપસ્થિત રહ્યાં હતા. કારોબારી બેઠક પછી શંકરસિંહે પત્રકારોને સંબોધતાં કહ્યું હતું કે, હું સીએમ પદનો દાવેદાર નથી, ગુજરાતની આગામી ચૂંટણી કોંગ્રેસ ભરતસિંહ સોંલકીની આગેવાનીમાં લડશે. કારોબારી બેઠકમાં ચૂંટણી પ્રચાર,  કોંગ્રેસની રણનીતિ સહિતના મુદ્દે વરિષ્ઠ નેતાઓએ સ્થાનિક નેતાઓને સંબોધન સાથે માર્ગદર્શન આપ્યું હતું. બેઠકને સંબોધન કરતાં અહેમદ પટેલ કહ્યું હતું કે, કોંગ્રેસ પાસે ચૂંટણી ભંડોળ નથી એટલે દરેક કાર્યકર્તા પાસેથી 500 રૂપિયા લઈને ચૂંટણીમાં ઝંપલાવશે. ટિકીટ માટે કોઈની પણ ભલામણ નહીં ચાલે, જીતી શકે તેવા જ ઉમેદવારોને ટિકીટ અપાશે.
 કોંગ્રેસના નવા પ્રદેશ પ્રભારી અશોક ગેહલોત આજથી ગુજરાતના બે દિવસના પ્રવાસે આવ્યા છે. આજે સવારે તેમની ઉપસ્થિતિમાં બોડકદેવના કોર્પોરેશનના ઓડિટોરિયમ ખાતે પ્રદેશ કારોબારીની બેઠક યોજાઇ હતી. જેમાં આવનારી વિધાનસભાની ચૂંટણીના સંદર્ભમાં મહત્વપૂર્ણ ચર્ચા વિચારણા કરાઇ હતી. આ બેઠકમાં ભરતસિંહ સોલંકી,શંકરસિંહ વાઘેલા,શક્તિસિંહ ગોહિલ ,સિદ્ધાર્થ પટેલ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.

પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીની અધ્યક્ષતામાં યોજાયેલી પ્રદેશ કારોબારીની બેઠકમાં વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને સંગઠન માળખા ઉપર ખાસ ધ્યાન કેન્દ્રીત કરાયું હતું.પાટીદાર ધારાસભ્યોને સંગઠન અને ચૂંટણીની કામગીરીમાં મહત્વપૂર્ણ સ્થાન આપવા અંગે પણ ચર્ચા વિચારણા કરાઇ હતી. જો કે વિધાનસભામાં વિપક્ષના હાલના નેતાના સ્થાને નવા નેતાની નિમણૂકની અટકળો પર પૂર્ણવિરામ મુકાઇ ગયું છે.

અશોક ગેહલોત આવતી કાલે સાંજે દિલ્હી જવા રવાના થશે. તે પહેલાં તેમનો સંગઠનના વિવિધ હોદ્દેદારો- ધારાસભ્યો સાથેની અલગ અલગ બેઠકોનો ધમધમાટ રાજીવ ગાંધી ભવન ખાતે ચાલશે. આજે બપોરે ત્રણ વાગે તેઓ ધારાસભ્યો સાથે બેઠક યોજશે. બે દિવસના ગુજરાત પ્રવાસના અંતે તેઓ પક્ષના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને પોતાનો વિસ્તૃત રિપોર્ટ સોંપશે. જેના આધારે દિલ્હી ખાતેથી સંગઠનને લગતાં મહત્વપૂર્ણ ફેરફારની જાહેરાત કરાશે.